Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

આજથી સની દેઓલની ધમાલઃ 'ભૈયાજી સુપરહિટ' રિલીઝઃ 'મુંબઇ સિટી' પણ થઇ રિલીઝ

આજથી બે ફિલ્મો 'ભૈયાજી સુપરહિટ' અને 'મુંબઇ સિટી' રિલીઝ થઇ છે.

લાંબા સમયથી બની ચુકેલી 'ભૈયાજી સુપરહિટ'ના નિર્માતા ચિરાગ મહેન્દ્ર ધારીવાલ અને નિર્દેશક નિરજ પાઠક  છે. આ ફિલ્મમાં સંગીત જીત ગાંગુલી, રાઘવ સચર, અમજદ-નદીમ અને સંજીવ-દર્શનનું છે. સની દેઓલ, પ્રીતિ ઝીંટા, અમિષા પટેલ, અરશદ વારસી, શ્રેયશ તલપડે, સંજય મિશ્રા, પંકજ ત્રિપાઠી, જયદિપ અહલાવત અને એવલીન શર્માએ ભૂમિકા નિભાવી છે.

ભૈયાજી સુપરહિટ બનાવવાની શરૂઆત તો ૨૦૧૧માં થઇ હતી. તે વખતે સની દેઓલ, અમિષા, અરશદ સાથે તુષાર કપૂર તથા પ્રકાશ રાજના નામો ફાઇનલ થયા હતાં. ફિલ્મનું પોસ્ટર ૨૦૧૨માં રિલીઝ કરાયું હતું. પરંતુ ફિલ્મ પ્રદર્શિત થવામાં સતત વિલંબ થવા માંડ્યો હતો. એ પછી કલાકારોમાં ફેરબદલ થઇ હતી. પ્રીતિ, શ્રેયશની એન્ટ્રી થઇ હતી.

કહાની જોઇએ તો વારાણસીમાં રહેતો લાલ ભાઇસાહેબ દૂબે (સની દેઓલ)ને બધા ભૈયાજી ડોન તરીકે ઓળખે છે. તે પત્નિ સપના દૂબે (પ્રીતિ) સાથે રહે છે. ભૈયાજીને ફિલ્મો જોવાનો ખુબ જ શોખ છે. તેની ઇચ્છા તો ફિલ્મોમાં કામ કરવાની પણ છે. પોતાનું સપનુ પુરૂ કરવા તે ગોલ્ડી કપૂર (અરશદ) અને તરૂણ પર્ણો ઘોષ (શ્રેયશ)ની મદદ લે છે. ગોલ્ડી ફિલ્મ નિર્દેશક છે અને તરૂણ લેખક છે. ફિલ્મનું કામ શરૂ થાય છે અને હિરોઇન મલ્લિકા (અમિષા)ને લેવામાં આવે છે. એ પછી કહાનીમાં જે ઉતાર-ચઢાવ આવે છે તે જોઇને બધા દંગ રહી જાય છે.

બીજી ફિલ્મ 'મુંબઇ સિટી'ના નિર્માતા રાજેશ પરદાસાની તથા નિર્દેશક તારીક ખાન છે. સંગીત રાશીદ ખાન અને શાન આસીફ રાજ સહિતનું છે. ફિલ્મમાં મહેશ ભટ્ટ, કેકે મેનન, નિખીલ રતનપારખી, નેહા ખાન, અલીશા ખાન, અવી, ગુલ સૈયદ, દિપરાજ રાણાની મુખ્ય ભૂમિકા છે. ડ્રામા જોનરની આ ફિલ્મમાં મુંબઇ શહેરની જિંદગીની ડાર્ક સાઇડ બતાવાશે.

(11:14 am IST)