Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

સમર્થન મેળવવા પંજાબના ખેડૂતોના ગુજરાતમાં ધામા

ખેડૂત આંદોલનનો ગુજરાતમાં પણ પગપેસરો : ગુજરાતના ખેડૂતોને આંદોલનમાં જોડાવા આહવાન : ત્રીજી જાન્યુ.એ સુરતથી ખેડૂતો કૃષિ કાયદા સામે લડત શરૂ કરશે

સુરેન્દ્રનગર, તા. ૧ : દિલ્હી ખાતે કૃષિ બિલ મુદ્દે ચાલી રહેલા ખેડૂત આંદોલન હવે વધુ ઉગ્ર બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. નવા કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હી બોર્ડર પર ૩૮ દિવસથી ખેડૂત પ્રદર્શન કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર  સાથે ૪ જાન્યુઆરીએ યોજાનારી મહત્ત્વની આઠમા તબક્કાની વાતચીત પહેલાં શુક્રવારે ખેડૂત સંગઠનોની મહત્ત્વની બેઠક યોજાશે, જેમાં ખેડૂત આગળની રણનીતિ અંગે ચર્ચા કરશે. પરંતુ આ તમામ વાતો વચ્ચે ગુજરાતમાં પંજાબના ખેડૂતોનું આગમન શરૂ થઈ ગયું છે, એટલે કે ખેડૂતોનું આંદોલન હવે ગુજરાતમાં ઘૂસ્યું છે.

દિલ્હી ખાતે કૃષિ બિલ મુદ્દે ચાલી રહેલા ખેડૂત આંદોલનનો મામલે પંજાબથી ખેડૂત આગેવાનનુ? સુરેન્દ્રનગર જીલ્લામાં આગમન થયું છે. પંજાબથી ખેડૂતો સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાતભરના ખેડુતોને કૃષિ બિલો અંગે જાણકારી આપી જાગૃત કરવામા આવશે. દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડુત આંદોલનમાં સુરેન્દ્રનગર જિલ્લા સહીત રાજ્યભરના ખેડૂતો દિલ્હી ખાતે જોડાય તે માટે પંજાબના ખેડૂતોએ આહવાન કર્યું છે. સરકારના કૃષિ બિલો પરત ખેંચવાની માગ સાથે છેલ્લા દોઢ મહિનાથી દિલ્હી ખાતે આંદોલન ચાલી રહ્યું છે.

હવે ૪ જાન્યુઆરીના રોજ કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે ચર્ચા થશે. જોકે લંચ સમયે વાત ત્યારે બનતી જણાઈ, જ્યારે ખેડૂતો સાથે મંત્રીઓએ ભોજન લીધું. ખેડૂતો દાળ-રોટલી તો સાથે લાવ્યા હતા, પણ આ વખતે લંચમાં તેમની સાથે કૃષિમંત્રી નરેન્દ્ર તોમર તથા વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલ પણ સામેલ થયા હતા.

બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પણ ખેડૂત આંદોલન કરવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં પણ ખેડૂત આંદોલનના એંધાણ હવે સામે દેખાઈ રહ્યા છે.

૩ જાન્યુઆરીએ સુરતથી ખેડૂતો લડત શરૂ કરશે. અને જ્હાંગીરપુરા જિન ખાતે ખેડૂતો એકત્ર થશે. એટલે કહી શકાય કે ગુજરાતમાં ખેડૂત આંદોલનની લડત હવે સુરત ખાતેથી શરૂ થશે. હાલ લડત શરૂ કરવા તૈયારીઓ કરાઈ છે. મોટી સંખ્યામાં ખેડૂતો જહાંગીરપુરા ખાતે આવેલા જિન ખાતે એકત્ર થશે.

(7:49 pm IST)