Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

કડીના દીઘડી ગામ નજીક ડમ્પરે રિક્ષાને હડફેટે લેતા ગોઝાર અકસ્માતમાં પિતા-પુત્રનું મોત: અન્ય આંઠ ઘાયલ

અમદાવાદ: કડી નજીક દીઘડી ગામ નજીક રોડ પર ડમ્પરે મુસાફરો ભરેલી રિક્ષાને અડફેટે લેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિનાં ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. જ્યારે આઠ મુસાફરોને ઇજાઓ પહોંચતા તમામને કડીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે, કડી નજીક આવેલા અગોલ ગામના રહીશ ઉમરભાઇ અલુભાઇ જાદવ રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે મોડી સાંજે ઉમરભાઇ તેમના ૧૭ વર્ષના પુત્ર સાહિલ તેમજ મુસાફરો ભરી મેમદપુરથી અગોલ ગામ જવા નીકળ્યા હતા. તેમની રિક્ષા જ્યારે કડી નજીક દીઘડી રોડ પરથી પસાર થતી હતી ત્યારે સામેથી પુરઝડપે આવી રહેલા ડમ્પરે રિક્ષાને અડફેટે લઇ જોરદાર ટક્કર મારતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જેમાં ઉમરભાઇ તેમના પુત્ર સાહિલ અને એક મુસાફરના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે રિક્ષામાં બેઠેલ આઠ જેટલા મુસાફરોને ઇજાઓ પહોંચતા તમામને ૧૦૮ મારફતે કડીની હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં રિક્ષાનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. અકસ્માત બાદ ડમ્પરનો ચાલક ડમ્પર મૂકી નાસી છૂટ્યો હતો. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

(4:14 pm IST)