Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

સુરતના સિનીયર સિટીઝન દંપતિએ પોતાની 50મી એનિવર્સરીના દિવસે ફરીથી લગ્ન કર્યાઃ લગ્નમાં પૌત્રો સહિતના પરિવારજનો ઉપસ્‍થિત રહ્યા

લગ્નમાં પીઠી, સંગીત, વરઘોડો કઢાતા તસ્‍વીરો સોશ્‍યલ મીડિયામાં વાયરલ

સુરત: હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે અને આજના યુગમાં અવનવી ઢબે લોકો લગ્નની મજા લેતા જોવા મળે છે. જો કે શહેરમાં એક અનોખા લગ્ન સામે આવ્યા છે. સિનિયર સિટીઝન રમેશભાઈ અને ભારતીબેને તેમની 50મી એનિવર્સરીના દિવસે ફરીથી નવયુગલની જેમ દરેક વિધિઓ કરીને ફરીથી લગ્ન કર્યા છે. યુવા દુલ્હાને બદલે વૃદ્ધ કપલને બગીમાં જોઇને રાહદારીઓ પણ ખુશી થી વરઘોડો જોવા ઉભા રહ્યા હતા.

ભારતમાં લગ્ન કરનારા વર-કન્યાની ઉમર સામાન્ય રીતે 21 થી 35 વર્ષની હોય છે. પરંતુ 22 ફેબ્રઆરીએ 73 વર્ષના વરરાજાની શોભાયાત્રા જોવા આસપાસ લોકોનો જમાવડો થયો હતો. પાલ વિસ્તારમાં રહેતા રમેશ અને તેમના પત્નિ ભારતી કોઠવાલાના લગ્ન 50 વર્ષ પહેલા થયા હતા. જો કે આ ઉંમરે તેઓએ પોતાની સુવર્ણ જયંતિની ઉજવણી પુનર્લગ્ન કરીને કરી હતી. જેના તસવીર અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.

જેમનાં લગ્નમાં તેમના પરિવારના પૌત્ર સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યાં હતા. એટલું જ નહીં તેમનો એક ડોક્ટર દીકરો લંડનમાં રહે છે તે પણ માતા પિતાની આ ઈચ્છા જોઈને ખાસ તેમના લગ્ન માટે સુરત પરિવાર સાથે આવ્યો હતો. પીઠી, સંગીતથી લઈને વરઘોડા સુધીના દરેક પ્રસંગ રાખવામાં પણ આવ્યા હતા અને મુહૂર્ત પ્રમાણે જ વિધિ પણ કરવામાં આવી હતી.

આ અંગે તેમના સંબંધીએ કહ્યું કે, લગ્નના એક પ્રસંગમાં રમેશભાઈને એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે "૫૦ વર્ષ પહેલા જે મેરેજ કર્યા હતા અને આજે જે મેરેજ કરો છો તે બંને માં શું ફર્ક લાગ્યો..??" ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે 50 વર્ષ પહેલા ઈન્તિઝાર હતો અને આજે સાથે છે. તેમના આવા નિખાલસ અને ખુશમિજાજ સ્વભાવને લઈને આ ઉંમરે પણ તેમને ફરીથી લગ્ન કરતા જોઈને યુવાઓને પણ પ્રેરણા મળે એવી છે.

(6:15 pm IST)