Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

ગેસ ભરાવવા માટે વાહનની સીએનજી સ્ટેશનોએ લાઇનો

બાર કોડ વિનાના વાહનોમાં સીએનજી ભરવાની ના : આગોતરી માહિતી કે જાણ કર્યા વગર એકાએક ઇનકાર કરાયો : સીએનજી સ્ટેશનો ઉપર અફરાતફરીનો માહોલ

અમદાવાદ,તા. ૧ :      સીએનજી સિલિન્ડર ટેસ્ટ કરાયેલા વાહનોની ઓળખ માટે બારકોડ લગાવવો ફરજિયાત કરાયું હોઇ જે સીએનજી વાહનોના ગ્રાહકોએ આવા બારકોડ લગાવ્યા નથી તેવા વાહનોમાં આજથી ગેસ ભરી આપવાનું અદાણી ગેસ પમ્પીંગ સ્ટેશનો દ્વારા બંધ કરાતાં જબરદસ્ત અફરાતફરી માહોલ સર્જાયો હતો. અદાણીના સીએનજી સ્ટેશનો પર રીક્ષાઓ અને ફોર વ્હીલર વાહનોની લાંબી લાઇનો નજરે પડતી હતી. ખાસ તો, રીક્ષાચાલકોની બબ્બે કિલોમીટર લાંબી લાઇનો લાગતાં ત્રણ-ત્રણ કલાકે તેમનો ગેસ ભરવામાં નંબર લાગતો હતો. તો, અદાણીના કેટલાક સીએનજી સ્ટેશનોએ રોષે ભરાયેલા આવા ગ્રાહકોએ જોરદાર હોબાળો મચાવતાં કેટલાક સ્ટેશનો બંધ કરવા પડયા હતા અને પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.     અદાણી સીએનજી સ્ટેશનો પર વાહનો પર બારકોડ લગાડવા અંગેનું અભિયાન અદાણી ગેસ લિ. દ્વારા તા.૨૦-૬-૨૦૧૭ના રોજથી ચાલુ કરાયું હતું. જો કે, હજુ સુધી પચાસ ટકા વાહનોમાં નથી તો આવા બારકોડ લગાવાયા કે નથી સીએનજી સિલિન્ડરના ટેસ્ટ કરાયા. આ બધા કેઓસ વચ્ચે આજે અદાણી ગેસ લિ. દ્વારા સરકારના નિર્દેશાનુસાર તા.૧લી જાન્યુઆરી,૨૦૧૮થી બારકોડ વિનાના કે સીએનજી સિલિન્ડર ટેસ્ટ કરાયેલા ના હોય તેવા સીએનજી વાહનોમાં  સીએનજી ગેસ ભરી આપવાનું બધ કરાયું હતું. જેને પગલે આવા સીએનજી ગ્રાહકોમાં ભારે રોષ અને આક્રોશની લાગણી ફેલાઇ હતી. સીએનજી ગેસ ભરી અપાતો નહી હોવાના સમાચાર વાયુવેગે શહેરભરમાં પ્રસરતાં સીએનજી વાહનોની લાંબી લાઇનો અદાણી સ્ટેશન પર લાગવા માંડી હતી. ખાસ તો, ગરીબ રીક્ષાવાળાઓએ બબ્બે કિલોમીટર લાંબી લાઇનો લગાવી સીએનજી ગેસ ભરાવવા માટે પડાપડી કરી હતી. જેને લઇ અદાણી સીએનજી સ્ટેશનો પર અફરાતફરી અને જબરદસ્ત હોબાળાની પરિસ્થિતિ સર્જાઇ હતી. કેટલાક સ્ટેશનો પર તો ગ્રાહકો અને સ્ટેશનના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી અને રીતસરના ઝઘડાની ઘટનાઓ પણ  બનતાં ત્યાં સીએનજી સ્ટેશન થોડીવાર માટે બંધ રાખવાની ફરજ પડી હતી તો, કેટલાક સીએનજી સ્ટેશનો પર પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. અદાણી સ્ટેશનો પર ગેસ ભરી આપવાનું બંધ કરાતાં સીએનજી ગ્રાહકો અન્ય સીએનજી સ્ટેશનો તરફ ફંટાયા હતા.

સીએનજી ગ્રાહકોએ ખાસ કરીને રીક્ષાચાલક ગ્રાહકોએ આવી ઝુંબેશ કે અભિયાનની તેઓને પૂરતી કે સમયસર જાણ જ કરાઇ નહી હોવાની રજૂઆત સાથે વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે, કોઇપણ નિયમ લાગુ કરતાં પહેલા તેની પૂરતી અને બહોળી પ્રસિધ્ધિ સાથે જાહેરાત તો કરવી જોઇએ ને અને આવી જાહેરાતો સાથે તેમને તેની અમલવારી માટે પૂરતો સમય આપવો જોઇએ. આ પ્રકારે અચાનક નિયમ લાગુ કરી શકાય નહી. જો કે, અદાણી ગેસ લિ. દ્વારા તેના શહેનરા અખબારનગર, અચેર ડેપો, ગોતા ચોકડી, એસજી હાઇવે, મેમ્કો-કૃષ્ણનગર, પાલડી-ચંડોળા, મણિનગર-જમાલપુર સીએજી સ્ટેશનો પરથી સવારે ૯-૦૦થી રાત્રે ૮-૦૦ દરમ્યાન બારકોડ સ્ટીકર લગાવી લેવા જાહેરાત કરી હતી.

 

(8:20 pm IST)