Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

અહેમદભાઈ પટેલ, શકિતસિંહ ગોહિલ, પરેશ ધાનાણીને લોકસભા ચૂંટણી જંગમાં મેદાને ઉતારશે હાઈકમાન્ડ

રાજકોટ તા. ૧ :.. ગુજરાતની તમામ ર૬ બેઠકો અંકે કરવાનું મીશન જાહેર કરનાર ભાજપને તેના જ ગઢમાં પછડાટ આપવા કોંગ્રેસે આ વખતે જબરૂ અભિયાન છેડયુ હોવાના વાવડ મળે છે. સૌ પ્રથમ રાજયના પ્રભારી રાજીવ સાતવે ગુજરાતમાં અડીંગો જમાવી પોતાની મહારાષ્ટ્રની આસાન લોકસભા બેઠકને જતી કરી ચૂંટણી નહી લડવા નિર્ણય કર્યો અને હવે ભરૂચ બેઠક પરથી અહેમદભાઇ પટેલને લડાવવા, અમરેલી બેઠક પરથી પરેશ ધાનણીને ત્થા ભાવનગર બેઠક પરથી શકિતસિંહ ગોહીલને  ઉતારવા માટેનો જોરદાર દરખાસ્ત કર્યાનું જાણવા મળતા જબરો રાજકીય ગરમાવો આવ્યો છે.

આ લખાય છે ત્યારે રાજકોટ તથા ગુજરાતના ટોચના કોંગ્રેસી વર્તુળો એવા નિર્દેશો આપી રહ્યા છે કે આજે મળનારી બેઠકમાં રાષ્ટ્રીય સીવીસી બેઠકમાં અહેમદભાઇ પટેલને ભરૂચ બેઠક પર લડાવવા માટેનો મહત્વનો નિર્ણય થઇ શકે છે જયારે અમરેલીની બેઠક પરથી પરેશ ધાનાણી તથા ભાવનગરની બેઠક પરથી પૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસના બિહારના પ્રભારી શકિતસિંહ ગોહિલને ચૂંટણી મેદાને ઉતારી કોંગ્રેસ હુકમનો એક રાજકીય શતરંજમાં ઉમેરાશે.

કોંગ્રેસી વર્તુળો તો એવું કહી રહ્યા છે કે હાઇકમાન્ડે આવો વર્તારો આપી દીધો છે. આ અંગે વોટસએપ પર મેસેજો પણ વાયરલ થઇ રહ્યા છે.

ગાંધીનગરની બેઠક પરથી અમિત ચાવડા ચૂંટણી લડી રહ્યા હોય ગુજરાતનું રાજકારણ ગરમાયુ હતુ પરંતુ હવે ધુરંધર કોંગી નેતા અહેમદભાઇ પટેલનું નામ ભરૂચ બેઠક પર ચર્ચામાં આવતા અને ભાવનગરના નેતા શકિતસિંહ ગોહીલ અને અમરેલીના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને ચૂંટણી લડવાનો આગ્રહ થતા ગુજરાતની ચૂંટણી રસાકસી ભરી બનશે તે નકકી છે.

(4:06 pm IST)