Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

ધોળે દિવસે મંગેતરને મળી પરત ફરનાર વાપીના યુવાનની કાર પર બુકાનીધારીએ ફાયરિગ કરતા તપાસ શરૂ

વાપી:હાઇવે પર આજે ધોળે દિવસે બલીઠાના યુવાનની કાર પર અન્ય કારમાં આવેલા ૩ થી ૪ બુકાનીધારી શખ્સો પૈકી એકે એક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જો કે, યુવાનનો બચાવ થયો હતો. ગોળીબાર કોણે અને કયા કારણોસર કરાયો તે અંગે પોલીસે સઘન તપાસ આદરી છે. ઘટનાસ્થલેતી એક ફુટેલી કારતૂસ મળી આવી હતી.

 


પ્રાપ્ત અને પોલીસસૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વાપીના બલીઠા ગામે કોળીવાડમાં રહેતા હિરેન ખંડુભાઇ પટેલ (ઉ.વ. ૨૬) આજે સવારે પોતાની નવી સ્વીફ્ટ કારમાં વલસાડ ખાતે રહેતી મંગેતરને ત્યાં ગયો હતો.  હિરેન બપોરે વલવાડાથી પરત બલીઠા આવવા નીકળ્યો હતો. તે દરમિયાન વાપી હાઇવે પર યુપીએલ કંપની સામેના ફ્લાયઓવર પર  અચાનક બીજી સ્વીફ્ટ ડિઝાયર કારમાં આવેલા ૩ થી ૪  બુકાનીધારી શખ્સો પૈકી એકે હિરેન પર એક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જો કે, ગોળી કારના આગળના કાચ પર વાગતા તેનો ચમત્કારિક બચાવ થયો હતો. ગોળીબાર કર્યા બાદ તમામ શખ્સો કારમાં ભાગી ગયા હતા.

ધોળે દિવસે હાઇવે પર બનેલી ફાયરીંગની ઘટનાને પગલે લોકોમાં ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતાં ઉદ્યોગનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આરોપીને પકડવા ચોમેર નાકાબંધી ગોઠવી દીધી હતી. તપાસમાં પોલીસને ઘટનાસ્થળેથી એક ફુટેલી કારતૂસ મળી આવી હતી. જો કે, હિરેન પર કોણે અને કયા કારણોસર ગોળીબાર કર્યો તે અંગે કોઇ વિગત બહાર આવી નથી.

પોલીસે સઘન તપાસ આદરી છે. હિરેન  પટેલ અગાઉ રીંગણવાડા  ખાતે કટારીયા શોરૃમમાં નોકરી કરતો હતો. નોકરી છોડયા બાદ ખેતીકામ કરે છે. હિરેનના ૨૦મી ફેબુ્રઆરીના રોજ પ્રેમલગ્ન થનાર હોય તે પૂર્વે બનેલી ઘટનાને પગલે પરિવારમાં ચિંતા વ્યાપી છે. બે-ત્રણ દિવસ અગાઉ મહારાષ્ટ્ર પાસીંગની કારે હિરેનની કારનો વાપી હાઇવે પર પીછો કર્યો હોવાનું પણ જાણવા મળે છે.

(4:16 pm IST)