Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

VGGS 2022 દ્વારા તમામ માટે સંપૂર્ણ આરોગ્ય સંભાળનું સ્વપ્ન સાકાર થશે

તમામ માટે સારું સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષય ઉપર 7 જાન્યુઆરીને શુક્રવારે પ્રિ-સમિટનું આયોજન

ગાંધીનગરઃરાજ્યમાં આવતા અઠવાડિયે યોજાઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) માં ભારત તેમજ વિદેશી મહેમાનોને આવકારવા સજ્જ થઈ રહ્યું છે તેવા સમયે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અહીં હોલિસ્ટિક હેલ્થઃ તમામ માટે સારું સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષય ઉપર 7 જાન્યુઆરીને શુક્રવારે પ્રિ-સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.

આરોગ્ય વિષય પરની આ પ્રિ-સમિટ ગાંધીનગરમાં હોટલ લીલા ખાતે યોજાઈ રહી છે.
સાત જાન્યુઆરીએ યોજાઈ રહેલી પ્રિ-સમિટનું ઉદ્દઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરશે,કેન્દ્રીય આરોગ્યમંત્રી  મનસુખ માંડવિયા મુખ્ય સંબોધન કરશે. ઉદ્દઘાટન સમારંભના મુખ્ય વક્તાઓમાં સુશ્રી કેમિલા હોલમેમો (હ્યુમન ડેવલપમેન્ટ પ્રેક્ટિસિસ, વર્લ્ડબેંક ઈન્ડિયા), યસુમાસા કિમુરા (યુનિસેફના વડા, ભારત), ડૉ. આરતી આહુજા (ભારત સરકારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિક સચિવ) તથા વૈદ્ય રાજેશ કોટેચા (ભારત સરકારમાં આયુષ વિભાગના સચિવ) નો સમાવેશ થાય છે.
આ ઈવેન્ટમાં ત્રણ સત્ર રાખવામાં આવ્યા છે. પ્રથમ સત્રમાં આ વિષયના નિષ્ણાતો દ્વારા આરોગ્ય અને મેડિકલ પ્રવાસન વિષય ઉપર ચર્ચા-વિચારણા થશે, બીજા સત્રમાં ટેલિમેડિસન અને આરોગ્યલક્ષી ટેકનોલોજીના વિષય ઉપર ચર્ચા થશે જ્યારે ત્રીજા સત્રમાં આયુષ વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
આરોગ્ય અને મેડિકલ પ્રવાસન અંગેના આ સત્રમાં પંકજ પટેલ (ઝાયડસ હોસ્પિટલ્સના ચેરમેન), ડૉ. અનુપમ સિબ્બલ (ચેન્નઈની એપોલો હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર), પ્રોફે. સી.વી. જયદેવન (કેરળની વેરિઅર આયુર્વેદ કૉલેજના પ્રિન્સિપાલ) તથા વૈદ્ય ભાવેશ જોષી (એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ, અમદાવાદ) જેવા નિષ્ણાતો ભારતને ગ્લોબલ મેડિકલ અને વૈશ્વિક હબ તરીકે રજૂ કરશે.
આરોગ્ય સંભાળમાં ટેકનોલોજીના ઉપયોગ અંગેના સત્રના મુખ્ય વક્તાઓમાં – નિતિ આયોગના આરોગ્ય અને પોષણ વિભાગના સભ્ય ડૉ. વિનોદ પૌલ, ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ, ગુજરાતમાં યુનિસેફના વડા  પ્રસન્તા દાસ, ચેન્નઈની એપોલો ટેલિમેડિસિન નેટવર્કિંગ ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ. કે. ગનપતિ, બેંગલુરુના નિરામય હેલ્થ એનાલિટીક્સના સીઈઓ ડૉ. ગીતા મંજુનાથ તથા કર્ણાટકમાં મનિપાલના રૉબોટિક સર્જન, ચેરમન અને ઓન્કોલોજી વિભાગના વડા ડૉ. સોમશેખર એસ.પી. નો સમાવેશ થાય છે.
સંપૂર્ણ આરોગ્ય સંભાળ માટે આયુષના મહત્ત્વ અંગેના સત્રના મુખ્ય વક્તાઓમાં – નવી દિલ્હી, એઆઈઆઈએના એસોસિયેટ પ્રોફેસર વૈદ્ય સંતોષ ભાટડ, ન્યુયોર્કમાં આયુર્વેદની પ્રેક્ટિસ કરી રહેલા ડૉ. બાસવતી ભટ્ટાચાર્ય તથા ગુજરાત સરાકારના આયુષ વિભાગના ડિરેક્ટર વૈદ્ય જયેશ પરમારનો સમાવેશ થાય છે.
આ પ્રિ-સમિટ તમામ માટે સંપૂર્ણ આરોગ્ય સંભાળ પૂરી પાડવાનું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં અત્યંત મહત્ત્વનું પગલું સાબિત થશે.

(8:48 pm IST)