Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ગુજરાત સરકારની ઢીલી નીતિના કારણે કપાસના વીમામાં વિલંબ

કેન્‍દ્ર અને રાજયમાં એક જ પક્ષની સરકાર હોવા છતા સંકલનનો અભાવ? રાજય સરકારે અહેવાલ જ મોકલ્‍યો નથી

રાજકોટ તા. ૧ : ગુજરાતના લાખો ખેડૂતો કપાસના પાક વીમાની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. સરકારે ધાર્યું હોત તો વિધાનસભાની ચૂંટણી પૂર્વે વીમો ચૂકવી શકાયો હોત પણ હજુ સુધી વીમો ન મળતા ખેડૂતોમાં નારાજગી વધતી જાય છે. પોષણક્ષમ ભાવ તેમજ પાણી અને વીજળીની સમસ્‍યા ઉપરાંત કપાસના પાક વીમામાં વિલંબ થતા ખેડૂતો માટે પડયા પર પાટા જેવી સ્‍થિતિ થઇ છે. કેન્‍દ્ર અને રાજ્‍યમાં એક જ પક્ષની સરકાર હોવાથી જવાબદારીમાંથી છટકવા એકબીજા પર દોષારોપણ કરી શકે તેવી સ્‍થિતિ નથી પરંતુ પૂરતા સંકલનનો અભાવ હોવાનું દેખાઇ આવે છે.

સરકારી સૂત્રોના જણાવ્‍યા મુજબ નવી પ્રધાનમંત્રી પાક વીમા યોજના અમલમાં આવ્‍યા પછી પ્રથમ વખત કપાસનો પાક વીમો આપવાનો થાય છે. રાજ્‍ય સરકાર અને વીમા કંપનીએ પાક બાબતે સંયુક્‍ત અહેવાલ તૈયાર કરીને કેન્‍દ્ર સરકારને મોકલવાનો હોય છે. ત્‍યારપછી કેન્‍દ્ર સરકાર પોતાનો હિસ્‍સો ઉમેરી પાક વીમો છુટ્ટો કરે છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે અને પછી કેન્‍દ્ર સરકારે આ બાબતે રાજ્‍ય સરકારને યાદી આપી હોવા છતાં રાજ્‍ય સરકારે અહેવાલ ન મોકલતા વીમા ચૂકવણીની પ્રક્રિયા આગળ વધી શકતી નથી.

ડીસેમ્‍બર મહિના સુધીમાં વીમો મળવાપાત્ર હતો પરંતુ રાજ્‍ય અને કેન્‍દ્ર સરકાર વચ્‍ચે વીમો પ્રક્રિયામાં અટવાયેલો છે. કપાસના પાક વીમામાં અકળ વિલંબ કરી સરકારે લાખો ખેડૂતોની અચ્‍છે દિનની આશા સામે પ્રશ્નાર્થ ખડા કરી દીધા છે. બંને સરકારે અને વીમા કંપનીએ જે કામગીરી કરવાની હોય તે ત્‍વરીત પૂરી કરીને ખેડૂતોને તાત્‍કાલિક વીમાની રકમ ચૂકવે તેવી લાગણી બળવાન બની છે.

 

(11:57 am IST)