Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

રિવરફ્ન્ટ પર કપલનો તોડ કરતો નકલી પોલીસ જબ્બે

રિવરફ્રન્ટ પર પ્રેમીપંખીડાનો તોડ કરતાં તત્વો સક્રિય : એંગેજમેન્ટ થઇ ગયેલી હોવાથી યુગલે પોલીસમાં માહિતી આપી દેતાં બનાવટી પોલીસ બની તોડ કરનારો પકડાયો

અમદાવાદ, તા.૩૧ : શહેરની ઓળખ સમા સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રેમીપંખીડા-કપલ શાંતિની એકાંત પળો માણી રહ્યા હોય છે ત્યારે તેમનો તોડ કરતા અસામાજિક તત્વોની રંજાડગતિ ભૂતકાળમાં પણ સામે આવી ચૂકી છે ત્યારે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનની હદમાં નદી કિનારે પ્રેમમાં મશગૂલ યુગલને પોલીસ હોવાનું કહી એક શખ્સે તેમની પાસેથી તોડ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ કપલની સગાઇ થઇ ગઇ હોવાથી તેમણે ડર્યા વિના હિંમત દાખવી સ્થાનિક પોલીસને જાણ કરી દેતાં પોલીસે નકલી પોલીસ બની તોડ કરતી ગેંગના શખ્સને ઝડપી લીધો હતો અને તેની વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ સાબરમતી રિવરફ્રન્ટ પર એકાંતની પળો માણી રહેલા પ્રેમી પંખીડા કે યુગલોને નકલી પોલીસ કે પત્રકારના બહાને તોડ કરવાની કે ઠગવાની હેરાનગતિના અનેક કિસ્સા સામે આવ્યા હતા. સ્થાનિક પોલીસ સમક્ષ પણ વારંવાર આ અંગેની ફરિયાદો અને રજૂઆતો મળી હતી. જો કે, તેમછતાં રિવરફ્રન્ટ વિસ્તારમાં આવા અસમાજિક તત્વોની લુખ્ખાગીરી ચાલુ જ રહી છે. તેનો તાજો કિસ્સો પ્રકાશમાં આવ્યો કે, જેમાં નકલી પોલીસ બની એક શખ્સે રિવરફ્રન્ટ પર બેઠેલા એક કપલનો તોડ કરવાનો પ્રયાસ કરી તેમને ધમકાવ્યા હતા. જો કે, આ યુગલની સગાઇ થઇ ગઇ હોવાથી તેઓ નકલી પોલીસની ધમકીને વશ કે તાબે થયા ન હતા. આ કપલે ભારે હિંમત દાખવી સ્થાનિક પોલીસને આ અસામાજિક તત્વની રંજાડગતિની ફરિયાદ કરી હતી, જેને લઇ પોલીસે તાત્કાલિક નકલી પોલીસ બની આવેલા શખ્સની ધરપકડ કરી તેની વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(9:48 am IST)