Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

રાજપીપળા નગરપાલિકાનું 18.3 કરોડના પુરાંત વાળું બજેટ મંજુર: પ્રથમ સામાન્ય સભામાં યુવા પ્રમુખે નવા વર્ષ માટેનું અંદાજપત્ર રજુ કર્યું

સત્તાપક્ષ અને વિપક્ષની હાજરીમાં નવા વર્ષ માટેનું બજેટ પાલિકા પ્રમુખે રજુ કર્યું જે સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપને 16 બેઠકો પર જીત મળી છે ત્યારે કોંગ્રેસ અને અપક્ષ જૂથ વિપક્ષમાં બેઠા છે.હાલ રાજપીપળા નગર પાલિકાનું સુકાન માત્ર 27 વર્ષીય યુવાન કુલદીપસિંહ ગોહિલ કરી રહ્યા છે ત્યારે ત્રીજી પેઢીની રાજકીય સફરમાં તેઓ તમામ વહીવટ કુશળતાથી કરે એવી લોકો આશા રાખી રહ્યા છે. રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલે વર્ષ 2021 માટેનું વાર્ષિક આવક અને ખર્ચ દર્શાવતું બજેટ રજૂ કર્યું હતું. રાજપીપળા નગરપાલિકાનું 18.3 કરોડના પુરાંત વાળું બજેટ સત્તા પક્ષ અને વિપક્ષની હાજરી વચ્ચે મંજુર કરાયું હતું.

 રાજપીપળા નગરપાલિકામાં ભાજપને બહુમતી મળ્યા બાદ રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, ઉપપ્રમુખ સચિન માછી, કારોબારી ચેરમેન સપનાબેન વસાવા, પાલિકા મુખ્ય અધિકારી પરાક્રમસિંહ મકવાણા સહિત સત્તા પક્ષ અને વિપક્ષના અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં વાર્ષિક બજેટ માટેની સામાન્ય સભા મળી હતી.જેમાં વર્ષ 2021-22 ની 78.19 કરોડની અંદાજીત આવક અને વર્ષ 2021-22 ના વર્ષ માટે અંદાજીત 59.81 કરોડનો ખર્ચ 18.37 કરોડની બંધ સિલક દર્શાવતું અંદાજપત્ર રજૂ કર્યું હતું.જે બજેટ સર્વાનુમતે મંજુર થયું હતું.

 આ સામાન્ય સભામાં પ્રથમ વખત રાષ્ટ્રગીત સાથે સભાની શરૂઆત કરાઈ હતી અને રૂ.2 કરોડ કોરોના ની જોગવાઈ કરી હોવાનું યુવા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું.

(10:22 pm IST)