Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

૨૨ વર્ષ પછી, ગુજરાતને મળશે કેરીની એક નવી જાત

આણંદ કૃષિ યુનિવર્સિટીએ વિકસાવી ‘આનંદ રસરાજ' : આનંદ રસરાજ લાંબુ આયુષ્‍ય અને ફળોની જીવાત સામે વધારે પ્રતિરોધ ધરાવે છે

આણંદ, તા.૧: ૩૨ વર્ષના સમયગાળા પછી, આ ઉનાળામાં ગુજરાતીઓને એક નવો કેરીનો સ્‍વાદ ચાખવા મળશે. અત્‍યાર સુધી ગુજરાતમાં ખેડૂતો મોટા ભાગે કેસર, હાફુસ અને લંગરા કેરી જ ઉગાડતા રહ્યા છે.

હવે આણંદ કૃષિ યુનિવર્સિટી (એએયુ)એ કેરીની એક નવી જાત આનંદ રસરાજ અથવા ગુજરાત મેંગો ૧ વિકસાવી છે જે કૃષિ વૈજ્ઞાનિકો અનુસાર વધુ ઉપજ આપે છે અનેુ સારી ગુણવત્તાવાળી છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કહ્યું કે આનંદ રસરાજમાં પોતાના સ્‍વાદ, તેની સાઇઝ અને નાની વેરાઇટી હોવાના કારણે કેસરની સામે સારૂ બજાર મેળવવાની ક્ષમતા છે. વર્ષ ૨૦૦૦માં પહેલાની ગુજરાત કૃષિ યુનિવર્સિટીના પારીઆ ખાતેના કૃષિ પ્રાયોગીક સ્‍ટેશને કેરીની સોનપરી જાત રીલીઝ કરી હતી જેની સારી એવી માંગ છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સેલર ડોકટર કે બી કથિરીયાએ કહ્યું ‘અમારા દ્વારા વિકસાવાયેલ કેરીની નવી જાત આનંદ રસરાજને હાલમાં જ રીલીઝ કરાઇ છે અને તે કેરી ઉગાડનારાઓ અને ખાનારાની માંગને સંતોષવાની ક્ષમતા ધરાવે છે.'

કથિરીયા, રિસર્ચના ડાયરેકટરો ડો. એમ કે ઝાલા અને ડો. એચ.સી. પરમાર, ડો. વિનોદ મોર અને તેમની જાબુગામ રીસર્ચ સ્‍ટેશનના વૈજ્ઞાનિકોની ટીમે આ નવી જાત વિકસાવી છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના હોર્ટીકલ્‍ચર વૈજ્ઞાનિક ડો. એમ જે પટેલે કહ્યું કે, અત્‍યારે ગ્રાહકો મોટા ભાગે કવોલીટી, સ્‍વાદ અને ફળના આયુષ્‍યના આધારે પસંદગી કરતા હોય છે. લંગરા એ ખરેખર એક સારી જાત હોવા છતાં તેનું આયુષ્‍ય ઓછું હોવાથી તેની માંગ ઓછી રહે છે, જ્‍યારે કેસર તેની કવોલીટી અને સ્‍વાદના કારણે સ્‍થાનિક તેમજ વિદેશી બજારમાં વધારે વેચાય છે.

તેમણે કહ્યું, વધારે આયુષ્‍ય, કવોલીટી, સ્‍વાદ, ફળની સાઇઝ અને ઉપજના કારણે આનંદ રસરાજમાં કેસર જેટલું અથવા તો તેનાથી પણ વધારે બજાર મેળવવાની ક્ષમતા છે.

તેમણે કહ્યું કે, કેરીની આ નવી જાત પ્રતિ વૃક્ષ ૫૭.૪ કીલો અથવા ૧૧.૪૯ ટન પ્રતિ હેકટરની ઉપજ આપે છે. જે લંગરા કરતા ૨૯.૮૬ ટકા, દશેહરી કરતા ૪૪.૯૫ ટકા, કેસર કરતા ૩૦.૪૫ ટકા, સોનપરી કરતા ૩૧.૩૫ ટકા, સિંધુ કરતા ૭૭.૧૬ ટકા અને મલ્લિકા કરતા ૨૭.૮૪ ટકા વધારે છે.

તેમણે કહ્યું કે, આનંદ રસરાજનું ફળ ૧૧૦ દિવસમાં પાકી જાય છે અને વધુ અગત્‍યની વાત એ છે કે કેરીની આ નવી જાતમાં જીવાતના કારણે નુકસાન બહુ ઓછું થાય છે.

(11:20 am IST)