Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

૪ કિલો સિંદૂરમાં ઘી ભેળવી વિક્રમને સિંદૂરી હનુમાનજીનું રૂપ અપાયું હતું

આનંદ સાગરની રામાયણમાં હનુમાનજીનો સિંદૂરી અધ્યાય : મેકઅપ હટાવવા માટે લાગ્યો હતો ૮ કલાકનો સમય

મુંબઇ તા. ૩૦: આનંદ સાગરની સિરીયલ રામાયણ ૨૦૦૮માં શરૂ થઇ હતી. જેમાં ગુરમિત ચોૈધરી અને દેબીના મુખર્જીએ રામ-સિતાની ભુમિકા નિભાવી છે. આ શોમાં દર્શકોને સિંદૂરી હનુમાન જોવાની તક પણ મળી છે. આ પહેલા અગાઉના રામાયણ શોમાં આ અધ્યાય બતાવાયો નહોતો. આનંદ સાગરનો આ શો હાલમાં ફરીથી દંગલ ચેનલ પર દર્શાવાઇ રહ્યો છે. શોના ક્રિએટીવ હેડ શાહબ શમ્સીએ સિંદૂરી હનુમાનજીના પ્રસંગ વિશે જણાવ્યું હતું કે આ હનુમાનજીનું એક રૂપ છે. આ વિશે લોકો જાણે જ છે. જો કે કોઇ શોમાં આ રૂપ દેખાડાયુ નહોતું. અમે અમારા શોમાં હનુમાનજીના ભકતોને આ રૂપ દેખાડ્યું છે.હનુમાનજીનું પાત્ર ભજવતા અભિનેતા વિક્રમ મસ્તલને આ માટે ખાસ સિંદુરી રંગ લગાવવાનો હતો. આ પ્રક્રિયા ખુબ જ શ્રમ માંગી લે તેવી હતી. સમગ્ર ટીમ માટે આ મેકઅપ શુટીંગ શેડ્યુલ દરમિયાન અકબંધ રાખવાનું કામ પણ ખુબ મુશ્કેલ હતું. વિક્રમ માટે સમસ્યા એ હતી કે તે સિંદૂરી રંગ લાગ્યા પછી કોઇ પણ વસ્તુને અડી શકતો નહિ. જો અડે તો મેકઅપ ખરાબ થઇ જતો હતો. વિક્રમે કહ્યું હતું કે મેકઅપ ટીમે ૪ કિલો સિંદૂર ઘીમાં ભેળવીને મારા આખા શરીરે લગાડી દીધો હતો. આ પ્રક્રિયા બે કલાકે પુરી થઇ હતી. મને સ્પષ્ટ કહેવાયું હતું કે મારે મેકઅપ પછી કોઇપણ ચીજવસ્તુને અડવી નહિ. જ્યારે દ્રશ્યનું શુટીંગ પુરૂ થઇ ગયું એ પછી મારા શરીર પરથી સિંદૂર હટાવવામાં મેકઅપ ટીમને આઠ કલાકનો સમય લાગ્યો હતો. આ પ્રક્રિયા બધા માટે થકાવી દેનારી હતી. સિંદૂરી હનુમાનજીનો અધ્યાય હનુમાજીના ભગવાન રામ પ્રત્યેના સ્નેહને મહત્વ આપે છે. ભગવાન રામના દિર્ઘાયુ અને ખુશી માટે હનુમાનજીએ આમ કર્યુ હતું.      આનંદ સાગરની રામાયણ દરરોજ સાંજે સાડા સાતે અને સવારે સાડા નવે લાખો દર્શકો દંગલ ચેનલ પર નિહાળી રહ્યા છે.

(3:00 pm IST)