Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

ગાંધીનગર મહાનગરપાલિકા ચુંટણી માટે તડામાર તૈયારીઓ : વોર્ડ નં. ૬માં ભાજપે ર પુરૂષ અને ર મહિલાને ટિકિટ આપી

ગાંધીનગર : મહાનગર પાલિકા ચૂંટણી માટે તડામાર તૈયાર થઇ રહી છે. ભાજપે વોર્ડ નં. ૬માં ર પુરૂષ અને ર મહિલાને ટિકિટ આપી છે.

18 એપ્રિલે યોજાનારી ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ભાજપે આજે બાકી રહેલા વોર્ડ નંબર 6ના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં બે પુરુષ અને બે મહિલાઓને ટિકીટ આપવામાં આવી છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે તારીખ 31 માર્ચના રોજ વોર્ડ નંબર 6ના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં મહિલામાં પ્રેમલતાબેન નિલેશકુમાર મહેરિયા અને ભાવનાબેન વિક્રમસિંહ ગોલને ટિકીટ આપી છે. જયારે પુરુષમાં મફાભાઈ મસાભાઈ દેસાઈ અને ગૌરાંગભાઈ રવિન્દ્રભાઈ વ્યાસને ટિકિટ આપવામાં આવી છે. જો કે, આજે કોંગ્રેસ પણ વોર્ડ નંબર 5 અને 6 માટે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. અગાઉ ભારતીય જનતા પાર્ટીએ 40 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. નવા સિમાંકનના કારણે ઘણા વર્તમાન કોર્પોરટરના પત્તા કપાયા છે.

જણાવી દઈએ કે, ચૂંટણીની તારીખો જાહેર થવાની સાથે જ ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા લાગૂ થઈ ગઈ છે. કાલે ઉમેદવારી પત્ર ભરાયા બાદ 3 એપ્રિલે ચકાસવામાં આવશે. જ્યારે ઉમેદવારી પત્રક પરત ખેંચવાની અંતિમ તારીખ 5 એપ્રિલ છે. 18 એપ્રિલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. મતદાન બાદ જરૂરી જણાશે, તો 19 એપ્રિલે પુન: મતદાન કરવામાં આવશે.

ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા સમયે પોતાની શૈક્ષણિક લાયકાત, સંપતિ, દેવા વગેરેની વિગતોનું સોગંધનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવું પડશે. ચૂંટણી પંચની વેબસાઈટ પરથી ઉમેદવારી પત્ર ડાઉનલોડ કરી શકાશે. ચૂંટણીમાં 284 મતદાન મથકો પર મતદાન થશે. જેમાં 69 બુથ સંવેદનશીલ અને 34 અતિસંવેદનશીલ છે.

(10:03 pm IST)