Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ગુજરાતની ઝળહળતી સિધ્‍ધી : સૂર્ય ઉર્જા અને પવન ઉર્જા ક્ષેત્રે દેશમાં મોખરે

રાજકોટમાં ૭૩૪, મોરબીમાં ૩૭૫, અમરેલીમાં ૪૫૬ મેગાવોટ પવન ઉર્જા ક્ષમતા

ગાંધીનગર તા. ૧ : વર્ષ ૧૯૯૩-૯૪ માં દેશની પ્રથમ પવન ઊર્જા નીતિ  ગુજરાતમાં અમલમાં આવી હતી. ત્‍યારબાદ વધુ ચાર પવન ઊર્જા નીતિઓ જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત હાલમાં પાંચમી પવન ઊર્જા નીતિ ૨૦૧૬ અમલમાં છે. આ નીતિ હેઠળ ૩૧ ડિસેમ્‍બર ૨૦૨૨ સુધીમાં પવન ઊર્જાથી વીજ ઉત્‍પાદનની સ્‍થાપિત ક્ષમતા ૯૭૧૨.૦૬ મેગા વોટ છે જેમાં સમગ્ર દેશમાં ગુજરાત બીજા સ્‍થાને છે તેમ વિધાનસભા ગૃહમાં  અકોટાના ધારાસભ્‍ય શ્રી ચૈતન્‍ય દેસાઈ દ્વારા પુછાયેલા પ્રશ્નોનો પ્રત્‍યુતર આપતા ક્‍લાઇમેન્‍ટ ચેન્‍જ રાજય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્‍યું હતું.

મંત્રીશ્રી પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં ૩૧ ડિસેમ્‍બર ૨૦૨૨ની સ્‍થિતિએ પવન ઊર્જાની સ્‍થાપિત ક્ષમતા ૯૭૧૨.૦૬ મેગાવોટ અને સૌર ઊર્જાની સ્‍થાપિત ક્ષમતા ૮૬૪૦.૨૦ મેગાવોટ છે. આમ  રાજયની પવન ઊર્જાની સ્‍થાપિત ક્ષમતા દેશની કુલ પવન ઊર્જાની સ્‍થાપિત ક્ષમતાના ૨૩.૨ ટકા છે. આ જ રીતે રાજયની સૌર ઊર્જાની  સ્‍થાપિત ક્ષમતા દેશની કુલ સૌર ઊર્જાની સ્‍થાપિત ક્ષમતાના  ૧૩.૬ ટકા છે. મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્‍વમાં ગુજરાત સૌર અને પવન ઊર્જાના ઉત્‍પાદન ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર છે.

ગુજરાતમાં પવન ઊર્જામાં કચ્‍છ જિલ્લો  ૪૯૦૬.૬૮ મેગાવોટ સાથે અગ્રેસર છે. જયારે જામનગરમાં ૧૯૪૮ મેગાવોટ, રાજકોટમાં ૭૩૪, અમરેલીમાં ૪૫૬, મોરબીમાં ૩૭૫, સુરેન્‍દ્રનગરમાં ૩૬૩, દેવભૂમિ દ્વારકામાં ૨૯૫, પાટણમાં ૨૦૮, પોરબંદરમાં ૧૯૬, ભાવનગરમાં ૧૮૯ અને બોટાદમાં ૩૮ એમ કુલ  ૯,૭૧૨ મેગાવોટથી વધુ પવન ઊર્જા ક્ષમતા ગુજરાત ધરાવે છે.

લિંબાયતના ધારાસભ્‍ય શ્રી સંગીતા પાટીલ દ્વારા પુછાયેલા પેટા પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રીશ્રી મુકેશ પટેલે કહ્યું હતું કે તત્‍કાલીન મુખ્‍યમંત્રીશ્રી અને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં વર્ષ ૨૦૦૯ -૧૦માં શરૂ થયેલી સોલર રૂફટોપ યોજના થકી સૌર વીજ ઉત્‍પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. 

મંત્રી શ્રી પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતું કે આ યોજના હેઠળ ૩૧ ડિસેમ્‍બર ૨૦૨૨ સુધી કુલ ૪.૫ લાખ ખાનગી ઘરો પર કુલ ૧૫૮૪ મેગાવોટથી વધુ ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્‍ટમ સ્‍થાપવામાં આવી છે

આ યોજના હેઠળ સોલર રૂફટોપ સિસ્‍ટમ સ્‍થાપવા માટે ત્રણ કિલોવોટ સુધી ૪૦% સબસીડી અને ત્રણ કિલો વોટથી વધુ અને ૧૦ કિલોવોટ સુધી ૨૦ ટકા સબસિડી સરકાર દ્વારા આપવામાં આવે છે. ગુજરાતમાં અંદાજે રૂ. ૨,૫૩૯ કરોડથી વધુની સબસીડી ચૂકવવામાં આવેલ છે.

(12:09 pm IST)