Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોને યોગ્ય ભાવ-સહાય મળવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સરકાર ટૂંક સમયમાં જાહેરાત કરશે- પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

મે માસમાં સંગ્રહ થયેલી ડુંગળીનો વપરાશ થઈ જતા તેમજ મહારાષ્ટ્ર- રાજસ્થાનથી ડુંગળીનો પાક બજારમાં આવતા ભાવમાં વધ-ઘટ થાય છે- પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ: આ વર્ષે ગુજરાતમાં અંદાજે 69,779 હેક્ટર વિસ્તારમાં વાવેતરથી અંદાજે 17.36 લાખ મેં.ટન ડુંગળી ઉત્પાદનની શક્યતા

અમદાવાદ :ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

ગુજરાતમાં ડુંગળી પકવતાં ખેડૂતોને યોગ્ય ભાવ-સહાય સમયસર મળી રહે તે અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર ટૂંક સમયમાં જાહેરાત કરશે‌ તેમ કેબિનેટ બેઠક બાદ મીડિયાને વિગતો  આપતાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે,મે માસમાં સંગ્રહ થયેલી ડુંગળીનો ઓક્ટોબર- નવેમ્બર મહિનામાં વપરાશ થઈ જતાં તેમજ મહારાષ્ટ્ર- રાજસ્થાનથી ડુંગળીનો ખરીફ પાક બજારમાં આવતા ભાવમાં વધઘટ થાય છે જેથી ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી. રાજયમાં ડુંગળી પકવતા મુખ્ય જિલ્લાઓમાં ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, જુનાગઢ,  સુરે‌ન્દ્રનગર અને અમરેલી વગેરેનો સમાવેશ થાય છે. ખરીફ, લેટ ખરીફ તથા રવી ઋતુ દરમ્યાન ઓક્ટોમ્બરથી ફેબ્રુઆરીમાં સારા બજારભાવ મળતાં હોવાથી લીલી ડુંગળીનું પણ વેચાણ થાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીએ કહ્યું હતું કે,  ગુજરાતમાં ડુંગળીના પાકનું છેલ્લા પાંચ વર્ષમાં પ્રતિવર્ષ સરેરાશ વાવેતર વિસ્તાર 64,646 હેકટર છે. જ્યારે ગુજરાતમાં ચાલુ વર્ષ 2022-23માં  અંદાજિત વાવેતર 69,779 હેક્ટર જેટલું થયું છે જેમાંથી અંદાજિત17.36લાખ મે.ટન જેટલું ઉત્પાદન મળવાની શક્યતા છે.
રાજ્યમાં ખેડૂતો દ્વારા ડુંગળીનું વેચાણ મુખ્યત્વે મહુવા, ભાવનગર, રાજકોટ અને ગોંડલ એ.પી.એમ.સી.માં થાય છે.
હાલમાં સરેરાશ લાલ ડુંગળીના વેચાણ ભાવ ખેડૂતોને એકંદરે રૂા.5/- પ્રતિ કિલો મળે છે જે ઉત્પાદન ખર્ચ કરતાં ઓછો હોવાથી સરકાર ખેડૂતોને નુક્સાન ન જાય તે માટે ટૂંક સમયમાં યોગ્ય ભાવ અંગે હકારાત્મક નિર્ણય કરશે તેમ મંત્રી પટેલે જણાવ્યું હતું.

   
(6:49 pm IST)