Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

પ્રિયા અને કિર્તીદાન ગઢવીનું 'સાઇબો રે' ટિપ્સના બેનર હેઠળ થયું લોન્ચ

કુમાર તૌરાનીએ કહ્યું-આ ખુબ જ સુમધુર સુખદાયક ગીત છેઃ અમુક ગીતો તેનો રેકોર્ડ જાતે જ બનાવી લેતા હોય છે

મુંબઇ તા. ૨૨: બોલીવૂડના સુપ્રસિધ્ધ સિંગર અને ગીતોના લેખિકા પ્રિયા સરૈયા અને રાજકોટના સુવિખ્યાત લોકગાયક કિર્તીદાન ગઢવીના ગીત 'સાઇબો રે' લોન્ચ થતાંની સાથે જ લોકપ્રિય થઇ ગયું છે. ટિપ્સના બેનર હેઠળ આ ગીતને લોન્ચ કરવામાં આવ્યું છે.

નિર્માતા કહે છે કે પ્રિયા સરૈયા અને કિર્તીદાન ગઢવીનું ગીત સાઇબો રે...એ ગીત નહિ પણ એવી ક્ષણ છે જે સોૈની જુની યાદોમાં લઇ જાય છે. આ એક સુખાદાયક અને શાંતિપુર્ણ ગીત છે. ટિપ્સ ગુજરાતીના કુમાર તોૈરાનીના કહેવા મુજબ કેટલાક ગીતો એવા હોય છે જે પેઢી, ભાષા કે કયારે રિલીઝ થયા એ બધી બાબતો પર આધાર રાખતા નથી. આવા ગીતો પોતાનો રેકોર્ડ જાતે બનાવે છે. જ્યારે તમે આ ગીત સાંભળો છો ત્યારે જુની યાદોમાં તમે પહોંચી જાઓ છો. આ ખુબ જ સુમધુર ગીત છે. એક નવા અવાજ અને નવા દ્રષ્ટીકોણ સાથે આ ગીતને રજૂ કરવામાં આવ્યું છે.

પ્રિયા સરૈયાએ કહ્યું હતું કે કિર્તીભાઇ સાથે સાઇબો રે ગીતમાં કામ કરવાનું મારું સપનું હતું. મને એકદમ યોગ્ય ગીત તેમની સાથે મળ્યું છે. આ ગીતને અસંખ્ય લોકોએ પસંદ કર્યુ છે. કિર્તીભાઇ પોતાના અનેક લાઇવ શોમાં આ ગીત ગાઇ ચુકયા છે. મેં કિર્તીભાઇ સામે આ ગીત મુકતાં જ તેમણે મંજુરી આપી દીધી હતી અને મારી સાથે સહયોગ આપવા પણ તૈયાર થઇ ગયા હતાં. પ્રિયા સરૈયા જે પ્રિયા પંચાલ તરીકે પણ ઓળખાય છે તે બોલીવૂડના જાણીતા ગાયીકા અને ગીતોના લેખક છે. તેણે છ વર્ષની ઉમરથી જ ગીતો ગાવાનું શરૂ કર્યુ હતું. બોલીવૂડમાં બાવીસથી વધુ ગીતો ગાયા છે અને સાંઇઠથી વધુ ગીતો લખ્યા છે. ગીતની રચના રાજભા ગઢવી અને પ્રિયા સરૈયાની છે તથા લેખક પણ આ બંને છે. ગીતને સ્વર કિર્તીદાન ગઢવી તથા પ્રિયા સરૈયાએ આપ્યો છે.

(12:56 pm IST)