Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

6 જેટલી બ્‍લોક બસ્‍ટર થયેલી ફિલ્‍મોને રીજેક્‍ટ કરી પસ્‍તાવો કરતી સુંદર અભિનેત્રી કરીના કપૂર

કપૂર પરિવારમાં સૌથી નાની કરીના કપૂરે છેલ્લા 20 વર્ષમાં ઓફર થયેલી થયેલી ઘણી ફિલ્‍મોને નકારી

મુંબઇઃ બોલીવુડના પ્રખ્યાત કપૂર પરિવારની નાની દીકરી કરીના કપૂર  2 દાયકાથી ફિલ્મો પર રાજ કરી રહી છે. આ દરમિયાન આ અભિનેત્રીએ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી, પરંતુ શું તમે જાણો છો કે બેબોએ હંમેશા પોતાની શરતો પર કામ કર્યું છે. ડેબ્યુ સમયે અભિનેત્રીઓ સામાન્ય રીતે ફિલ્મો માટે ઉત્સુક હોય છે, પરંતુ કરીના કપૂરે ઓફર કરેલી ડેબ્યૂ ફિલ્મને જ ફગાવી દીધી હતી. છેલ્લા 20 વર્ષોમાં આ અભિનેત્રીએ એવી ઘણી ફિલ્મોને નકારી કાઢી છે જેણે દીપિકા પાદુકોણ અને કંગના રનૌત સહિત ઘણી અભિનેત્રીઓનું નસીબ રોશન કરી સ્ટાર બનાવી દીધા છે.

કરીના કપૂરે પોતે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેણે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોને રિજેક્ટ કરી છે. બેબોએ કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં તેના જેવી ભાગ્યે જ કોઈ અભિનેત્રી હશે જેણે આટલી બધી ફિલ્મો રિજેક્ટ કરી હશે. તેણે વધુમાં કહ્યું કે જો તે કોઈ ફિલ્મ નહીં કરે તો તે તેના બદલે ઘરે બેસી જશે પરંતુ તે ફિલ્મ નહીં કરે. તો ચાલો આજે જાણીએ આવી 6 ફિલ્મો વિશે જેને કરીના કપૂરે રિજેક્ટ કરી છે.

કરીના કપૂર રિતિક રોશન સાથે 'કહો ના પ્યાર હૈ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની હતી. આ અભિનેત્રીએ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું, પરંતુ ત્યારબાદ રિતિક રોશનને ફિલ્મમાં વધુ સ્ક્રીન ટાઈમ મળવાને કારણે અભિનેત્રીએ ફિલ્મ છોડી દીધી હતી. બાદમાં આ ફિલ્મમાં અમીષા પટેલને કાસ્ટ કરવામાં આવી હતી અને આ અભિનેત્રી ડેબ્યૂ ફિલ્મથી જ રાતોરાત સ્ટાર બની ગઈ હતી. બીજી તરફ, કરીના કપૂરે તે જ વર્ષે અભિષેક બચ્ચન સાથે ફિલ્મ 'રેફ્યુજી'થી ડેબ્યૂ કર્યું હતું, પરંતુ આ ફિલ્મ એટલી સફળ થઈ શકી ન હતી.

'હમ દિલ દે ચૂકે સનમ' જે ઐશ્વર્યા રાય અને સલમાન ખાનની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ફિલ્મ કહેવાય છે, તે સૌથી પહેલાં કરીના કપૂરને ઓફર કરવામાં આવી હતી. સંજય લીલા ભણસાલી સાથે વાતચીતના અભાવે અભિનેત્રીએ ફિલ્મ નકારી કાઢી હતી અને આ ફિલ્મ ઐશ્વર્યા રાય પાસે ગઈ હતી. આ ફિલ્મની સફળતાએ ઐશ્વર્યા રાયની કારકિર્દીને એક નવી ઉંચાઈ પર લઈ ગઈ.

'રામ-લીલા'માં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની કેમેસ્ટ્રી જાણીતી છે. આ કપલ આ ફિલ્મના સેટ પર જ મળ્યા હતા અને અહીંથી જ તેમનો પ્રેમ ખીલ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મ પહેલા કરીના કપૂરને ઓફર કરી હતી. પરંતુ ફરી એકવાર બેબોએ ડાયરેક્ટરની ફિલ્મને ઠુકરાવી દીધી.

'ક્વીન' માટે કરીના કપૂર  દિગ્દર્શક વિકાસ બહલની પહેલી પસંદ હતી, જેને આજ સુધી બૉલીવુડની સર્વશ્રેષ્ઠ મહિલા મુખ્ય ફિલ્મ માનવામાં આવે છે. બેબો દ્વારા રિજેક્ટ થયા બાદ આ ફિલ્મમાં કંગના રનૌતને કાસ્ટ કરવામાં આવી હતી અને આ ફિલ્મ અભિનેત્રીની કારકિર્દીમાં માઈલસ્ટોન સાબિત થઈ હતી. 'ક્વીન'એ કંગનાને સાચા અર્થમાં બોલિવૂડની ક્વીન બનાવી દીધી.

મધુર ભંડારકરની ફિલ્મ 'ફેશન'માં પ્રિયંકા ચોપરા અને કંગના રનૌતે તેમના અભિનય માટે ઘણી પ્રશંસા મેળવી હતી. આ ફિલ્મમાં બંનેનો અદભૂત અભિનય આજે પણ લોકો યાદ કરે છે. મધુર ભંડારકરે અગાઉ કરીનાને આ ફિલ્મની ઓફર કરી હતી, પરંતુ બેબોએ તેને નકારી કાઢી હતી. 'ફેશન' બ્લોકબસ્ટર સાબિત થઈ. રસપ્રદ વાત એ છે કે 'ફેશન'ની સફળતા જોઈને કરીના કપૂરે  મધુર ભંડારકર સાથે ફિલ્મ 'હિરોઈન'માં કામ કર્યું હતું, પરંતુ આ ફિલ્મ કંઈ ખાસ ઉકાળી શકી નહોતી.

2013માં આવેલી રોહિત શેટ્ટીની જબરદસ્ત એક્શન અને કોમેડી ફિલ્મ 'ચેન્નઈ એક્સપ્રેસ' પણ પહેલીવાર કરીનાને  ઑફર કરવામાં આવી હતી. પરંતુ તે સમયે અભિનેત્રી આમિર ખાન અને રાની મુખર્જી સાથે ફિલ્મ 'તલાશ'ના શૂટિંગમાં વ્યસ્ત હતી. બાદમાં દીપિકા પાદુકોણ બાજી મારી ગઈ અને આ ફિલ્મમાં તેનો અભિનય આજે પણ લોકો યાદ કરે છે. 'ચેન્નઈ એક્સપ્રેસ'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી.

(6:16 pm IST)