Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

ગાંધીનગરમાં ચિલોડા ખાતે સીઆરપીએફ કેમ્પમાં રહેતા ત્રણ જવાનો કોરોના પોજીટીવ આવતા લોકોને જોખમ

 

ગાંધીનગર:શહેરી ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. અગાઉ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એકલદોકલ કેસ પ્રકાશમાં આવતાં હતા. ત્યારે આજે વધુ આઠ કેસ સરકારી ચોપડે નોંધાયાં છે. ચિલોડા ખાતે આવેલા સીઆરપીએફ કેમ્પમાં રહેતા ત્રણ જવાન કોરોનામાં સપડાયાં છે. જ્યારે અદાણી શાંતિગ્રામ ખાતેથી પણ વધુ ત્રણ કેસ મળી આવ્યા છે.

ગ્રામ્ય વિસ્તારમાં વધતાં જતાં કેસના પગલે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. સાથે સાથે આરોગ્યલક્ષી સેવાઓ પણ વધારવામાં આવી રહી છે. જેના ભાગરૃપે રસીકરણમાં પણ વધારો થયો છે. જે સુખદ બાબત છે તો બીજી બાજુ કેસ વધી રહ્યાં છે. જે ચિંતાજનક બાબત છે. શુક્રવારે ૨૪ કલાક દરમિયાન જિલ્લા આરોગ્ય તંત્રના ચોપડે નવા આઠ કેસ ઉમેરાયાં છે. જેમાં ચિલોડા ખાતે આવેલા સીઆરપીએફ કેમ્પમાં રહેતા ત્રણ જવાનોનો સમાવેશ પણ થાય છે. ૨૮૨૯ અને ૩૧ વર્ષના આ ત્રણેય જવાનોને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. તો બીજી બાજુ ઉવારસદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની હદમાં આવતાં અદાણી શાંતિગ્રામ ખાતે રહેતાં ત્રણ વ્યક્તિઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જેમાં ખાનગી નોકરી કરતો ૨૧ વર્ષિય યુવાન૪૯ વર્ષિય વેપારી તથા ૪૯ વર્ષિય ગૃહિણીનો સમાવેશ થાય છે.  ગાંધીનગર તાલુકામાં આવેલા શેરથા કસ્તુરીનગરમાં રહેતી ૩૪ વર્ષિય ગૃહિણી પણ કોરોનામાં સપડાઇ છે. જ્યારે દહેગામ શહેરી વિસ્તારમાં રહેતો અને ખાનગી નોકરી કરતો ૩૦ વર્ષિય યુવાન પણ કોરોનામાં પટકાયો છે. શુક્રવારની સ્થિતિએ જિલ્લામાં ૨૧ દર્દીઓ હોવાનું સામે આવ્યું છે. જ્યારે શુક્રવારે ૨૪ કલાક દરમિયાન અઢી હજાર જેટલા વ્યક્તિઓએ જિલ્લામાં રસી લીધી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

 

(6:41 pm IST)