Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

રાજ્યના 13 જિલ્લામાં એક પણ બ્લડ બેન્ક નથી: કેન્દ્ર સરકારની ગાઈડ લાઇનનું રાજ્ય સરકારે કર્યું ઉલ્લંઘન

જમાલપુર ખાડિયા બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પૂછેલા પ્રશ્ર્નનો સરકારે આપ્યો જવાબ :રાજ્યમાં 178 બ્લડ બેન્ક:સૌથી વધુ બ્લડ બેન્ક પાંચ મોટા શહેર અમદાવાદ, સૂરત, વડોદરા, રાજકોટ અને જામનગરમાં છે

અમદાવાદ : ગુજરાતમાં સ્વાસ્થ્ય સેવા કેટલી સારી છે તેનો ખુલાસો રાજ્ય સરકારના એક જવાબમાં થયો છે. વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન સરકારે જણાવ્યુ કે રાજ્યના 13 જિલ્લામાં બ્લડ બેન્કની સુવિધા નથી. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અનુસાર દરેક જિલ્લામાં બ્લડ બેન્ક હોવી જોઇએ પરંતુ સરકારે કોંગ્રેસ ધારાસભ્યના સવાલના જવાબમાં જણાવ્યુ કે 33માંથી રાજ્યના 13 જિલ્લામાં એક પણ બ્લડ બેન્ક નથી. રાજ્યમાં 178 બ્લડ બેન્ક છે, જેમાં સૌથી વધુ બ્લડ બેન્ક પાંચ મોટા શહેર અમદાવાદ, સૂરત, વડોદરા, રાજકોટ અને જામનગરમાં છે.

અમદાવાદની જમાલપુર ખાડિયા બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પૂછ્યુ હતુ કે રાજ્યમાં એવા કેટલા જિલ્લા છે? જ્યાં બ્લડ બેન્ક નથી. આ સવાલના જવાબમાં ગુજરાત સરકારે વિધાનસભામાં જણાવ્યુ કે 2022 સુધીના આંકડા અનુસાર રાજ્યમાં 13 જિલ્લામાં બ્લડ બેન્ક નથી. જેમાં નવસારી, અમરેલી, તાપી, બોટાદ, આણંદ, ગિર સોમનાથ, દાહોદ, છોટા ઉદેપુર સહિતના જિલ્લા સામેલ છે. આ ભારત સરકારની તે ગાઇડલાઇનનું ઉલ્લંઘન છે જેમાં ઓછામાં ઓછી એક બ્લડ બેન્ક હોવાની વાત કહેવામાં આવી છે.

 

રાજ્યના જે જિલ્લામાં કોઇ બ્લડ બેન્ક નથી તેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલનો સંસદીય વિસ્તાર પણ સામલે છે. સરકારના જવાબ અનુસાર નવસારી જિલ્લામાં કોઇ પણ બ્લડ બેન્ક નથી. ઓક્ટોબર 1997માં નવસારી જિલ્લો બન્યો હતો. એવામાં નવસારીને જિલ્લો બન્યે 25 વર્ષ થઇ ગયા છે. છેલ્લા 14 વર્ષથી સીઆર પાટિલ અહીના સાંસદ છે. નવસારી પહેલા સૂરતનો ભાગ હતો. 1964માં જ્યારે સૂરત જિલ્લાને રિસ્ટ્રક્ચર કરવામાં આવ્યો હતો ત્યારે વલસાડમાં જોડવામાં આવ્યુ હતુ.

(6:31 pm IST)