Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ચાર ફિલ્મો 'સુઇ ધાગા', 'પટાખા', 'પીહૂ' અને 'મર્ડર એટ કોહ એ ફિઝા' રિલીઝ

આજથી ચાર ફિલ્મો 'સુઇ ધાગા', 'પટાખા', 'પીહૂ' અને 'મર્ડર એટ કોહ એ ફિઝા' રિલીઝ થઇ છે.

નિર્માતા મનિષ શર્મા, આદિત્ય ચોપડા અને નિર્દેશક શરત કટારીયાની ફિલ્મ 'સુઇ ધાગા'નું લેખન શરત કટારીયાએ કર્યુ છે. ફિલ્મમાં સંગીત અનુ મલિકે અને બેકગ્રાઉન્ડ સંગીત એન્ડ્રીયાએ આપ્યું છે. વરૂણ ધવન, અનુષ્કા શર્મા, રઘુવીર યાદવ સહિતના કલાકારોની મુખ્ય ભૂમિકા છે. કોમેડી ડ્રામા પ્રકારની આ ફિલ્મમાં પાંચ જેટલા ગીતો છે. જે પેપોન, રોનકીની, દિવ્યા કુમાર, સુખવિંદર સિંઘ, સલમાન અલી સહિતે ગાયા છે. ફિલ્મની કહાની એક એવા પતિ પત્નિની છે જે દરજી કામ અને ભરતગુંથણનું કામ કરી ગુજરાન ચલાવતાં હોય છે. એક દિવસ વરૂણ (મોૈજી)ને તેના શેઠ તે જ્યાં દરજી કામ કરતો હોય છે ત્યાંથી લાત મારીને કાઢી મુકે છે. એ પછી તે પત્નિ અનુષ્કા (મમતા) સાથે મળી રોડ પર જ સિલાઇ કામનો સંચો લઇને બેસી જાય છે. ધીમે-ધીમે તેનું કામ ખુબ ચાલવા માંડે છે અને બાદમાં બંને પતિ-પત્નિે પોતાનો જ ધંધો શરૂ કરે છે અને આગળ વધે છે. પરંતુ આ સફરમાં તેને અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. ગૃહઉદ્યોગ થકી આ બંને તો આગળ વધે જ છે બીજા અનેક જરૂરિયાતમંદોને પણ કામ આપે છે. નાના ઉદ્યોગો થકી આગળ વધવા ઇચ્છતા દરેક કારીગરોને આ ફિલ્મ પ્રેરણા આપે તેવી છે.

બીજી ફિલ્મ 'પટાખા'ના નિર્માતા વિશાલ ભારદ્વાજ, રેખા ભારદ્વાજ, ધિરજ વાધવાન અને નિર્દેશક વિશાલ ભારદ્વાજ છે. ફિલ્મમાં સંગીત વિશાલે જ આપ્યું છે. સાન્યા મલ્હોત્રા, રાધિકા મદાન, સુનિલ ગ્રોવર, વિજય રાજ, નમિત દાસ, અભિષેક દુહાનની મુખ્ય ભૂમિકા છે. મલાઇકા અરોરા એક આઇટમ સોંગમાં જોવા મળશે.

દંગલ ફિલ્મમાં રોલ કર્યા બાદ સાન્યાની આ બીજી ફિલ્મ છે. જ્યારે રાધિકાની આ પહેલી ફિલ્મ છે. આ બંને ગેંદા (છુટકી) અને ચંપા (બડકી) નામની બે બહેનોના રોલમાં છે. નાનપણથી જ બંને વચ્ચે ખુબ ઝઘડા થતાં રહે છે. યુવાન વયે પણ આ ઝઘડા શાંત થતાં નથી. બંને એક બીજી સાથે સતત ઝઘડા જ કરતી રહે છે. છેલ્લે બંનેના લગ્ન થઇ જાય છે પણ ત્યારે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે બંને બહેનો ચોંકી જાય છે. ચરણસિંઘ પ્રતિકની ટુંકી વાર્તા 'દો બહેને' પરથી આ કોમેડી ડ્રામા ફિલ્મ બનાવાઇ છે. ટ્રેલર દર્શકોને ખુબ ગમ્યું છે.

ત્રીજી ફિલ્મ 'પીહૂ'ના નિર્માતા રોની સ્ક્રૂવાલા અને સિધ્ધાર્થ રોય કપૂર તથા નિર્દેશક વિનોદ કાપડી છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા પીહૂ માયરા અને પ્રેરણા વિશ્વકર્માએ નિભાવી છે. સામાજીક થ્રિલર પ્રકારની આ ફિલ્મમાં બે વર્ષની બાળકી કહાનીના કેન્દ્રમાં છે.

ચોથી ફિલ્મ 'મર્ડર એટ કોહે ફિઝા' ક્રાઇમ થ્રિલર પ્રકારની ફિલ્મ છે. જેનું લેખન બદ્રીશ પાટીલે અને નિર્દેશન દિવાકર નાયકે કર્યુ છે. ભોપાલની એક મર્ડર મિસ્ટ્રી પર આ ફિલ્મ આધારીત છે.

(10:08 am IST)