Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

આરઆરઆરના સેટેલાઈટ હક્ક ૩૨૫ કરોડમાં વેચાયા

આરઆરઆરનો ફર્સ્ટ લૂક તાજેતરમાં રજૂ થયો : પ્રોડયુસર અને ડિસ્ટ્રિબ્યુટરે ડિજિટલ, સેટેલાઈટ અને ઈલેક્ટ્રોનિક રાઈટસ માટે જે ડીલ કરી તેણે રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હી, તા. ૨૨ : બાહુબલી ફેમ એસ એસ રાજમૌલીની આગામી ફિલ્મ આરઆરઆર છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે.તેનો ફર્સ્ટ લૂક તાજેતરમાં રજૂ થયો હતો અને તેણે ફિલ્મ રસિકોમાં ખાસી ઉત્સુકતા જગાવી છે.

હવે ફિલ્મને લઈને નવી અપડેટ સામે આવી છે. જેને જાણીને ઘણા લોકો હેરાન છે. મામલો ફિલ્મના રાઈટ્સના વેચાણને લગતો છે. એક બોલીવૂડ સાઈટના રિપોર્ટ પ્રમાણે આરઆરઆરના પ્રોડયુસર અને ડિસ્ટ્રિબ્યુટરે ફિલ્મના ડિજિટલ, સેટેલાઈટ અને ઈલેક્ટ્રોનિક રાઈટસ માટે જે ડીલ કરી છે તેણે નવો રેકોર્ડ બનાવ્યો છે.

ફિલ્મને હિન્દી વર્ઝનમાં થિયેટરમાં રિલિઝ કરવાના રાઈટસ ૧૪૦ કરોડ રુપિયામાં વેચાયા છે. નિર્માતાઓએ તમામ ભાષામાં ફિલ્મને સેટેલાઈટ ટીવી ચેનલ અને ડિજિટલ પ્લેટફોર્મ પર વેચવા માટે ઝી ગ્રૂપ સાથે ડીલ કરી છે અને તેના માટેનો સોદો અધધ...૩૨૫ કરોડ રુપિયામાં નક્કી થયો છે.

જો ખરેખર આંકડાને સત્તાવાર સમર્થન મળે તો તે અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે. જોકે ફિલ્મ મેકર્સે હજી સુધી વાતનુ સત્તાવાર સમર્થન કર્યુ નથી. ફિલ્મમાં તેલુગુ ઈન્ડસ્ટ્રીના બે સુપર સ્ટાર જુનિયર એનટીઆર  તેમજ રામચરણ તેજા તથા બોલીવૂડ સુપર સ્ટાર અજય દેવગણ, આલિયા ભટ્ટ સહિતના જાણીતા સ્ટાર્સ નજરે પડશે.

એક પિરિયડ એક્શન ફિલ્મ છે. જે પ્રસિધ્ધ સ્વાતંત્ર્ય સેનાનીઓ કોમારામ ભીમ તેમજ અલ્લુરી સીતારામારાજૂના યુવાનીના દિવસો પર આધારિત છે. ફિલ્મને ૧૩ ઓક્ટોબરે દશેરાના દિવસે રિલિઝ કરવાની યોજના છે.

(7:34 pm IST)