Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

રાજપીપળા નવાપરા વિસ્તારમાં કંપાઉન્ડ વોલ બાબતે પાડોશીઓવચ્ચે ઝગડો થતા મારી નાખવાની ધમકી, સામસામી ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના નવાપરા વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે જમીન બાબતે બોલાચાલી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
  પ્રાપ્ત માહિતી મુજબ નવાપરા માં રહેતા જ્યોત્સનાબેન વિનાયકભાઈ પંડ્યાની ફરિયાદ મુજબ તેમની સીટ નં-૨૩ સીટી સર્વે  નં-૧૧૮.૧૧૯ વાળી જમીનની કંપાઉન્ડ વોલ બનાવવાની  કામગીરી ચાલુ કરતા તેમના ઘરની બાજુમા રહેતા ભુપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ (૨) પ્રભુતાબેન તે ભુપેન્દ્રસિંહ ગોહિલ(૩) દતીબેન ભુપેન્દ્રસિંહ ગોહિલ (૪) હેમરાજસિંહ પ્રદિપસિંહ ગોહિલ તેમને કહેવા લાગેલ કે સીટી સર્વે  નં-૧૧૮.૧૧૯ વાળી જમીનમા અમારી સીટી સર્વે નં-૧૨૦ વાળી જમીન  આવેલ છે તેમ કહી કંપાઉન્ડ વોલ બનાવવામા અડચણ પૈદા કરવા માટે ફરીયાદી સાથે બોલાચાલી કરી માથાકૂટ કરી પ્રભુતાબેન તથા હેમરાજ ભાઇ ત્રિકમ લઇ આવી ફરીયાદીની કમ્પાઉન્ડ વોલ ઉપર ઘા મારી નુકશાન કરી હેમરાજભાઇ એ હવે પછી કંપાઉન્ડ વોલ બનાવવાની કામગીરી ચાલુ કરશો તો જાનથી મારી નાખીશ અને ખોટા કેશમા ફસાવી દઇશ તેવી ધમકીઓ આપતા આ બાબતે રાજપીપળા પો.સ્ટે.માં ગુનો દાખલ થયો છે.
 જ્યારે સામે પક્ષે દ્રષ્ટીબેન પંકજસિંહ રાહુલજી ની ફરિયાદ મુજબ સાહેદ ભુપેન્દ્રસિહ તથા પ્રતિભાબેન પોતાના ઘરે બેઠા હતા તે વખતે કવિશ ઉર્ફે દતુ વિનાયક ભાઈ પંડયા અને ભાવિનભાઈ વિનાયકભાઈ પંડ્યા તેમના ઘરની પાછળ પ્લાસ્ટીક ફેન્સિંગ વાડ કરેલ હતી જે તોડવા માટે આવતા રોકવા જતાં બોલાચાલી થઇ જેમાં સાહેદ હેમરાજસિહ આવી વચ્ચે છોડાવતા કવીશ પંડ્યા ફેન્સિંગ કરેલી પાઈપ હાથમા લઈ હેમરાજસિહને મારવા આવતા દૃષ્ટિબેન વચ્ચે જતા તેમને પાઇપ માથાના ભાગે વાગી ગયેલ તેમજ  ભાવિન પંડ્યાની ઝપાઝપીમા દૃષ્ટિબેન ના પેટમા વાગી જતા તેઓ બુમાબુમ કરતા બંને ત્યાથી જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આમ નવાપરા વિસ્તારમાં બંને પક્ષે સામ સામી ફરિયાદ અપાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:24 pm IST)