Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

કચ્છી કોયલ ગીતા રબારીનું નવું ગીત 'વીરા ઓ મારા' રિલીઝઃ ભાઇ-બહેનના સ્નેહની કહાની

યુ-ટ્યુબ પર ગીત રિલીઝ થતાંજ અઢી લાખથી વધુ વ્યુઝ મળી ગયા

રાજકોટ તા. ૨૭: દેશ વિદેશમાં જાણીતા લોકલાડીલા કોકીલકંઠા ગાયીકા ગીતા રબારીનું વધુ એક ગુજરાતી ગીત 'વીરા ઓ મારા બેનીને તારી આવીને મળજે જરૂર' ૨૫ માર્ચના રોજ રિલીઝ થઇ ચુકયુ છે. યુ-ટ્યુબ પર આ ગીત રિલીઝ થતાં જ અઢી લાખથી વધુ-૨,૫૩,૨૬૭ વ્યુઝ મળી ચુકયા છે. આ ગીતમાં એક ફોૈજી ભાઇ અને તેને ફરજ પર વિદાય આપતી બહેનની કહાની છે. ભાઇ-બહેનનો અપાર સ્નેહ, વિરહ, વેદના, યાદો સહિતના પ્રસંગો વણી લેવાયા છે. સુમધુર કંઠ, કર્ણપ્રિય સંગીત સાથેનું આ ગીત વારંવાર સાંભળવું ગમે તેવું છે.

ગીતા રબારીના સ્વરને શિવમ ગુંડેચાના સંગીતનો સાથ મળ્યો છે. ગીતના શબ્દો દિલીપ રાવલે લખ્યા છે. ડીઓપી જેક ફોટુવાલા, એડિટર મિતેશ ધામેચા અને નિર્માતા પૃથ્વી રબારી છે. આ સોંગનું નિર્દેશન જેક ફોટુવાલા અને ધામેચાએ કર્યુ છે. ગીતમાં ગીતા રબારી, ભાવીન ભાનુશાળી, રાજવીર રાજગોર અને રિધ્ધીમા રાજગોરે અભિનય આપ્યો છે.

ગીતા રબારી અને તેમની ટીમએ અત્યાર સુધીમાં અનેક સુપરડુપર હિટ ગુજરાતી ગીતો આપ્યા છે. કચ્છના ટાપરના વતની ગીતા રબારીને 'કચ્છી કોયલ'ની ઉપમા તેમના લાખો સંગીતપ્રેમી ચાહકો તરફથી મળી છે. શેરમા શેરમા રે રોણા શેરમા...ગીતે ગીતા રબારીની અલગ જ ઓળખ રાતો રાત ઉભી કરી દીધી હતી. તે ધોરણ-૫માં અભ્યાસ કરતાં હતાં ત્યારથી જ ગીતો ગાવાનું શરૂ કરી દીધું હતું. આગળ જતાં ગાયકીના ક્ષેત્રને જ કારકિર્દી બનાવી હતી. આજે ગીતા રબારી ગુજરાતી ગાયીકા તરીકે ખુબ મોટુ નામ ધરાવે અને અસંખ્ય ચાહકો દેશ વિદેશમાં ધરાવે છે. તેનું નવું ગીત વીરા ઓ મારા...ચોક્કસપણે સોૈને ગમે તેવું છે.

(2:45 pm IST)