Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

વરસાદને લીધે ખેડૂતોને જણસ લઈને યાર્ડમાં ન આવવા સલાહ

બે દિવસ કમોસમી વરસાદની આગાહી :૧૪ માર્કેટયાર્ડમાં ખેડૂતોના પાકને કોઈ પ્રકારનું નુકસાન ન થાય તે માટે તકેદારી રાખવા જણાવવામાં આવ્યુ છે

બનાસકાંઠા,તા.૧ : બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં આગામી બીજી તારીખથી ચાર તારીખ સુધી કમોસમી વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. વરસાદથી ખેડૂતોના જાનમાલને કોઇપણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે પ્રયાસો હાથ ધરાયા છે. બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ભર શિયાળે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બેથી ચાર તારીખ સુધીમાં વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેને પગલે બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. જે પ્રમાણે તમામ નાયબ કલેક્ટર, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને માર્કેટયાર્ડ સહિત તમામ વિભાગને આ ત્રણ દિવસ દરમિયાન સજ્જ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

            જિલ્લામાં આવેલા ૧૪ માર્કેટયાર્ડમાં પણ ખેડૂતોના પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે તકેદારી રાખવા જણાવવામાં આવી છે. જેના પગલે તમામ માર્કેટયાર્ડમાં ખેડૂતોના માલ રાખવા માટે સેડની વ્યવસ્થા, ખેડૂતોને માહિતી મળે તે માટે માઇક દ્વારા એનાઉન્સ કરાવી ખેડૂતોને આ બે દિવસ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી તેમની જણસી માર્કેટમાં ન લાવે તે માટે જણાવવામાં આવ્યું છે. ગત વર્ષે વારંવાર અચાનક કુદરતી આફતોના કારણે બનાસકાંઠા જિલ્લાની અંદર અનેક ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. કેટલીક જગ્યાએ વરસાદથી ખેડૂતોનો માલ પલળી જતા તેમને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. આ વખતે વરસાદના કારણે ખેડૂતોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે તંત્રએ પૂરતી તૈયારીઓ કરી દીધી છે. ડીસા માર્કેટયાર્ડ સેક્રેટરી અમરત જોશીએ જણાવ્યું હતું કે, ખેડૂતો મોટાભાગે માર્કેટમાં માલ લઈને વેચવા માટે આવતા હોય છે. જો અચાનક વરસાદ પડે તો તેમનો માલ પલળી જતા ભારે નુકસાન વેઠવું પડતું હોય છે. આ વખતે ખેડૂતોને નુકસાન ન થાય તે માટે તમામ માર્કેટમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. શક્ય હોય ત્યાં સુધી ખેડૂતોને માર્કેટમાં આ ત્રણ દિવસ દરમિયાન માલ ન લાવવા માટે જણાવ્યું છે. છતાં પણ જો ખેડૂતો જણસી વેચવા માટે લઈને આવે તો તેમનો માલ રાખવા માટે સેડની વ્યવસ્થા કરાઈ છે, જેથી આ વખતે ખેડૂતોને નુકસાનની સંભાવના ખૂબ જ ઓછી છે.

(9:05 pm IST)