Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

અધધધ ૫૪૩ કરોડના ખર્ચે બનેલી સુપરસ્ટાર રજનીકાંતની '૨.૦' આજથી રિલીઝ

અક્ષય કુમાર સુપર વિલનના દમદાર રોલમાં

ઘણા સમયથી જે ફિલ્મની રાહ જોવાઇ રહી હતી તે સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમારની ફિલ્મ  '૨.૦' આજ ગુરૂવારથી રિલીઝ થઇ છે.

નિર્માતા એ. સુભાસકરન, રાજુ મહાલિંગમ અને નિર્દેશક એસ. શંકરની આ ફિલ્મમાં રજનીકાંત, અક્ષય કુમાર, એમી જૈકસન, સુધાંશુ પાંડે, આદિલ હુશેન, કલાભવન શાહજોન, રિયાઝ ખાન સહિતે ભુમિકા નિભાવી છે. ફિલ્મમાં સંગીત એ. આર. રહેમાનનું છે અને ફિલ્મનું લેખન એસ. શંકરે કર્યુ છે. ૧૪૭ મિનીટની આ ફિલ્મની કહાની જોઇએ તો અગાઉ આવેલી ફિલ્મ 'રોબોટ'ની આ આગળની વાત છે.

રોબોટના અંતમાં દેખાડાયું હતું કે સરકારે વાસીગરન (રજનીકાંત)ને આદેશ આપ્યો હતો કે તે ચિટ્ટીની તાકાતને ખત્મ કરી દે, જેણે ચેન્નઇમાં સના (ઐશ્વર્યા રાય) માટે તહેલકો મચાવ્યો હતો. આદેશ મુજબ ચિટ્ટી (રોબોટ)ને એક મ્યુઝિયમમાં રાખી દેવામાં આવે છે.

થોડા વર્ષ પછી એક રહસ્યમયી શકિતશાળી સુપર વિલન (અક્ષય કુમાર)નું આગમન થાય છે, તે લોકોનું જીવવું હરામ કરી નાંખે છે. તેને એક એવું નુકસાન થયું હોય છે કે જેના કારણે તે આખી દુનિયા સામે બદલો લેવા મેદાનમાં ઉતરી આવે છે. આ સુપરવિલનની તાકાત મોબાઇલ થકી ચાલે છે. તેનાથી તે તબાહી મચાવવા ઇચ્છે છે. આ સમયે ફરીથી ચિટ્ટીની યાદ આવે છે. એ એક જ એવો છે જે આ સુપરવિલન સામે લડી શકે. પણ આ લડાઇ એટલી સરળ નથી. ફિલ્મમાં દેખાડાયું છે કે કઇ રીતે આજના યુગમાં માનવી મોબાઇલનો ગુલામ બની ગયો છે. ૫૪૩ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ  મુળ તમિલ ભાષામાં બનાવીને જુદી-જુદી ૧૪ ભાષામાં ડબ કરીને રિલીઝ કરવામાં આવી છે. ભારતીય ઇતિહાસની આ સોૈથી મોંઘી ફિલ્મ છે. થ્રીડીમાં આ ફિલ્મ જોવા દર્શકો આતુર છે. જેણે રિલીઝ પહેલા જ જુદી-જુદી રીતે ૪૦૦ કરોડથી વધુની કમાણી કરી લીધી હતી.

(9:47 am IST)