Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

'આર્ટિકલ-૧૫' આજથી રિલીઝ

આયુષ્યમાન ખુરાના આઇપીએસના રોલમાં

આજથી નિર્માતા અનુભવ સિન્હા, ઝી સ્ટુડિયોઝ અને નિર્દેશક અનુભવ સિન્હાની ફિલ્મ 'આર્ટિકલ-૧૫' રિલીઝ થઇ છે. ગોૈરવ સોલંકી અને અનુભવ લિખીત આ ફિલ્મમાં સંગીત મંગેશ ધાકડેનું છે. ૧૩૦ મિનીટની આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના, ઇશા તલવાર, કુમુદ મિશ્રા, મનોજ પાહવા, નાસર, આશિષ વર્મા, પ્રાર્થના બેહરે, શશાંક શિંદે, અંકુર વિકલ, શંકર યાદવ, રોન્જીની ચક્રવર્તી, મિર સાવરકર, મોહમ્મદ જિશાન અયુબ અને રાજીવ સિંઘની ભુમિકા છે. આયુષ્યમાન ખુરાના આઇપીએસ ઓફિસર અયાન રંજનના રોલમાં છે. .

કહાની જોઇએ તો અયાન રંજન (આયુષ્યમાન) જ્યારે લાલગામ પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળે છે ત્યારે તેને ખબર પડે છે કે તેને કામ જેટલુ અઘરૂ લાગે છે તેના કરતાં ઘણું વધારે અઘરૂ છે. તે પત્નિ અદિતી (ઇશા)ને ત્યાંથી પરિસ્થિતિની ગંભીરતા જણાવે છે. દિલ્હીના સેન્ટ સ્ટીફન્સમાં ભણેલો અયાન યુરોપમાં પ રહ્યો હોય છે. તેને અહિના લોકોની માનસિકતા સાવ વિચીત્ર લાગે છે. તે લાલગામમાં સમાજની માનસિકતા સામે ઝઝૂમે છે.

તેને ખબર પડે છે કે એક ફેકટરીમાં કામ કરતી ત્રણ છોકરીઓ ગાયબ થઇ ગઇ છે. તેના સાથી (મનોજ પાહવા અને કુમુદ) કહે છે કે છોકરીઓ મળી જશે. પણ બીજા દિવસે બે છોકરીની ઝાડવે લટકતી લાશ મળે છે. ત્યારે ખબર પડે છે કે કંઇક ખુબ ભયાનક ઘટના બની છે. પોલીસ ઓફિસર તરીકે અયાન આ ઘટનાના મુળ સુધી જવા દ્રઢનિશ્ચયી બને છે. આ ફિલ્મ સામાજીક સ્થિતિ અંગે વિચારતા કરી દે તેવી છે. ડાયલોગ્સ દમદાર છે. અમુક ક્ષણો રીતસર રૃંવાડા ઉભા કરી દે તેવી છે.

(10:10 am IST)