Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

નર્મદા જિલ્લામાં જમીન સંપાદનમાં ખેડૂતોને વળતર ના મળતા જપ્તીના આદેશ બાદ માર્ગ મકાન વિભાગનો સામાન જપ્ત કર્યો

- ખેડૂતોએ અદાલતમાં ઘા નાખતા અદાલતે માર્ગ મકાન વિભાગની કચેરી ,કલેક્ટર કચેરી અને પ્રાંત કચેરીના માલ સામાનની જપ્તીના આદેશો જારી કર્યા:અદાલતી ફરમાન સાથે ખેડુતોનો કાફલો સરકારી કચેરીઓ પર પહોંચતા સરકારી તંત્રમાં દોડધામ:દેવલીયાથી રાજપીપળા સુધીના માર્ગ ઉપર આવતા લગભગ 40 થી 50 જેટલા ગામોની જમીનો સંપાદન કરી હજી કરોડો રૂપિયાનું વળતર ચૂકવવાનું બાકી:સરકારના એક બીજા વિભાગો એકબીજાને ખો આપતા ખેડૂતોની કફોડી હાલત થતા ખેડૂતોએ અદાલતનો માર્ગ અપનાવી અદાલતનું શરણ મેળવ્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લામાં વિકાસના અનેક દાવાઓ વચ્ચે ખેડૂતો દયનીય હાલતમાં જીવન જીવી રહ્યા છે લગભગ એક દાયકાથી પણ વધુ સમય પહેલા નર્મદા જિલ્લાના ખેડૂતોની જમીનો સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગને ચાર માર્ગીય કરવા માટે જમીનો સંપાદન કરાય પરંતુ ખેડૂતોને આ જમીન સંપાદનના નાણા આજ દિન સુધી ન ચૂકવતા ખેડૂતો અદાલતના શરણે પહોંચ્યા હતા, જ્યાં રાજપીપળાની અદાલતે નર્મદા કલેકટર કચેરી, પ્રાંત કચેરી અને માર્ગ અને મકાન વિભાગની કચેરીના માલસામાન સહિત જંગમ મિલકતોની જપ્તીના આદેશો જારી કર્યા હતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રાજપીપળાથી દેવળીયા સુધીના માર્ગ ઉપર આવેલા ગામોની જમીનો સરકારે ચાર માર્ગીય રસ્તો બનાવવા માટે સંપાદન કરી હતી વર્ષ 2010 ની સાલમાં જાહેરનામું પ્રસિદ્ધ કરી 2011 ની સાલમાં લગભગ 150 થી પણ વધુ ખેડૂતોની જમીનો સંપાદન થઈ હતી લગભગ 50 જેટલા ગામોના ખેડૂતોની જમીનો સંપાદન થતા ખેડૂતો પોતાને સરકાર ધારાધોરણ મુજબ જમીનોના વળતર ચુકવશે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. પરંતુ એક દાયકાથી પણ વધુ સમય થઈ જતા ખેડૂતોને પોતાની જમીનોના વળતર આજ દિન સુધી ચૂકવવામાં જ ન આવતા !!!!  ખેડૂતોએ અદાલતનું શરણું લીધું હતું રાજપીપળાની અદાલતને ખેડૂતોએ ફરિયાદ કરતા અદાલતે આજરોજ સરકારી કચેરીઓના માલ સામાનની જપ્તી કરવાના આદેશ જારી કર્યા હતા, જેથી અદાલતે નિયુક્ત કરેલ બેલીફ સૌ પ્રથમ માર્ગ અને મકાન વિભાગ કાર્યપાલક ઇજનેરની કચેરીએ પહોંચ્યા હતા અને કચેરી ના ટેબલ ખુરશી કોમ્પ્યુટર સહિત જંગલ માલ મિલકતની જપ્તી હાથ ધરી હતી અને ત્યારબાદ અદાલતે નિયુક્ત કરેલ કાફલો ખેડૂતોને સાથે રાખીને કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવટીયાની રૂબરૂ મુલાકાત કરી અદાલતી ફરમાનની જાણ કરતા સમગ્ર કચેરીમાં ભારે હડકમ મચી હતી, નર્મદા જિલ્લા કલેકટરે ખેડુતો ના જમીન વળતર ના આમલાને ગંભીરતા સાથે લઈ પ્રાંત અધિકારી રાજપીપળા ને તાત્કાલિક તેડું મોકલાવતા પ્રાંત અધિકારી કલેકટર કચેરીએ મારતે ઘોડે દોડી આવ્યા હતા, અને ખેડૂતોને કેમ જમીનો ના વળતર આજદિન સુધી  ચૂકવાયો નથી જેની ચર્ચા વિમર્શ નર્મદા કલેકટરે પ્રાંત અધિકારી સાથે હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખની છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા રોડ માટે જ્યારે ખેડૂતોની જમીનો સંપાદન થઈ છે, જમીનો સંપાદન થયાને એક દાયકાથી પણ વધુ નો સમય વીતી ગયો તેમ છતાં ખેડૂતોને સરકાર તરફથી વળતરની કોઈ જ રકમ ન ચૂકવાતા ખેડૂતોમાં ભારે નારાજગી અને રોષ જૉવા મળી આવ્યો રહ્યો છે, દેવલીયાથી રાજપીપળા સુધી ગડેશ્વર તાલુકા તિલકવાડા તાલુકા અને નાદોદ તાલુકાના લગભગ 40 થી 50 જેટલા ગામોની જમીનો સંપાદન કરવામાં આવી છે અને 150 થી પણ વધુ  ખેડૂતોની જમીનો સંપાદન થયેલ હોય સરકાર પાસે કરોડો રૂપિયાના લેણા ખેડૂતોના લેવાના બાકી નીકળતા હોય અને ફરી એકવાર સરકારે સિક્સ લેન્  રસ્તો બનાવવા માટે ખેડૂતોની બીજી જમીનો પણ સંપાદન કરવાની કાર્યવાહી હાથ ધરેલ હોય ખેડૂતોની માંગણી છે કે અમોને અમારા પહેલાના બાકી નાણા તો ચૂકવાય અને ત્યાર પછી સરકાર વિકાસના કામો માટે અમારી બીજી જમીનો સંપાદન કરે. ખેડૂતોની આ માંગ પણ વ્યાજબી છે ,ખેડૂતોને એક દાયકા સુધી તેમની જમીનોના વળતર ન ચૂકવાય અને વિકાસ માટે અન્ય માર્ગ બનાવવા માટે ફરી પાછું એક જાહેરનામું બહાર પાડી અને બીજી જમીનો સંપાદન કરવાની કાર્યવાહી હાથ ધરાય તો ધરતીપુત્ર કહેવાતા આ ખેડૂતો બચારા જાય તો ક્યાં જાય ??? ફરિયાદ કરે તો કોને કરે ?? હાલ તો ખેડૂતોએ અદાલતનું શરણું મેળવ્યું છે અને પોતાને ત્વરિત વળતર મળે એવી આશા સેવી રહ્યા છે
જોકે નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવટિયા આ મામલાને ગંભીરતાથી લઈ ત્વરિત જ પ્રાંત અધિકારીને પોતાની કચેરીમાં બોલાવતા અને તેમની સાથે પરામર્શ કરતા ખેડૂતોનો વળતરનો આ પ્રશ્ન વહેલી તકે ઉકેલાય એવી આશા હવે બંધાઈ છે જોકે અદાલતે ફરમાન હોય ને અદાલતે મોકલેલા બેલીફે માર્ગ અને મકાનની કચેરી ખાતે પહોંચી માલ સામાનની જપ્તી હાથ ધરી હતી.
તિલકવાડા તાલુકાના દેવળીયાના ખેડૂત સાબીર હુસેન મલેકના જણાવ્યા અનુસાર તેઓએ પોતાની જમીનના વળતર પેટે ₹40 લાખની રકમ સરકાર પાસે લેવાની થાય છે જે આજ દિન સુધી તેઓને મળી નથી જ્યારે ગોપાલપરા ના ખેડૂત રાજદિપસિંહ પ્રવિણસિંહ ગોહિલ ના જણાવ્યા અનુસાર તેઓએ ₹12,91 હજાર રૂપિયા પોતાની જમીન સંપાદન થયેલ છે તેના વળતર પેટે સરકાર પાસેથી મેળવવાના થાય છે પરંતુ આ નાણા પણ તેઓને હજુ સુધી ચૂકવાયા નથી વહેલામાં વહેલી તકે આ નાણાં ચૂકવાય તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે.
નર્મદા જીલ્લા કલેકટરે અદાલત પાસે વળતર ચુકવવા મુદ્દત માંગી
નર્મદા જીલ્લા કોલ્ક્ટરની કચેરી ખાતે અદાલતે નિયુક્ત કરેલ બેલીફ ખેડુતો સાથે પહોંચતા કલેક્ટરે તરતજ પ્રાંત અધિકારી ને તેડાવ્યા હતા,અને અદાલત પાસે થી પોતાની મ્હોલત માંગતા અદાલતે તા 30 ની એપ્રિલ સુધીની મ્હોલ્ત આપતા હાલ કલેકટર કચેરી સહિત પ્રાંત કચેરી ખાતે જપ્તીની કાર્યવાહિ સામે મનાઈ હુકમ મેળવી મહોલાત મળતા બન્ને કચેરીએ રાહત અનુભવી હતી

(10:13 pm IST)