Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

અમે વોટબેન્કની રાજનીતિને નહી પણ માનવતાની અને વિકાસની રાજનીતિને માનનારા છીએ એટલે જ જનતા જનાર્દન અમારી પડખે: શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર

રાજ્યની વણથંભી વિકાસ યાત્રાને આગળ વધારી ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવાનો નિર્ધાર:તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત આયોજનને પરિણામે ગુજરાત આજે દેશનું રોલ મોડલ: રાજ્યપાલના આભાર પ્રસ્તાવની ચર્ચામાં સહભાગી થતા શિક્ષણ મંત્રી

અમદાવાદ :શિક્ષણ મંત્રીકુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, રાજ્યની વિકાસયાત્રાને આગળ વધારીને ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવાના મક્કમ નિર્ધાર સાથે અમારી સરકાર આગળ વધી રહી છે. અમે વોટ બેન્કની રાજનીતિમાં નહીં પણ વિકાસની રાજનીતિમાં માનનારા લોકો છીએ. એટલે જ જનતા જનાર્દન છેલ્લા 22 વર્ષથી અમારી પડખે ખભે ખભો મિલાવીને ઉભી છે. જનતા જનાર્દનના આશીર્વાદ થકી જ અમે આગળ વધ્યા છીએ, જનતાએ મુકેલો વિશ્વાસ અમે એળે જવા નહીં દઈએ.

વિધાનસભા ખાતે રાજ્યપાલના આભાર પ્રસ્તાવની ચર્ચામાં સહભાગી થતાં મંત્રી ડીંડોરે ઉમેર્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની વિકાસયાત્રાના જે બીજ રોપ્યા હતા એ આયોજનના પરિણામે ગુજરાત તમામ ક્ષેત્રે નંબર વન રહીને દેશનું રોલ મોડલ પૂરવાર થઈ રહ્યું છે. આ જ વણથંભી વિકાસ યાત્રાને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાત વિકાસના પાંચ આધાર સ્તંભ સાથે સર્વસમાવેશક વિકાસ માટે આગળ વધારી રહી છે. પ્રજાની તમામ આશાઓ-આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવી એ અમારી નૈતિક જવાબદારી છે.
ભૂતકાળમાં રાજ્યની અંદર જ્ઞાતિ-જાતિના ભેદભાવ ઉભા કરીને સત્તા સ્થાને બેસવા માટેના અનેક પ્રયાસો કર્યા તો પણ રાજયની શાણી જનતાએ વર્ષ ૨૦૨૨માં તેમને ન બેસવા દીધા. જનતાએ એટલી હદે સુપડા સાફ કરી દીધા કે વિપક્ષના નેતાનું પદ પણ ખોઇ બેઠા, તેમ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું.
શિક્ષણ મંત્રીએ જણાવ્યુ હતુ કે, રાજયપાલનું પ્રવચન સરકારની પ્રવર્તમાન નીતિઓ, કાર્યક્રમો, ઉપલબ્ધીઓ અને ભવિષ્યની યોજનાઓની મહત્વની પરિસ્થિતિનો દસ્તાવેજ છે. ગુજરાતના પનોતાપુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલા વિકાસપથ પર ગુજરાત સતત આગળ વધી રહ્યું છે આ વિકાસ પર વિશ્વાસ મૂકી, ગુજરાતની સાડા છ કરોડ જનતાએ ચૂંટણીમાં પ્રચંડ બહુમતીથી જનાદેશ આપ્યો છે. વિકાસની આ વણથંભી યાત્રાને ચાલુ રાખવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર કૃતસંકલ્પ છે. ગુજરાતના છેલ્લા બે દાયકાઓ પ્રાયોરિટી, પોલિસી અને પરફોર્મન્સના રહ્યાં છે. સરકાર હંમેશાં ગુજરાતની જનતાના એડવાન્સમેન્ટ, એમ્પાવરેમન્ટ અને ડેવલપમેન્ટને વરેલી છે.
 મંત્રીએ કહ્યુ કે, ગુજરાતના વેગવંતા વિકાસની અમારી પરિકલ્પનાના પાંચ મુખ્ય સ્તંભ છે. વિકાસનો પહેલો સ્તંભ જરૂરિયાતમંદ વર્ગને પાયાની સુવિધાઓ, દ્વિતીય સ્તંભ માનવ સંસાધનનો વિકાસનો છે. આંતર માળખાકીય સવલતો ઉભી કરવી એ અમારો તૃતીય સ્તંભ છે. રોજગારીની નવી તકોનું સર્જન, ચોથો સ્તંથ છે અને પાંચમો સ્તંભ ગ્રીન એનર્જી થકી પર્યાવરણની જાળવણીનો છે. પડકારોમાં પણ વિકાસ છૂપાયેલો છે એ અભિગમ સાથે આત્મનિર્ભર ભારતનો મંત્ર વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશને આપ્યો જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ અને ટીમ ગુજરાત આત્મનિર્ભર ગુજરાતનો સંકલ્પ સાર્થક કરવા માટે આગળ વધી રહ્યા છે. ગરીબી નિવારણ માટે ૨૦ મુદ્દા અમલીકરણના લક્ષાંકોને ગુજરાતે ૧૦૦ ટકા સાકાર કરી દેશમાં પહેલા નંબરે છે. રોજગારી પુરી પાડવામાં અને ઉદ્યોગો માટે રોકાણમાં પણ ગુજરાત પહેલા નંબરે છે. ગુજરાતમાં પીવાના પાણી માટે ટેન્કર પ્રથા બંધ થઇ ગઇ અને દુષ્કાળ ભુતકાળ બની ગયો આમ આ સરકાર ઉત્તમોત્તમ વિકાસ સાધી રહી છે.
મંત્રીએ ઉમેર્યુ કે, ભૂપેન્દ્રભાઇના નેતૃત્વમાં અનેકવિધ નીતિઓ, યોજનાઓ, વહીવટી પ્રતિબદ્ધતા અને સેવાનું સરળીકરણ, રસીકરણ, જેવા સામાન્ય જનતાને અસર કરે એવા અનેક અસરકારક નિર્ણયો લઇને સામાન્ય જનતાને અડચણ ન થાય, એવા પ્રયત્નો કરીને નીતિ અને નિયમોમાં સુધારા કર્યા છે. ૨૭ વર્ષના શાસન દરમ્યાન ગુજરાતે ઉત્તમમાંથી સર્વોત્તમ વિકાસ સાધ્યો છે. શુધ્ધ પીવાના પાણીની વ્યવસ્થા, ગામડામાં ચોવીસ કલાક વીજળી મળતા વીજ કનેકશનો થકી ખેતીના ઉત્પાદનમાં વધારો, સિંચાઇની સુવિધામાં વધારો, રસ્તાઓનું સુદ્દઢ નેટવર્ક, વિશ્વકક્ષાની શાળા-કોલેજો અને યુનિવર્સિટીઓની સ્થાપના થકી ગુજરાતના વિદ્યાર્થીઓ બીજા રાજ્યોમાં જતા અટક્યા તથા સ્ટડી ઇન ગુજરાતના લીધે બીજા રાજ્યનો વિદ્યાર્થી ગુજરાતમાં અભ્યાસ અર્થે આવતા થયા છે.
તેમણે ઉમેર્યુ કે, તાજેતરમાં ૭૪માં પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય સ્તરની ઉજવણી અને પરેડમાં પ્રદર્શિત થયેલ દેશના ૧૭ રાજય અને ૬ મંત્રાલયોએ રજૂ કરેલ ટેબ્લોમાંથી ‘કલીન-ગ્રીન એનર્જી એફિશિયન્ટ ગુજરાત’ની થીમ પરના ગુજરાતના ટેબ્લોને પીપલ્સ ચોઇસ હેઠળ પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરવામાં આવ્યો છે. જેમા કચ્છ ખાવડામાં આકાર પામી રહેલ વિશ્વના સૌથી મોટા હાઇબ્રીડ રીન્યુએબલ એનર્જી પાર્ક, સૂર્યનગરી મોઢેરા, PM-KUSUM યોજનાની ઝાંખી દર્શાવવામાં આવી હતી.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના ઉર્જા વિભાગે ખેતી માટે અપાતા વીજ જોડાણો અગાઉની કોંગ્રેસ સરકાર કરતા સાડા ચાર ગણા આપ્યા છે. છેલ્લા ૧૬ વર્ષથી ખેડૂતોના વીજ દરમાં કોઇ જ વધારો કર્યા વિના ખેડૂતોને વીજબીલ સબસીડી થકી કરોડોની રાહત આપી છે.
ભારતીય સંસ્કૃતિની વાત કરતા મંત્રીએ ઉમેર્યું હતું કે, ભારતીય સંસ્કૃતિના મૂળભૂત મૂલ્યોના સંરક્ષણ અને સંવર્ધનને વરેલી સરકારે સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ, શામળાજી, ડાકોર, પાલીતાણા વગેરે તિર્થસ્થાનો ખાતે પાયાની સુવિધાઓ ઉભી કરતાં યાત્રિકોની સંખ્યામાં અનેક ગણો વધારો થયો છે. તાજેતરમાં પાવાગઢમાં પ્રથમ વખત વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ થયુ હતું. પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટિ, ધોળાવીરા, નડાબેટ, શિવરાજપુર વગેરે જેવા આઇકોનીક સ્થળોના વિકાસ માટે આ વર્ષના બજેટમાં કરોડો રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, ગાંધીનગરનું ગીફટ સીટી આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓનું કેન્દ્ર બને તે માટે ગિફટ સીટી ખાતે એક વિશિષ્ટ પ્રકારનું ફિન – ટેક હબ બનાવવામાં આવશે. ફિન-ટેક સ્ટાર્ટઅપને પ્રોત્સાહન કરવા માટે ગિફટ સીટીના વિકાસ માટે ચાલુ વર્ષ રૂપિયા ૭૬ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેના લીધે ગિફટ સીટીમાં વિશ્વકક્ષાની સવલતો ઉભી થઈ રહી છે. તો બીજી તરફ અંબાજી થી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારના ૧૪ જિલ્લાઓ, ૫૩ તાલુકાઓ, ૫૮૭૨ ગામડાઓમાં વસતા ૯૦ લાખથી વધુ આદિવાસી સમાજના લોકોના જીવનધોરણમાં વનબંધુ કલ્યાણ યોજનાને લીધે નવું અજવાળું પથરાયું છે.
મંત્રી ડિંડોરે શિક્ષણમાં આવેલા પરિવર્તન અંગે વાત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં કરવામાં આવેલ વિવિધ પ્રયાસો અને સકારાત્મક પ્રયાસોથી શિક્ષણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. રાજયકક્ષાએથી GCERT દ્વારા તૈયાર કરેલ પ્રશ્ન બેંક વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી એપ્લીકેશન દ્વારા શાળાઓ સુધી પહોચાડવામાં આવે છે, જેના આધારે શિક્ષકો કસોટી લે છે આમ, શિક્ષકો તેમજ વાલીઓને પણ પોતાના બાળકોની પ્રગતિનો ખ્યાલ આવતો રહે છે. Energized Textbooks (ETB) ની કામગીરી અન્વયે ધોરણ ૧ થી ૧૨ ના ૧૦૦ પાઠ્યપુસ્તકોમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને ઉપયોગી થઇ શકે એવા વીડિયો, ઓડિયો અને ડોક્યુમેન્ટના સ્વરૂપમાં ડીજીટલ સાહિત્યનો સમાવેશ કરતા રર૧૭ QR Code મૂકવામાં આવેલ છે. ‘પઢના લિખના અભિયાન’ યોજનાનું અમલીકરણ ગુજરાત રાજયના એસ્પિરેશનલ બે જિલ્લાઓ દાહોદ અને નર્મદામાં કરવામાં આવ્યું છે. જેના થકી જેમાં નિરક્ષરોને અક્ષરજ્ઞાન પુરુ પાડીને સાક્ષર કરવામાં આવેલ છે.
અંતમાં મંત્રીએ સમર્થન આપતા કહ્યું હતું કે, રાજયપાલના પ્રવચનને સંપૂર્ણપણે સમર્થન આપું છું અને વિશ્વાસ અપાવું છું કે આગામી દિવસોમાં અમારી સરકાર પ્રગતિની હરણફાળ ભરીને ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતને વિકાસની નવી ક્ષિતિજો તરફ લઇ જઇશું

(7:05 pm IST)