Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

પંચાયતમાં ભરતી માટેની ૩પ લાખ જેટલી અરજીઓ રદ થશેઃ નવી મંગાવાશે

સરકારે જિલ્લાવાર પસંદગી સમિતિઓ વિખેરી કેન્દ્રીયકૃત પધ્ધતિથી ભરતી કરવાનું વિધેયક પસાર કર્યુ : ર૦૧૮માં કલાર્ક-તલાટીની ર૮૭૬ જગ્યાઓ માટે ૩પ લાખ જેટલી અરજીઓ આવેલઃ હવે જગ્યાઓની સંખ્યા વધારીને પ હજાર જેટલી કરાશે : શૈક્ષણીક લાયકાત, ઉંમર અને ફી બાબતમાં જુના ઉમેદવારોને અન્યાય નહિઃ નવા લાયક બનેલા યુવાનો પણ અરજી કરી શકશેઃ જગ્યાઓનો વધારો થશે, ડુપ્લીકેશન ટળવાથી અરજીઓની સંખ્યા ઘટશે

રાજકોટ, તા., ૧: ગુજરાત સરકારે પંચાયત સેવા વર્ગ-૩ની ભરતીમાં એકસુત્રતા લાવવા જિલ્લાવાર પસંદગી સમીતીઓ વિખેરી પરીક્ષા સહીતની સમગ્ર ભરતી પ્રક્રિયા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કરવાનું વિધેયક ગઇકાલે વિધાનસભામાં પસાર કર્યુ છે. હવે પધ્ધતીમાં ધરખમ ફેરફાર આવી રહયા છે. સરકારે ર૦૧૮માં તલાટી, કલાર્ક વગેરે જગ્યાઓ માટે મંગાવેલ ૩પ લાખ જેટલી અરજીઓ રદ કરી નવેસરથી અરજીઓ મંગાવવા તરફ સરકાર આગળ વધી રહયાનું જાણવા મળેલ છે. જો કે શૈક્ષણીક લાયકાત અને ઉંમરનું ધોરણ તે વખતની સ્થિતિ મુજબ લાગુ પડશે અને તે વખતે અરજી કરનારા લાયક તમામ ઉમેદવારોને નવી અરજી કરવાની તક મળશે અને લાયક બનેલા અન્ય યુવાનો પણ અરજી કરી શકશે.

રાજયકક્ષાએ અરજીઓ મંગાવી પરીક્ષા લેવાથી કોઇ ઉમેદવાર એકથી વધુ જીલ્લામાં અરજી કરી શકશે નહી. અરજીઓનું ડુપ્લીકેશન નિવારી શકાશે. વ્યવસ્થામાં સરળતા આવશે અને પારદર્શકતા વધશે.શિક્ષિત  બેરોજગારોના આંકડામાં મોટો ફેરફાર દેખાશે. કેન્દ્રીયકૃત પસંદગી પધ્ધતીની સફળતા માટે પંચાયત પસંદગી સેવા મંડળને વધારાનો સ્ટાફ ફાળવાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે પંચાયતના જુનિયર કલાર્કની ૧૦૫૭ જગ્યાઓ અને તલાટી કમ મંત્રીની ૧૮૧૯ સહિત કુલ ૨૮૭૬ જગ્યાઓ માટે સપ્ટેમ્બર ૨૦૧૬માં અરજીઓ મંગાવેલ. શૈક્ષણિક લાયકાત ધો. ૧૨ પાસ હતી તે વખતે બન્ને સ્તરની જગ્યાઓ માટે આશરે ૩૫ લાખ અરજીઓ આવેલ. આટલી મોટી સંખ્યામાં ઉમેદવારોની પરીક્ષા લેવાનું શકય ન હતુ. તે વખતની પરીક્ષા બાકી છે. સરકાર ૨૮૭૬ જગ્યાઓના બદલે તેમા વધારો કરીને ૫ હજાર આસપાસ કરવા માંગે છે. તેટલી જગ્યાઓ માટે નવેસરથી અરજીઓ મંગાવાશે. અગાઉ જે ઉમેદવારોએ ફી ભરેલ તેણે નવેસરથી ફી ભરવાની રહેશે નહિ પણ અગાઉની અરજી રદ્ ગણી નોકરી ઈચ્છુક નવા-જૂના તમામ ઉમેદવારોએ ઓનલાઈન નવી અરજી કરવાની રહેશે. તે વખતનો ૩૫ લાખ અરજીઓના આંકડો કેન્દ્રીયકૃત પદ્ધતિના કારણે ૧૦ લાખની અંદર આવી જવાની ધારણા છે. અગાઉ અરજી કરનારા ઉમેદવારોને શૈક્ષણિક લાયકાત અને ઉંમર બાબતે અન્યાય થશે નહિ તેમ સરકારી સૂત્રો જણાવે છે. નવી ભરતીનો વિગતવાર કાર્યક્રમ થોડા સમય પછી જાહેર થશે.

(4:13 pm IST)