Gujarati News

Gujarati News

News of Friday, 27th December 2019

ફિલ્મ-રિવ્યુઃ અક્ષયકુમારની ગુડ ન્યુઝ કેવી છે?

મુંબઇ, તા.૨૭: નવું વર્ષ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે અને એમાં જો કોઈ સારા સમાચાર મળે તો વર્ષનો અંત ખૂબ જ ખુશીથી થાય છે. બોલીવુડ માટે પણ આ વર્ષનો અંત ખૂબ જ ખુશીથી થશે એમાં બેમત નથી અને એ પણ ખાસ કરીને કરણ જોહર માટે. કરણ જોહરના પ્રોડકશન-હાઉસ હેઠળ બનેલી અક્ષયકુમાર, કરીના કપૂર ખાન, દિલજિત દોસંજ અને કિયારા અડવાણીની 'ગુડ ન્યુઝ' આજે રિલીઝ થઈ રહી છે.

ફિલ્મમાં વરુણ બત્રા (અક્ષયકુમાર) કારના શોરૂમમાં કામ કરતો હોય છે અને તેની પત્ની દીપુ એટલે કે દીપ્તિ બત્રા (કરીના કપૂર ખાન) જર્નલિસ્ટ હોય છે. તેઓ બાળક માટે દ્યણા પ્રયત્ન કરતાં હોય છે, પરંતુ એમાં તેઓ નિષ્ફળ રહે છે. આ દરમ્યાન વરુણની બહેન એટલે કે અંજના સુખાની તેને એક ડોકટરની સલાહ આપે છે. આ ડોકટર આઇવીએફ (IVF = ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન) દ્વારા કપલ્સને બાળકો માટે મદદ કરતો હોય છે. વરુણ અને દીપુ તેમની પાસે ટ્રીટમેન્ટ શરૂ કરાવે છે, પરંતુ ડોકટરથી એક ભૂલ થાય છે. તે હની બત્રા (દિલજિત દોસંજ)ના સ્પર્મને દીપુના એગ સાથે મિકસ કરી દે છે. તેમ જ વરુણના સ્પર્મને મોનિકા બત્રા (કિયારા અડવાણી)ના એગ સાથે મિકસ કરી દે છે. આ કન્ફયુઝનથી શરૂ થાય છે કોમેડીની ધમાલ.

ફિલ્મને ડિરેકટ રાજ મેહતાએ કરી છે. આ ફિલ્મની સ્ટોરી રાજની સાથે જયોતિ કપૂરે લખી છે, જયારે ડાયલોગ રિષભ શર્માએ લખ્યા છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે રિષભ અને જયોતિએ લખ્યો છે. આ ફિલ્મની સ્ટોરી ખૂબ જ રિસ્કી છે અને એમ છતાં એના પર ફિલ્મ બનાવવા માટે દરેકને દાદ આપવી જરૂરી છે. કરણ જોહરે આ સ્ટોરી બે લાઇનમાં અક્ષયકુમારને કહી હતી અને તેણે આ સ્ટોરીને ડેવલપ કરવાની સલાહ આપી હતી. અક્ષય દરેક પ્રકારની ફિલ્મો કરી રહ્યો છે, પરંતુ એમાં કયાંક ને કયાંક દેશભકિતની ઝલક જોવા મળે છે. જોકે આમાં એવું કંઈ નથી. આ ફિલ્મ અક્ષય માટે પણ એકદમ રિસ્કી હતી, પરંતુ એની સ્ટોરી અને ડાયલોગને કારણે ફિલ્મ ખૂબ જ અદ્બુત બની છે. રિષભ શર્માના ડાયલોગ કોમેડી હોવાની સાથે દ્યણા બોલ્ડ પણ છે. કોમેડીની સાથે ફિલ્મ દ્યણાં સ્ટેટમેન્ટ પણ આપે છે. તેમ જ કરીનાનો એક મોનોલોગ પણ છે જેમાં એક પ્રેગ્નન્ટ મહિલા શેમાંથી પસાર થાય છે એ કહેવામાં આવ્યું છે. સ્ટોરી અને સ્ક્રીનપ્લે બાદ ડિરેકટરના હાથમાં ફિલ્મની કમાન હોય છે. આ ફિલ્મ દ્વારા ડિરેકટર તરીકે એન્ટ્રી કરનાર રાજ મેહતાએ ખૂબ જ અદ્બુત કામ કર્યું છે. તેનું ડિરેકશન એકદમ ચુસ્ત છે. ફિલ્મને કયારે કોમેડી બનાવવી અને કયારે ઇમોશનલ કરવી એનું તેણે ખૂબ જ સારી રીતે ધ્યાન રાખ્યું છે. તેમ જ એક અર્બન કપલ અને એક ટિપિકલ પંજાબી કપલ વચ્ચેનાં દૃશ્યો અને સેટિંગ્સને પણ અદ્બુત રીતે અલગ દેખાડી એને સિન્ક કર્યાં છે.

અક્ષયકુમાર શું ન કરી શકે એ કહેવું મુશ્કેલ છે. તે 'હાઉસફુલ' સિરીઝમાં મગજ વગરની કોમેડી કરીને લોકોને હસાવી શકે છે. એકશન અને દેશભકિતની ફિલ્મો માટે પણ તે જાણીતો છે. જોકે સોશ્યલ મેસેજ આપતી ફિલ્મોની સાથે તે એક સેન્સિબલ કોમેડી પણ કરી શકે છે. 'ગુડ ન્યુઝ'માં તેનો કોમિક ટાઇમિંગ ગજબનું છે. તે જે રીતે પોતાની મજાક બનાવી એન્ટરટેઇન કરે છે એ ખૂબ જ એન્ટરટેઇનિંગ છે. તે કોમેડી દ્વારા હસાવી પણ રહ્યો છે અને ઇમોશનલ દૃશ્યોમાં દર્શકોને રડાવતો પણ જોવા મળશે. ફિલ્મનો મોટા ભાગનો બોજ તેના ખભા પર છે એમ કહેવું ખોટું નથી. કરીનાને ગ્લેમરસ દેખાડવામાં આવી છે અને તે ખૂબ જ સુંદર દેખાઈ છે. તે પણ ગજબની એકટર છે અને તેનો મોનોલાગ પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. દિલજિત એક ટેલન્ટેડ એકટર છે, પરંતુ તેને અહીં ટિપિકલ સરદારજી બતાવીને વેડફી કાઢવામાં આવ્યો છે. જોકે તેનું કોમિક ટાઇમિંગ પણ જોરદાર છે અને એથી જ તેની અને અક્ષય વચ્ચેના દૃશ્યમાં ચાર ચાંદ લાગી જાય છે. 'લસ્ટ સ્ટોરીઝ' દ્વારા રાતોરાત જાણીતી બની ગયેલી કિયારા અહીં 'ઓફ' છે. તે ફકત 'માતા રાણીની કૃપા' એકનો એક ડાયલોગ બોલતી જોવા મળે છે.

બોલીવુડના દેશભકિત અને સોશ્યલ મેસેજના ટ્રેન્ડ - સલમાનની 'દબંગ ૩' પણ એમાં સપડાઈ ગઈ છે -થી આ ફિલ્મ એકદમ અલગ છે. આઇવીએફને અહીં એકદમ હળવી રીતે લઈને ફિલ્મની સ્ટોરી એની આસપાસ વણવામાં આવી છે. અક્ષયકુમાર તેની કરીઅરના પીક પર હોવાથી આ સમયે આવી ફિલ્મ લઈને આવવી એ પણ એક પ્લસ પોઇન્ટ છે અને ન્યુ યરને કારણે પણ ફિલ્મને ઘણો લાભ થશે. મોટા ભાગની ફિલ્મોમાં સોસાયટીના અને મમ્મી-પપ્પાના પ્રેશરને કારણે કપલ બાળક માટે પ્રયત્ન કરતાં હોય છે. જોકે અહીં એ પ્રેશર થોડુંદ્યણું દેખાડવામાં આવ્યું છે, પરંતુ બાળક માટે સૌથી ડેસ્પરેટ કરીનાને દેખાડવામાં આવી છે. કરીઅરને મહત્ત્વ આપ્યા બાદ બાળકનું વિચારતી દેખાડવામાં આવી એ બોલીવુડની ટિપિકલ સ્ટોરીથી અલગ છે. તેમ જ કોમેડીનો ઓવરડોઝ આપવા કરતાં એને બેલેન્સ રાખવામાં આવી છે.

અક્ષયકુમાર અને દિલજિત દોસંજ વચ્ચે બારમાં એક દૃશ્ય આવે છે. આ દૃશ્યમાં તેઓ ડાન્સ કરતા જોવા મળે છે. આ સીનને ખૂબ જ સારી રીતે લખવામાં અને ડિરેકટ કરવામાં આવ્યો છે. તેમની વચ્ચેના ડિફરન્સને સાઇડ પર મૂકી બન્ને ટેન્શન-ફ્રી રહે છે. આ સમયે દિલજિત સવાલો કરી અક્ષયકુમારને અહેસાસ કરાવે છે કે તે કેટલો કેર-ફ્રી છે.

કરણ જોહરનો એક પ્રોબ્લેમ છે કે તે સરદારજીના પાત્રોને એક ચોક્કસ ઢબે જ રજૂ કરે છે. આ ફિલ્મ પણ એમાંથી બાકાત નથી. દિલજિત દ્યણી ફિલ્મોમાં આવું પાત્રો ભજવી ચૂકયો છે અને વધુ એક વાર તેને સહન કરવો શકય નથી. તેમ જ દિલજિત અને કિયારાનાં કપડાં પણ ખૂબ જ વિચિત્ર લાગે છે. તેમનાં કપડાં જોઈને કરણ જોહરની બોમ્બે વેલ્વેટ' યાદ આવી જાય છે.

ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મના તાલ સાથે મળતું આવે છે. તેમ જ ફિલ્મમાં દ્યણા મ્યુઝિક કમ્પોઝરનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક ગીત હિટ રહ્યાં છે. 'લાલ ઘાઘરા'માં ગ્લેમરની સાથે પંજાબી તડકો પણ જોવા મળ્યો છે. 'માના દિલ' ખૂબ જ યોગ્ય જગ્યાએ હોવાથી ખૂબ જ સારું લાગી રહ્યું છે. 'સૌદા ખરા ખરા' ગીત સારું હોવા છતાં મિસપ્લેસ્ડ લાગે છે. 'ચંદીગઢ મેં' ગીત એન્ડ-ક્રેડિટમાં મૂકી ફિલ્મનો ખૂબ જ સારી રીતે એન્ડ કરવામાં આવ્યો છે. ફિલ્મનો એન્ડ કહો કે પછી વર્ષનો, બન્ને એકસરખું છે.

કરણ જોહરે વર્ષની શરૂઆત 'કેસરી' દ્વારા કરી હતી. આ ફિલ્મ અક્ષયકુમારને કારણે ચાલી હતી. ત્યાર બાદ તેની 'કલંક', 'સ્ટડન્ટ ઓફ ધ યર ૨'  અને 'ડ્રાઇવ' આવી હતી. 'કેસરી' બાદ તેની તમામ ફિલ્મ નિષ્ફળ ગઈ હતી. જોકે 'ગુડ ન્યુઝ' દ્વારા તેનું વર્ષ સુધરી ગયું છે. કરણની નૈયાને અક્ષયકુમારે પાર કરાવી દીધી છે.

(3:24 pm IST)