Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

અભિનેતા રાજેશ ખન્‍નાનો આજે જન્‍મદિનઃ 1966માં ચેતન આનંદની ફિલ્‍મ ‘આખિરી ખત'થી ફિલ્‍મ ક્ષેત્રે ઝંપલાવ્‍યુ હતુ

અમદાવાદઃ સુપરસ્ટાર રાજેશ ખન્નાના જન્મદિન પર એમના વિશેની કેટલીક રસપ્રદ વાતો અમે આપના માટે લઈને આવ્યાં છીએ. બોલીવુડમાં કાકાના હુલામણાં નામે જાણીતા રાજેશ ખન્નાનો જન્મ પંજાબના અમૃતસરમાં 29 ડિસેમ્બર, 1942ના રોજ થયો હતો. તેમનું મૂળ નામ જતીન ખન્ના હતું. રાજેશ ખન્નાએ સિને કરિયરની શરૂઆત 1966માં ચેતન આનંદની ફિલ્મ આખિરી ખતની સાથે કરી હતી. ત્યાર પછી માત્ર 3 વર્ષમાં એક બાદ એક સળંગ 15 સુપરહીટ ફિલ્મો આપીને રાજેશ ખન્ના બની ગયા બોલીવુડના પહેલાં સુપરસ્ટાર. 70ના દાયકામાં રાજેશ ખન્ના પહેલાં એવા અભિનેતા હતા, જેમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના પહેલાં સુપરસ્ટારનું બિરુદ મળ્યું. કરિયર દરમિયાન રાજેશ ખન્નાએ 180 ફિલ્મોમાં કામ કર્યું. રાજેશ ખન્ના વિશેના આ વિશેષ આર્ટીકલમાં અમે તેમના વિશેની એવી અજાણી અને રસપ્રદ વાતો શોધી લાવ્યાં છીએ જેના વિશે કદાચ ઘણાં ઓછા લોકોને ખ્યાલ હશે.

એક સમયે મહાનાયક અમિતાભ બચ્ચન પણ રાજેશ ખન્નાની એક ઝલક મેળવવા માટે તલપાપડ રહેતાં હતાં. આ વાત ખુબ બીગ બી પણ કબુલી ચુક્યા છે. ત્યાર બાદ બન્ને એ એક સાથે આનંદ, નમક હરામ જેવી ફિલ્મો પણ કરી. ઘણાં ઓછા લોકોને ખ્યાલ હશે કે એક સમયે મોડલીંગના ફોટોગ્રાફ લઈને અક્ષયકુમાર રાજેશ ખન્નાની ઓફીસની બહાર કલાકો સુધી બેસી રહ્યાં હતાં. ત્યાર પછી સમય બદલાયો અને એજ અક્ષયકુમાર રાજેશ ખન્નાના જમાઈ બની ગયા.

રાજેશ ખન્નાની ફિલ્મ આખરી ખતને ઑસ્કરમાં એન્ટ્રી મળી હતી. પરંતુ તે ફાઈનલ ફાઈવમાં જગ્યા નહોતી બનાવી શકી. તમે નહીં જાણતા હોવ પણ અભિનેતા રાજેન્દ્ર કુમારે તેમનો બંગલો રાજેશ ખન્નાને વેચી દીધો હતો. આ બંગલો તેમની માટે ખૂબ જ લકી સાબિત થયો. આર્શીવાદ નામના આ બંગલાની ખરીદી બાદ તેમણે સળંગ 15 સુપરહિટ ફિલ્મ્સ આપી. રાજેશ ખન્નાએ પ્રોડ્યુસર તરીકે 10 ફિલ્મો અને ટીવી-સિરિયલ કરી હતી. રાજેશ ખન્ના ઍક્ટર તરીકે અકલ્પ્ય સફળતા મેળવી ચૂક્યા હતા, પરંતુ પ્રોડ્યુસર તરીકે તેઓ સુપરફ્લૉપ રહ્યા હતાં.

ફિલ્મ સ્ટાર મનોજ કુમારે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતુંકે, "રાજેશ ખન્નાનો સુપરસ્ટારડમનો સમય ભલે નાનો રહ્યો, પરંતુ જેટલી અપાર લોકપ્રિયતા તેમની હતી એટલી કદાચ જ કોઈ અભિનેતાને નસીબ થાય. પ્રેમ ચોપડા રાજેશ ખન્ના વિશે કહે છે, "સામાન્ય રીતે એવી ધારણા છે કે રાજેશ ખન્ના અભિમાની હતા. પરંતુ તેઓ એવું નથી માનતા. એ ગુપ્ત રીતે લોકોની મદદ કરતાં હતા. એ મદદ વિશે કોઈને જાણ થવા દેતા નહીં. "રાજેશ બદલાતા સમય સાથે પોતાની જાતને બદલી શક્યા નહીં, જે કામ અમિતાભ બચ્ચને કર્યું તે રાજેશ ખન્ના ના કરી શક્યા. એ તેમની જૂની સફળતામાં જ ડૂબેલા રહ્યા." રાજેશ ખન્નાના યુવાનીના દિવસોના સાથી રઝા મુરાદ કહે છે કે, રાજેશ ખન્નાએ એમના જીવનમાં શિસ્તનું પાલન ના કર્યું. એ બહુ દારુ પીતા હતા. એટલે જ અપાર સફળતા પછી પણ તેમનું સ્ટારડમ લાંબુ ના ટક્યું.

રાજેશ ખન્નાની 15 સુપરહીટ ફિલ્મો

આરાધના, ઈત્તેફાક, દો રાસ્તે, બંધન, ખામોશી, ડોલી, સફર, આન મિલો સજના, ધ ટ્રેન, સચ્ચા જૂઠાં, કટી પતંગ, આનંદ, મહબૂબ કી મેંહદી, હાથી મેરે સાથી, દુશ્મન સહિત માત્ર 3 વર્ષમાં સળંગ 15 સુપરહીટ ફિલ્મો રાજેશ ખન્નાએ આપી. જે રેકોર્ડ આજે પણ બોલીવુડમાં કોઈ હીરો તોડી શક્યો નથી.

કેવી રીતે રાજેશ ખન્ના બન્યા બોલીવુડના પહેલાં સુપરસ્ટાર?

રાજેશ ખન્નાને હિન્દી ફિલ્મોમાં અભિનયની તક મળી એ પછી આખરી ખત અને રાઝ ફિલ્મથી રાજેશ ખન્નાને હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં બધા ઓળખતા થઈ ગયા હતા અને દો રાસ્તે તથા આરાધનાએ ગોલ્ડન જ્યુબિલી ઊજવી એ પછી તો તેમના ભાવ ઊંચકાઈ ગયા હતા. 1969થી 1973 વચ્ચે તેમણે ધડાધડ સળંગ 15 સુપરહિટ ફિલ્મો આપી હતી (એ રેકૉર્ડ આજ સુધી હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનો કોઈ હીરો બ્રેક નથી કરી શક્યો) એને કારણે રાજેશ ખન્નાને ભારતના પ્રથમ સુપરસ્ટાર તરીકે ઓળખ મળી હતી.

લીપ કિસથી ફિમેલ ફેન્સે વાઈટ કારને કરી દીધી હતી લાલ

રાજેશ ખન્ના વિશેનો એક કિસ્સો ખુબ ફેમસ છેકે, તેઓ એકવાર પોતાની વાઈટ કાર પાર્ક કરીને કોઈ જગ્યાએ ગયા અને જ્યારે તેઓ પરત આવ્યાં તો તેમની ચાહક યુવતીઓએ પોતાની લીપ કિસથી તેમની સફેદ કારને લાલ રંગની કરી દીધી હતી.

આ અભિનેત્રીઓ સાથે રાજેશ ખન્નાએ જોડી જમાવી

રાજેશ ખન્નાએ પોતાના કરિયર દરમિયાન શર્મિલા ટેગોર, મુમતાઝ, હેમા માલીની, તનુજા, જિનત અમાન, રેખા, સ્મિતા પાટીલ, રીના રોય, ટીના મુનીમ, પદ્મીની કોલ્હાપુરી, રાખી, શબાના આઝમી સહિતની હીરોઈન સાથે રાજેશ ખન્નાએ ફિલ્મી પડદે જોડી જમાવી. જેમાં રાજેશ ખન્નાએ હેમા માલિની સાથે સૌથી વધુ ફિલ્મો કરી હતી. તેમની જોડી 15 ફિલ્મોમાં એકસાથે નજર આવી હતી. આ ઉપરાંત રાજેશ ખન્નાની મુમતાઝ સાથે કરેલી તમામ ફિલ્મી પણ હીટ રહી. આ જોડીએ 'આપકી કસમ', 'દો રાસ્તે', 'દુશ્મન', 'રોટી' અને 'સચ્ચા જૂઠા' જેવી સુપરહીટ ફિલ્મો આપી હતી.

કાકાને કૂકિંગ અને કાર બન્નેનો ખુબ શોખ હતો

સુપરસ્ટાર રાજેશ ખન્નાને કૂકિંગનો ખુબ શોખ હતો. તેમને અવનવી વાનગીઓ બનાવવામાં મજા આવતી હતી. તેઓ અવારનવાર તેમનાં મિત્રો માટે ભોજન બનાવતાં હતા. અને પોતાના ઘરે મિત્રોને દિલથી જમાડતા હતા. રાજેશ ખન્નાનાં ગાઢ મિત્રોમાં કિશોર કુમાર અને આર.ડી.બર્મન જેવાં મોટા નામ સામેલ હતા. રાજેશ ખન્ના એટલી હદે શોખીન હતા કે તેઓ તેમનાં સ્ટ્રગલનાં દિવસોમાં પણ સ્પોર્ટ્સ કાર ચલાવતા હતા.

ક્યાં થઈ હતી રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની પહેલી મુલાકાત?

રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાના લગ્ન બોલીવુડમાં એક જમાનામાં સૌથી મોટા સમાચાર બની ગયા હતા. જોકે તે દૌરમાં રાજેશ ખન્નાને સુપરસ્ટારનો દરજ્જો પ્રાપ્ત થઇ ચૂક્યો હતો. તો ડિમ્પલ કાપડિયા ફિલ્મ 'બોબી' બાદ બોલીવુડ સેંસેશન બની ચૂકી હતી. ખૂબ ઓછા લોકોને એ વાતની ખબર હશે કે ગુજરાતી ગર્લ ડિમ્પલ કાપડિયાની રાજેશ ખન્ના સાથે પહેલી મુલાકાત અમદાવાદના નવરંગપુરા સ્પોર્ટ્સ ક્લબ ખાતે થઇ હતી.

ક્યાં થયા હતાં રાજેશ ખન્ના અને ડિમ્પલના લગ્ન?

ડિમ્પલ કાપડિયા અને રાજેશ ખન્નાના લગ્ન ડિમ્પલ કાપડિયાના પૈતૃક બંગલામાં થયા હતા. પરંતુ બંનેનું રિસેપ્શન મુંબઇની જાણિતી હોટલ હોરાઇઝનમાં થયું હતું. આ રિસેપ્શનમાં બોલીવુડની ઘણી નામી હસ્તીઓ પહોંચી હતી. લગ્ન બાદ રાજેશ ખન્નાએ ડિમ્પલ કાપડિયાનું ફિલ્મોમાં કામ કરાવવાનું બંધ કરી દીધું. ડિમ્પલ કાપડિયા લગ્ન સમયે 'બોબી'નું શૂટિંગ કરી રહી હતી. તેમના હાથમાં લગ્નની મહેંદી લાગેલી હતી. ડિમ્પલ કાપડિયાને ફિલ્મ માટે એક ગીત શૂટ કરવાનું હતું, પરંતુ તેમના હાથમાં લાગેલી મહેંદીથી ફિલ્મ નિર્દેશને સમસ્યા હતા.

રાજેશ ખન્ના અને ડિમ્પલનું લગ્ન જીવન

ડિમ્પલ કાપડિયાએ બે પુત્રીઓને જન્મ આપ્યો ટ્વિકલ અને રિંકી. બન્નેને ડિમ્પલે જ મોટી કરી. રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાના લગ્ન વધુ સમય ટકી શક્યા નહી અને બંને એકબીજાથી અલગ રહેવા લાગ્યા. લગ્નના થોડા સમય બાદ જ બન્ને વચ્ચે અનેક બાબતોને લઈને સતત મતભેદો વધતા રહ્યાં.

અक्षયકુમાર છે રાજેશ ખન્નાના જમાઈ

રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની મોટી પુત્રી ટ્વિક્લ ખન્ના સાથે બોલીવુડના ખેલાડી અક્ષયકુમારના લગ્ન થયા છે. એક સમયે અક્ષયકુમાર જેની રાહ જોઈને ઓફિસની બહાર બેસી રહેતો હતો એ અક્ષયકુમાર આજે એ જ રાજેશ ખન્નાનો જમાઈ છે. અક્ષયકુમાર સાથે રાજેશ ખન્નાના સંબંધો ખુબ જ સારા હતા. જીવનના છેલ્લાં વર્ષોમાં અક્ષયકુમારે રાજેશ ખન્નાની ખુબ સંભાળ રાખી હતી. અક્ષય કુમાર સાથે રાજેશ ખન્નાનાં રિલેશન ખૂબ જ મિત્રતાપૂર્ણ હોવાનુ મનાય છે તેઓ અક્ષયને બડી કહીને બોલાવતા હતા.

યશરાજ બેનરનું સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે છે ખાસ કનેક્શન

 દેશનું સૌથી મોટું બેનર કહેવાતું યશરાજ ફિલ્મસ યશ ચોપરા દ્વારા વર્ષ 1970માં બનાવવામાં આવી હતી, પરંતુ એક વાત અત્યાર સુધી લોકોને વિચારવા પર મજબૂર કરી દે છે કે, બેનરના નામમાં યશ નામ યશ ચોપરાના નામ પરથી લેવામાં આવ્યું છે, પરંતુ આ રાજ શબ્દ ક્યાંથી આવ્યો. જોકે, અત્યાર સુધી કોઈ પાક્કા પુરાવા તો સામે નથી આવ્યા, પરંતુ મીડિયા રિપોર્ટસની માનીએ તો, યશરાજ ફિલ્મસમાં રાજ નામ રાજેશ ખન્ના છુપાયેલા છે. હવે આ રાજને જાણવા માટે આપણને વર્ષો પાછળ જવું પડશે. 1970 તરફ જઈએ જ્યાં યશ ચોપરા પોતાના પ્રોડક્શનમાં પોતાની પહેલી ફિલ્મ ડાઘ બનાવી રહ્યા હતા. આવામાં તેઓ માર્કેટમાં ફાઈનાન્સર શોધી રહ્યા હતા. આ દરમિયાન તેઓએ રાજેશ ખન્નાનો સીધો સંપર્ક કર્યો અને તેઓને પોતાની ફિલ્મ ડાઘમાં કામ કરવાની ઓફર આપી. રાજેશ ખન્નાએ તરત તેમની ઓફર સ્વીકારી હતી. રાજેશ ખન્ના તે સમય સુધી સુપરસ્ટાર બની ચૂક્યા હતા.

(4:37 pm IST)