Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

અમદાવાદમાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું : 7800 કિલો ચોખાનો જથ્થો ફેકટરી પહોચે તે પહેલાં કબજે લેવાયા

ઇસનપુર પોલીસે એક ટ્રકમાં 7800 કિલો ચોખાના 300 કટ્ટા કબ્જે કર્યા : અમન ટ્રેડીંગના માલિક ઉમેશ યાદવની ધરપકડ કરી

અમદાવાદ : ઇસનપુર પોલીસે સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપ્યું છે. જેમાં ગરીબોના હક્કના 7800 કિલો ચોખા ફેકટરીમાં પહોચે તે પહેલાં કબજે લેવામાં આવ્યા છે.

  આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ઈસનપુર પોલીસે નેશનલ હાઈવે પરથી પસાર થતી એક ટ્રકમાં 7800 કિલો ચોખાના 300 કટ્ટા કબ્જે કર્યા છે. કટ્ટા અંગે તપાસ કરતા અમન ટ્રેડીંગના માલિક ઉમેશ યાદવની ધરપકડ કરી છે. સાથે જ સરકારી અનાજની દુકાન ધરાવતા વેપારી સતીષ શાહ ફરાર હોવાનુ સામે આવ્યુ છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. પોલીસે ટ્રકની તપાસ કરતા 7800 કિલો ચોખા નો જથ્થો કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

 ઇસનપુર પોલીસે ટ્રક પકડી અને તપાસ કરતા ચોખા ભરેલો ટ્રક અમન ટ્રેડિંગના માલિક આરોપી ઉમેશ યાદવ દ્વારા બનાવટી બિલ બનાવી બાવળા ખાતે આવેલી રાજ એગ્રો કંપનીમાં મોકલવાના હતા પરંતુ ઇસનપુર પોલીસની સતર્કતા થી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે.

 જોકે સસ્તા અનાજની દુકાનના સંચાલક અને કંપની માલીક ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. મહત્ત્વનુ છે કે પુરવઠા વિભાગના અધિકારીઓને પણ સરકારી અનાજના કૌભાંડ વિશે માહીતી હોય છે અને તેને સપ્લાય માટે જીપીએસનો પણ ઉપયોગ થતો હોય છે. ઉપરાંત કોની પાસે કેટલો જથ્થો છે તેની પણ ડીઝીટલ માહીતી હોય છે તેમ છતા જ્યાં સુધી પોલીસ ન પહોચે ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરવામા આવતી નથી અને પોલીસ તપાસમા કોની કોની સંડોવણી સામે આવે છે તે જોવુ મહત્વનું છે

(1:02 am IST)