Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

પુત્ર રણવીર મારી તાકાતનો સ્ત્રોત બની ગયો છે...સોનાલી બેન્દ્રેની અત્યંત લાગણીશીલ પોસ્ટ

કેન્સરની સારવાર લઇ રહેલી અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પુત્ર સાથેનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું કે આ પ્રકારની પરિસ્થિતિમાં પરિવારના બાળકોને સામેલ કરવાનું કેટલું મહત્વનું છે

મુંબઇ તા. ૨૦ : બોલિવૂડ અભિનેત્રી સોનાલી બેંદ્રે કેન્સર સામે ઝઝુમી રહી છે. આ કપરા સમયમાં સોનાલી સાથે તેનો પરિવાર, મિત્રો અને ચાહકોનો પ્રેમ અને હુંફ છે ત્યારે તેણે તેના ૧૨ વર્ષીય પુત્ર રણવીરને પોતાની હિંમત, સાહસ અને તાકાતનો  સ્ત્રોત ગણાવ્યો છે. હાઇ ગ્રેડ મેટાસ્ટેટિક કેન્સરથી પીડાઇ રહેલી અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેના પુત્ર સાથેનો ફોટો શેર કર્યો છે. આ ફોટા સાથે તેણે લખ્યું છે કે પરિવારની આ પ્રકારની પરિસ્થિતિમાં બાળકોને સામેલ કરવાનું કેટલું મહત્વનું છે.

સોનાલીએ બતાવ્યું કે કેવી રીતે તેનો પુત્ર રણવીર કેન્સર સામેની લડાઇમાં તેની તાકાત બની ગયો છે. પોતાના પુત્ર વિશે સોનાલીએ લખ્યું કે આજથી ઠીક ૧૨ વર્ષ, ૧૧ મહિના અને ૮ દિવસ પહેલા જયારે રણવીર (રોકબેહલ) પેદા થયો, તે મારા હૃદય પર રાજ કરવા લાગ્યો. ત્યાર પછી મેં અને ગોલ્ડીએ જે કંઇ પણ કર્યું તેના કેન્દ્રમાં માત્ર પુત્રની ખુશી અને તેનું જ સુખ હતું. જયારે તેને આટલી મોટી બીમારી કેન્સર વિશે ખબર પડી તો અમારા માટે સૌથી મોટી દ્વિધા એ હતી કે અમે કેન્સરની બીમારી વિશે રણવીરને શું અને કેવી રીતે કહીએ.

બેંદ્રેએ આગળ લખ્યું છે કે અમે તેને પ્રોટેકટ પણ કરવા માગતા હતા અને અમે એ પણ જાણતા હતા કે તેને સંપૂર્ણ વાસ્તવિકતા બતાવવાનું પણ અત્યંત જરૂરી હતું. અમે હંમેશ તેની સાથે ઓપન અને ઇમાનદાર રહ્યા છીએ અને આ સમય પણ કંઇક અલગ ન હતો. રણવીરની પ્રતિક્રિયા શેર કરતા સોનાલીએ લખ્યું કે તેને કેન્સર થયું હોવાની વાત રણવીરે બહુ જ પરિપકવ રીતે સાંભળી અને સમજી. ઓચિંતા જ તે મારી તાકાત અને સકારાત્મકતાનો  સ્ત્રોત બની ગયો. કેટલીક પરિસ્થિતિઓમાં તે હવે પુત્રને બદલે એક માતા-પિતાની જેમ વર્તન કરે છે. તે મને એ વસ્તુઓની યાદ અપાવે છે જે મારે કરવાનું જરૂરી છે.

સોનાલીએ લખ્યું કે હું એવું માનું છું કે આ પ્રકારની પરિસ્થિતિઓમાં બાળકોને સામેલ રાખવાનું અત્યંત જરૂરી છે. આપણે જેટલું સમજીએ છીએ બાળકો તેના કરતા ઘણું વધુ તેઓ આવી પરિસ્થિતિઓમાં પોતાને સેટ કરી લે છે. જરૂરી છે કે આવા સમયે તેમને સાઇડમાં રાહ જોવડાવાને બદલે તેમની સાથે સમય પસાર કરવામાં આવે અને તેમને પોતાની સાથે સામેલ કરવામાં આવે. તેમને બતાવવામાં ન આવે પરંતુ તેમને જાતે જ દરેક વસ્તુઓની ખબર પડે. એવું બની શકે કે આપણે તેમને જીવનના સત્યો અને તકલીફોથી બચાવી રાખવાની કોશિશોમાં તેનાથી વિપરીત કરી નાખીએ. સોનાલીએ એવુંં પણ લખ્યું કે હાલમાં હું રણવીર સાથે સમય પસાર કરી રહી છું. તેનું વેકેશન ચાલી રહ્યું છે. તેનું ગાંડપણ અને તેની શરારતો મને આ બીમારીમાંથી બહાર નીકળવામાં મદદ કરી રહી છે. આજે અમને એક-બીજાથી તાકાત મળી રહી છે.

(3:38 pm IST)