Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

રાયખડ દરવાજાનુ કુલ ૯૦ લાખના ખર્ચથી સમારકામ

રાયખડ દરવાજાનો વારસો જાળવી રખાશે : રાયખડ દરવાજાના ઉપરના ક્ષતિગ્રસ્ત ભાગને રિપેર કરી સમયને અનુરૂપ તેવા પથ્થર અને લાકડાના બીમ ગોઠવાશે

અમદાવાદ,તા.૧ :  શહેરના પ્રસિદ્ધ ૧ર દરવાજા પૈકી માત્ર ખાનપુર દરવાજા, રાયખડ દરવાજા, ખાનજહાન દરવાજા અને જમાલપુર દરવાજા એમ કુલ ચાર દરવાજા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક છે. જ્યારે અન્ય આઠ દરવાજાની જાળવણી ભારતીય પુરાતત્ત્વ વિભાગ દ્વારા કરાય છે. દરમિયાન મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા રાયખડ દરવાજાના રિસ્ટોરેશન માટેની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. આ માટે આશરે રૂ.૯૦ લાખ ખર્ચાશે.અલબત્ત, ઐતિહાસિક રાયખડ દરવાજાનો પ્રાચીન અને સાંસ્કૃતિક વારસો જળવાઇ રહે તે પ્રકારે સમગ્ર રિસ્ટોરેશન કાર્ય હાથ ધરાશે તે પણ અમ્યુકો સત્તાધીશોએ સ્પષ્ટ કર્યું છે. ભારતીય પુરાતત્ત્વ વિભાગ પાસે શહેરના ૧ર ઐતિહાસિક દરવાજા પૈકી આસ્ટોડિયા દરવાજા, રાયપુર દરવાજા, પાંચકૂવા દરવાજા, કાલુપુર દરવાજા, સારંગપુર દરવાજા, પ્રેમ દરવાજા, દરિયાપુર દરવાજા એમ કુલ આઠ દરવાજાની જાળવણીનો હવાલો છે. આ ઉપરાંત ત્રણ દરવાજા અને ભદ્રના કિલ્લાના દરવાજાની જાળવણી પણ પુરાતત્ત્વ વિભાગ પાસે છે. બીજી તરફ મ્યુનિસિપલ હેરિટેજ વિભાગ પાસે ખાનપુર દરવાજા, રાયખડ દરવાજા, ખાનજહાન દરવાજા અને જમાલપુર દરવાજા એમ ચાર દરવાજા હોઇ સમયાંતરે તંત્ર દ્વારા આ ચારેય દરવાજાના રિસ્ટોરેશનની કામગીરીને હાથ પર લેવાય છે. અગાઉ વર્ષ ર૦૦૮માં સત્તાવાળાઓએ જમાલપુર દરવાજાના રિસ્ટોરેશનનું કામ હાથ ધર્યું હતું. તે વખતે દરવાજાના ધાબા પર આરસીસીનો સ્લેબ ભરાયો હતો જે ઐતિહાસિક દૃષ્ટિકોણથી યોગ્ય ન હોઇ તેને દૂર કરીને ચૂનાનો લેપ કરીને ધાબું ભરાયું હતું. ત્યાર બાદ વર્ષ ર૦૧૭માં રૂ.પ૭ લાખના ખર્ચે ખાનપુર દરવાજાનું રિસ્ટોરેશન કરાયું હતું. હવે રાયખડ દરવાજાનું રિસ્ટોરેશનનું કામ હાથ ધરાશે. રાયખડ દરવાજાનો ઉપરનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે. આ ક્ષતિગ્રસ્ત ભાગના પથ્થર અને લાકડાના બીમને કાઢીને તંત્ર દ્વારા તત્કાલીન સમયને અનુરૂપ તેવા પથ્થર અને લાકડાના બીમ ગોઠવાશે. આ માટે રૂ.૯૦ લાખ ખર્ચાશે.

(8:44 pm IST)