Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની બાયોપિકને નડશે પોલિટિક્સ

મુંબઈ:સિનિયર અભિનેતા અનુપમ ખેરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ પ્રધાનમંત્રી બની તો રહી છે અને એને સેન્સર બોર્ડ માન્ય પણ રાખશે પરંતુ એને કોંગ્રેસ પક્ષનું વિઘ્ન નડે એવી પૂરી શક્યતા હોવાનું જાણવા મળ્યું હતું.

અગાઉ જગમોહન મુંદ્રાએ કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને તામિલનાડુના અભિનેત્રી મુખ્ય મંત્રી જયલલિતાની બાયો-ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી પરંતુ એનું બાળ મરણ થઇ ગયું હતું કારણ કે આ બંને નેતાઓના નિકટના લોકો તરફથી પરવાનગી આપવાનો ઇનકા કરવામાં આવ્યો હતો.હાલ અન્ય કેટલાક નેતાઓની ફિલ્મો પણ બની રહી છે અથવા બનવાની છે. જેમ કે શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેની બાયો-ફિલ્મ નવાઝુદ્દીન કરી રહ્યો છે અને સિનિયર અભિનેતા કમ ભાજપ સાંસદ પરેશ રાવલ હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયો-ફિલ્મ કરવાનાં સપનાં જોઇ રહ્યો છે. પરંતુ જ્યારે આવા કોઇ પોલિટિશ્યનની ફિલ્મ બને છે ત્યારે એની સામે જાતજાતના વિરોધો થાય છે. જે તે પોલિટિકલ પાર્ટી બિનજરૃરી વિવાદો સર્જીને ફિલ્મને રજૂ થતી અટકાવવાના પ્રયાસો કરે છે. મધુર ભંડારકરને આવા અનુભવો અગાઉ થઇ ચૂક્યા છે. એણે ઇન્દિરા ગાંધી અને કટોકટી વિશે ફિલ્મ બનાવી હતી ત્યારે ગરમાગરમ વિવાદ સર્જાયો હતો. એણે ફરિયાદ પણ કરી હતી કે મને બોલિવૂડમાં કોઇએ સાથ ન આપ્યો.વિદ્યા બાલનને મુખ્ય ભૂમિકામાં લઇને ઇંદિરા ગાંધીની બાયો ફિલ્મ બનાવવાની વાતો થઇ રહી છે. બને ત્યારે ખરી કારણ કે ગાંધી પરિવાર આવી કોઇ ફિલ્મ બનાવવાની પરવાનગી આપે તો જ શક્ય બને.

(5:37 pm IST)