Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

લોકોને પરસ્પર એક તાંતણે બાંધી શકાય એવી ફિલ્મો બનાવવાની જરૂર છે : અમિતાભ બચ્ચન

સિનેમા એક યુનિવર્સલ માધ્યમ છે. એમાં ભાષાનું કોઈ બંધન નથી

ગોવામાં ૫૦માં ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં હાજર અમિતાભ બચ્ચને ઇચ્છા વ્યક્ત કરી છે કે એવી ફિલ્મો બનાવવામાં આવે જે લોકોને પરસ્પર એક સૂત્રમાં બાંધી શકે. આ વિશે અમિતાભ બચ્ચને કહ્યું હતું કે 'હું હંમેશાંથી માનતો આવ્યો છું કે સિનેમા એક યુનિવર્સલ માધ્યમ છે. એમાં ભાષાનું કોઈ બંધન નથી. સાથે જ આપણાં સામાજિક અને મૉડર્ન જીવનશૈલીમાં જે પરિબળો આવે છે એનાં કરતા પણ એ પરે છે.

આપણે જ્યારે ડાર્ક સિનેમા હૉલમાં ફિલ્મ જોવા જઈએ છીએ ત્યારે આપણી બાજુમાં બેઠેલા વ્યક્તિની જાતિ, રંગ અને ધર્મ વિશે નથી પૂછતાં. આપણે સાથે બેસીને એ એક જ ફિલ્મને, એના ગીતોને એન્જૉય કરીએ છીએ. સાથે જ આપણે ફિલ્મમાં આવતા જૉક્સ પર હસીએ છીએ અને ઇમોશનલ થઈને રડીએ પણ છીએ.

આશા રાખું છું કે આપણે સતત એવી ફિલ્મો બનાવીએ જે લોકોમાં સંપ લાવે અને લોકોને જુદા પાડતી એવી રંગભેદ, જાતિ અને ધર્મ આધારિત પ્રણાલીને બાજુએ રાખી શકે. લોકોને એક સમાજમાં લાવીએ, એક બીજાનો હાથ પકડીને તેઓ અમારી ક્રિએટીવીટીની પ્રશંસા કરે. આગળ વધીએ અને આ વિશ્વને શાંતિનું સ્થળ બનાવીએ.'

અમિતાભ બચ્ચનને બૉલીવુડમાં પચાસ વર્ષનો સમય પસાર થયો છે. સાથે જ ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાનું પણ આ પચાસમું એડિશન છે. આ ફેસ્ટિવલને શુભકામના આપતા અમિતાભ બચ્ચને કહ્યું હતું કે 'ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં મારી જર્નીને પચાસ વર્ષ થયા છે. મારા કરીઅરની શરૂઆત મેં ૧૯૬૯માં કરી હતી અને ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાનું પણ આ પચાસમું એડિશન છે.

આ ફેસ્ટિવલને ઉંચા સ્થાને લઈ જવા માટે હું IFFIને શુભકામના આપું છું. દર વર્ષે જેટલા પણ ડેલિગેટ્સ આવે છે એનાથી આ ફેસ્ટિવલની પ્રગતિનો ખ્યાલ આવી જાય છે. દેશનાં લોકો માટે જે ફિલ્મોની પસંદગી કરવામાં આવે છે. એનાથી વિશ્વનાં અન્ય દેશોનું કામ અને તેમની ક્રિએટીવીટી જોવાની પણ આપણને અહીં તક મળે છે.'

(12:26 pm IST)