Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

૧ કિલોનો ભાવ ૧૨૦ થી ૧૪૦ : ઉનાળો આકરો બનતા જ લીંબુનો ભાવ આસમાને

દક્ષિણ ભારતના રાજ્યોમાંથી લીંબુની આયાત કરવામાં આવતી હોવાથી પણ વધ્યા ભાવ

અમદાવાદ,તા.૧: લીંબુમાં રોગપ્રતિકારક શકિત વધારતું વિટામિન સી હોવાથી તેની માગ વધારે છે અને ઉનાળાની શરુઆત સાથે તેના ભાવમાં છેલ્લા ૧૦ દિવસમાં ત્રણ ગણો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં ૧ કિલો લીંબુનો ભાવ ૩૦થી ૪૦ રૂપિયા હોય છે, પરંતુ અત્યારે તે ૧૨૦ રૂપિયા સુધીમાં વેચાઈ છે.

બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે, લીંબુ સ્થાનિક ક્ષેત્રોમાં ઉગાડવામાં આવતા નથી, તેને દક્ષિણ ભારતના રાજયોમાંથી લાવવામાં આવે છે, જેના કારણે આ સીઝનમાં ભાવ વધી જાય છે.

કોરોના મહામારી શરુ થઈ ત્યારથી ડોકટરો લોકોને ઈન્ફેકશનથી બચવા માટે વધારે પ્રમાણમાં લીંબુનો શરબત પીવાની સલાહ આપી રહ્યા છે. આ સિવાય ઉનાળામાં લીંબુનું પાણી પણ મનપસંદ પીણું બની જાય છે. આ બધાના કારણે માગમાં વધારો થાય છે, પરંતુ બજારમાં ઉપલબ્ધ જથ્થો ઓછો છે.

'લીંબુનું માગ વધારે છે અને અમે તેને વધારે ભાવ આપીને ખરીદીએ છીએ. કેટલાક દિવસો પહેલા અમે લીંબુ ૪૦ રૂપિયે કિલો વેચતા હતા અને હવે તેનો ભાવ ૧૨૦થી ૧૪૦ થઈ ગયો છે', તેમ પાલડી વિસ્તારના રિટેલર નરેશ પ્રજાપતિએ જણાવ્યું હતું.

વાસણામાં દુકાન ધરાવતા અન્ય એક વ્યકિતએ કહ્યું હતું કે, 'અમે હોલસેલ માર્કેટમાંથી ૮૦ રૂપિયાના ભાવે ખરીદીએ છીએ અને રિટેલમાં ૧૨૦ રૂપિયાએ વેચીએ છીએ. ગ્રાહકો વધારે ભાવને લઈને ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ અમે લાચાર છીએ કારણ કે અમે પણ ઊંચા દરે લીંબુ ખરીદીએ છીએ'.

રાજયમાં થતું લીંબુનું ઉત્પાદન માગ પૂરી કરવા માટે અપૂરતું છે અને તેથી હોલસેલના વેપારીઓ દશ્રિણમાંથી લાવે છે.

'લીંબુની માગ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ પાડોશી રાજયોમાં પણ વધી છે. અને આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુ પાસેથી સ્ટોક ખરીદીએ છે અને ટ્રક લોડ માટે ૮૦ હજાર રૂપિયા ચૂકવીએ છીએ', તેમ જમાલપુર APMCના ટ્રેડર્સ અસોસિએશનના પ્રમુખ જસવંત પ્રજાપતિએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, 'વધારે પ્રમાણમાં જથ્થો આવશે જયારે હાલના ભાવમાં પણ ઘટાડો થશે'.

(10:50 am IST)