Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

સુશાંતસિંહ રાજપૂતની છેલ્લી ફિલ્‍મ ‘દિલ બેચારા' કાલે સાંજે રિલીઝ થશેઃ ડિઝની પ્‍લસ હોટસ્‍ટાર ઉપર વિનામૂલ્‍યે દર્શાવીને સુશાંતને સન્‍માન આપીશુઃ ડિરેક્‍ટર મુકેશ છાબડા

Photo: 04

નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'ને ભારતીય સમય મુજબ 24મી જુલાઈએ સાંજે 7:30 વાગે ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવશે. ભારતની સાથે જ અમેરિકા, બ્રિટન અને કેનેડાના દર્શકોને પણ ફિલ્મ જોવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ડિરેક્ટર મુકેશ છાબડાએ આ અંગે જાણકારી આપી.

ફિલ્મકારનું કહેવું છે કે 'દિલ બેચારા' ફિલ્મ જે રીતે દર્શકો થિયેટરોમાં જઈને પોતાના પરિવાર અને પ્રિયજનો સાથે એક આનંદદાયક પળ વિતાવે છે તે જ રીતે આવા સમયે પણ દર્શકોને પોતાના પરિવાર પરિજનો સાથે આનંદદાયક પળ વિતાવવાની તક આપશે. મુકેશે કહ્યું કે 'ભારતીય સમય મુજબ અમે શુક્રવારે સાંજે 7:30 વાગે દિલ બેચારા સાથે લાઈવ થવા જઈ રહ્યાં છીએ. અમેરિકા, બ્રિટન અને કેનેડામાં પણ લોકો આ સમયે તેને જોઈ શકશે. અમે સમયની જાહેરાત પહેલા જ કરી રહ્યાં છીએ જેથી કરીને લોકો બહારના કામો પતાવીને આ ફિલ્મને જોવાનો પ્લાન કરી શકે.'

ફિલ્મકાર કહે છે કે સામાન્ય રીતે ઓટીટી પર ફિલ્મ જોવી એક વ્યક્તિગત મામલો છે અને ફિલ્મ અડધી રાતે રિલીઝ કરાય છે પરંતુ આવું પહેલીવાર છે કે જ્યારે અમે ઈચ્છીએ છીએ કે લોકો સાથે મળીને પોતાના ઘરમાં આ ફિલ્મ જુએ. 'દિલ બેચારા' ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે અને આ ઓટીટી પ્લેટફોર્મે નિર્ણય લીધો છે કે આ ફિલ્મ લોકોને જોવા માટે મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે અને આવું દિવગંત અભિનેતા સુશાંતને સન્માન આપવા માટે થઈ રહ્યું છે.

(5:15 pm IST)