Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

ગોધરાકાંડ પર આધારિત ફિલ્‍મ ‘ધ સાબરમતી રિપોર્ટ'નું ટીઝર રિલીઝ થયું: જોઈને રૂવાડાં ઉભા થઈ જશે

‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્‍મમાં મેકર્સ ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ ગુજરાતના ગોધરા રેલવે સ્‍ટેશન પાસે સાબરમતી એક્‍સપ્રેસમાં જે ઘટના ઘટી હતી તે દર્દનાક કહાની લઈને આવ્‍યા છે

મુંબઇ,તા. ૨૯: ૧૨વી ફેલ ફિલ્‍મથી ધમાલ મચાવનારા વિક્રાંત મેસી હવે વધુ એક દમદાર ફિલ્‍મ સાથે હાજર થવા જઈ રહ્યો છે. ‘ધ સાબરમતી રિપોર્ટ'...જેની ઘણા વખતથી ચર્ચા થઈ રહી હતી. આ ફિલ્‍મમાં ગોધરા અગ્નિકાંડની કહાની દેખાડવામાં આવી છે. થોડા દિવસ પહેલા જ મેકર્સે તેનો એક વીડિયો પણ રિલીઝ કર્યો હતો અને હવે ટીઝર રિલીઝ કર્યું છે. ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્‍મમાં મેકર્સ ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ ગુજરાતના ગોધરા રેલવે સ્‍ટેશન પાસે સાબરમતી એક્‍સપ્રેસમાં જે ઘટના ઘટી હતી તે દર્દનાક કહાની લઈને આવ્‍યા છે.

 

તે દિવસે સાબરમતી એક્‍સપ્રેસના ડબ્‍બામાં આગ લાગી અને અનેક લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. લગભગ ૫૯ જેટલા લોકોના જીવ ગયા હતા. આ ભયાનક ઘટનાને ૨૨ વર્ષ થઈ ગયા પરંતુ તે ઘા હજુ પણ તાજા છે. ધ સાબરમતી એક્‍સપ્રેસના ટીઝરમાં એવી ચીજોની ઝલક દેખાડવામાં આવી છે જે ૨૨ વર્ષથી છૂપાયેલા હતા.

 

‘ધ સાબરમતી રિપોર્ટ'ના ટીઝરમાં ગોધરા અગ્નિકાંડની એક ઝલક દેખાડવામાં આવી છે પરંતુ તેની સચ્‍ચાઈ જયારે ફિલ્‍મી પડદે જોવા મળશે તો રૂવાડાં ઊભા થઈ જશે. રિદ્ધિ ડોગરા અને વિક્રાંત મેસીથી ટીઝરની શરૂઆત થાય છે. રિદ્ધિ વિક્રાંતને પૂછે છે કે ન્‍યૂઝ શું છે જેનો તે જવાબ આપે છે. ત્‍યારબાદ શરૂ થાય છે સાબરમતીમાં આગ લાગવાની હકીકત અને તેમાં જીવતા ભૂંજાયેલા ૫૯ લોકોની કહાની.

‘ધ સાબરમતી રિપોર્ટ' ૩ મે ૨૦૨૪ના રોજ રિલીઝ થશે. થોડા દિવસ પહેલા મેકર્સે એ લોકોને યાદ કરીને એક વીડિયો બહાર પાડ્‍યો હતો જેમણે ગોધરાકાંડમાં પોતાના જીવ ગુમાવ્‍યા હતા. આ વીડિયોએ એ સચ્‍ચાઈને જોવાની જીજ્ઞાસાને વધારી દીધી કે ખરેખર ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના સવારે ગોધરા રેલવે સ્‍ટેશન પાસે શું થયું હતું. ધ સાબરમતી રિપોર્ટને રંજન ચંદેલે ડાયરેક્‍ટ કરી છે અને શોભા કપૂર તથા એક્‍તા કપૂરે પ્રોડ્‍યૂસ કરી છે

(11:12 am IST)