Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

સંસદીય લોકશાહીની પ્રણાલિને જાળવી રાખીને ગૃહની કામગીરી ચલાવવી આપણા સૌની જવાબદારી છેઃમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

વિપક્ષના સભ્યોએ ગૃહમાં ચર્ચા માટે ઉઠાવેલા મૂદ્દા પર ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રીનું નિવેદન

અમદાવાદ :ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે સંસદીય લોકશાહીની પ્રણાલિને જાળવી રાખીને ગૃહની કામગીરી ચલાવવી આપણા સૌની જવાબદારી છે.
વિધાનસભા ગૃહમાં વિરોધ પક્ષે ચર્ચા માટે ઉઠાવેલા મૂદ્દા  સંદર્ભમાં મુખ્યમંત્રીએ દરમ્યાન થતાં કહ્યું કે, રાજ્યમાં કોઇપણ ઘટના બને તો તેના માટેની ચર્ચા ખુલ્લા મને કરવા તેમની સરકારનું મન હંમેશા ખુલ્લું છે અને ખુલ્લું રહેશે. ગૃહની કાર્યવાહી નિયમાનુસાર ચાલતી હોય ત્યારે વિપક્ષના સભ્યો જે રીતે મુદ્દો ઉઠાવીને ચર્ચા કરવા ફરજ પાડી રહ્યા છે તે સ્હેજ પણ વ્યાજબી નથી. એમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યના નાગરિકો હોય કે યુવાઓ સૌનું હિત જ આ સરકાર ઇચ્છે છે અને સરકારે એમાં કાંઇ છૂપાવવાનું નથી.
વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે એમ પણ જણાવ્યું કે, પેપર લીકની ઘટના બની એ સંદર્ભમાં પણ સરકાર કડકમાં કડક પગલાં લઇ શકાય તે માટેની કાયદાકીય જોગવાઇઓ કરતું વિધેયક ગૃહમાં  લાવી છે. એટલું જ નહિ, એમાં પણ સૌ સભ્યોએ ચર્ચાઓ કરીને આ વિધેયક પસાર કર્યુ છે.
તેમણે ઉમેર્યુ કે, યુવાનોને કોઇપણ પ્રકારે નુકશાન ન થાય એ માટે સરકાર પ્રોએક્ટીવ થઇને કામગીરી કરી રહી છે. કાયદાકીય રીતે ગેરવ્યાજબી પ્રવૃત્તિ રોકવાની પૂરતી તાકાત સાથે રાજ્ય સરકાર કાર્યરત છે. સરકારે આવી પ્રવૃત્તિઓને સાંખી નથી અને સાંખી લેવાની પણ નથી. મુખ્યમંત્રીએ વિપક્ષ દ્વારા વિધાનગૃહમાં આયોજનબદ્ધ રીતે વિરોધ કરીને ગૃહની કામગીરી ખોરંભે પાડવાના પ્રયાસની પણ આલોચના કરી હતી.

(6:48 pm IST)