Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ધુળેટીને પણ મોંઘવારીનો રંગ લાગ્‍યો કલર-પિચકારીની કિંમત ૨૫ ટકા વધી

ચાઇનાથી આવતી પિચકારીઓની સંખ્‍યામાં મોટાપાયે ઘટાડો થયો છેઃ તેની સામે ભારતમાં જ તૈયાર કરવામાં આવેલી પિચકારી બજારમાં છવાઇ ગઇ છે

સુરત,તા. ૧ : હોળીના તહેવારની ઉજવણી માટે ચાલુ વર્ષે ૨૫ ટકા વધારે ખર્ચ કરવો પડશે. પાછલા વર્ષ કરતાં કલર અને પિચકારીની કિંમતો વધી છે. લોકોમાં સ્‍વેદીશ વસ્‍તુઓને લઇ જાગૃતિ આવતા ચાઇનાથી આવતી પિચકારીઓની સંખ્‍યામાં મોટાપાયે ઘટાડો થયો છે. તેની સામે ભારતમાં જ તૈયાર કરવામાં આવેલી પિચકારી બજારમાં છવાઇ ગઇ છે. જો કે કિંમતોમાં વધારો થયો હોવાથી હોલસેલ માર્કેટમાં ખરીદીનો માહોલ જામી શક્‍યો નથી.

હોળીના તહેવારને આડે હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો જ બાકી છે ત્‍યારે શહેરના અલગ-અલગ વિસ્‍તારો અને દુકાનોમાં કલર અને નવી -નવી જાતની રંગબેરંગી પિચકારીઓની ભરમાર જોવા મળી રહી છે. તેની સાથે કલર પેસ્‍ટ, ફુગ્‍ગા, ગુલાલ સહિતની વસ્‍તુઓ પણ બજારમાં છવાઇ ગઇ છે. જો કે ચાલુ વર્ષે હોળીની ઉજવણી માટે ૨૫ ટકા વધુ ખર્ચ કરવો પડશે તેમ છે. કલર અને પિચકારીના વિક્રેતાઓનું કહેવુ છે કે પાછલા વર્ષે જે કિંમત તેમણે કલર અને પિચકારી વેચી હતી આ વર્ષે તે જ કિંમત પર ખરદીવી પડી રહી છે. કલર અને પિચકારી બનાવતા ઉત્‍પાદકોએ કિંમતો વધારી દીધી છે. તેઓનું કહેવું છે કે કામદારોના પગારમાં ૧૫ ટકાનો વધારો , ટ્રાન્‍સપોર્ટેશનમાં ૫ ટકાનો વધારો, કાચા માલની કિંમતોમાં ૨૦ ટકાનો વધારો સહિત તમામ વસ્‍તુઓની કિંમતોમાં વધારો થતા કલર અને પિચકારી ની કિંમતોમાં વધારો થાય છે. જેમાં પિચકારીની કિંમતોમાં ૧૫ ટકા સુધી અને કલરની કિંમતોમાં ૨૫ ટકા સુધીની કવોલિટી પ્રમાણે વધારે થયો છે. જો કે ફુગ્‍ગાની કિંમતો યથાવત રહી છે. સુરતમાં પિચકારી દિલ્‍હી, મુંબઇ અને અન્‍ય રાજયોમાંથી આવે છે, જ્‍યારે કલર પણ અન્‍ય રાજયોથી વેપારીઓ મંગાવે છે. બજારમાં આ વર્ષે પિચકારીઓમાં ગુલાલ ઉડાડવા માટેની બે કિલોની ટેંક પણ ઉપલબ્‍ધ છે, જે એક વાર સમાપ્‍ત થયા પછી ફરીથી રિફિલ થઇ શકે છે.

 વિક્રેતાઓનું કહેવું છે કે પારંપરિક રીતે વેચાતા રેગ્‍યુલર ગુલાલની સાથે રેશમ ગુલાલ અને ઇકોફ્રેન્‍ડલી ગુલાલની માંગ વધી રહી છે. મોટી સોસાયટી અને સ્‍કૂલોમાં રેશમ ગુલાલ અને ઇકોફ્રેન્‍ડલી ગુલાલને લોકો પસંદ કરી રહ્યા છે.

(1:58 pm IST)