Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ગુજરાતના નવા DGP વિકાસ સહાય

હવે કાયમી નિમણુંક અપાઇ : અગાઉ તેમની પસંદગી દેશની પ્રથમ રક્ષા શકિત યુનિવર્સિટી માટે થઇ હતી : ૧૯૮૯ની બેચના IPS અધિકારી : આશીષ ભાટીયાની નિવૃત્તિ બાદ ઇન્‍ચાર્જ DGP બનાવાયેલ સહાય હવે કાયમી પોલીસવડા

રાજકોટ તા. ૧ : ગુજરાતના નવા પોલીસ વડા આશિષ ભાટીયા ૩૧ જાન્‍યુઆરીએ નિવૃત્ત થયાં છે. ત્‍યારે નવા ઈન્‍ચાર્જ પોલીસ વડા તરીકે ૧૯૮૯ બેચના IPS અધિકારી શ્રી વિકાસ સહાયને ચાર્જ સોંપવામાં આવ્‍યો હતો. હવે આજે વિકાસ સહાયને રાજયના પોલીસ વડા તરીકે કાયમી નિમણૂંક કરવામાં આવી છે. અગાઉ નવા DGP માટે ૩ IPS અધિકારીઓ રેસમાં હતા. જેમાં અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્‍તવ, વિકાસ સહાય અને અજય તોમરના નામની ચર્ચા હતી. જેમાં આખરે વિકાસ સહાય હવે ગુજરાતના નવા DGP બન્‍યાં છે.

વિકાસ સહાય ૧૯૮૯ બેચના IPS અધિકારી છે અને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ મેળવી હતી. પોલીસ વિભાગમાં ૧૯૯૯માં એસપી આણંદ, ૨૦૦૧માં એસપી અમદાવાદ ગ્રામ્‍ય, ૨૦૦૨માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન ૨ અને ૩, ૨૦૦૪માં અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્‍ય મહત્‍વના હોદ્દાઓ સંભાળ્‍યા છે.તેમની પસંદગી દેશની પ્રથમ પોલીસ યુનિવર્સિટી ‘રક્ષા શક્‍તિ યુનિવર્સિટી'ની સ્‍થાપના માટે કરવામાં આવી હતી.

અગાઉ વિજયભાઇ રૂપાણીની સરકાર વખતે પેપરલીકને કારણે ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય સાઈડલાઈન થઈ ગયા હતા. હવે ભૂપેન્‍દ્રભાઇ પટેલની સરકારમાં વિકાસ સહાય ફરી સાઈડમાંથી મેઈન જગ્‍યા ઉપર આવ્‍યા છે. આશિષ ભાટીયાની નિવૃત્તિ બાદ વિકાસ સહાયને ઈન્‍ચાર્જ ડીજીપી તરીકે જવાબદારી સોંપાઈ હતી. પરંતુ હવે તેઓ રાજયના કાયમી DGP બન્‍યાં છે.

(5:07 pm IST)