Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

પાકિસ્‍તાનની ‘હીરામંડી'નો ઇતિહાસ શું છે? જેના પર સંજય લીલા ભણસાલીએ એક સિરીઝ બનાવી

સંજય લીલા ભણસાલી તેમના પ્રથમ વેબ શો હીરામંડી માટે લાઈમલાઈટમાં આવ્‍યા છે : ફર્સ્‍ટ લુક સામે આવ્‍યા બાદ દરેક વ્‍યક્‍તિ હીરામંડીની સ્‍ટોરી જાણવા માંગતી હતી

નવી દિલ્‍હી તા. ૨૦ : સંજય લીલા ભણસાલી નામ જ કાફી છે. ભણસાલી જબરદસ્‍ત ફિલ્‍મો બનાવવા માટે જાણીતા છે. સંજય લીલા ભણસાલીની ફિલ્‍મોમાં માત્ર ભવ્‍ય અને મોંઘા સેટ જ નહીં પરંતુ ઐતિહાસિક અને અનોખી વાર્તાઓ પણ જોવા મળે છે. ફિલ્‍મો ઉપરાંત સંજય લીલા ભણસાલી ‘હીરામંડી'થી ડિજિટલ ડેબ્‍યૂ કરવા માટે તૈયાર છે. અત્‍યારે સીરિઝનો ફર્સ્‍ટ લૂક જ રિલીઝ થયો છે અને દરેક જગ્‍યાએ તેની ચર્ચા થઈ રહી છે. OTT પર પ્‍લેટફોર્મ જોવા માટે ‘હીરામંડી' ને હવે રાહ જોવી પડશે. તે પહેલા જાણીએ શું છે ‘હીરામંડી'ની વાર્તા

‘હીરામંડી'એ પાકિસ્‍તાનના લાહોરમાં સ્‍થિત એક રેડલાઇટ વિસ્‍તાર છે, જેને ‘શાહી મોહલ્લા' તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાગલા પહેલા ‘હીરામંડી'ની ગણિકાઓ દેશભરમાં પ્રખ્‍યાત હતી. એ વખતે રાજનીતિ, પ્રેમ અને છેતરપિંડી બધું વેશ્‍યાલયમાં જોવા મળતું. મુઘલ કાળમાં અફઘાનિસ્‍તાન અને ઉઝબેકિસ્‍તાનમાંથી પણ મહિલાઓ ‘હીરામંડી'માં રહેવા આવી હતી. તે સમયે તવાયફ શબ્‍દને ગંદી નજરે જોવામાં આવતો ન હતો. મુઘલ કાળમાં ગણિકાઓ સંગીત, કલા, નૃત્‍ય અને સંસ્‍કૃતિ સાથે સંકળાયેલા હતા. આ તે સમય હતો જયારે ગણિકાઓ માત્ર રાજાઓ અને બાદશાહોનું જ મનોરંજન કરતી હતી.

ધીરે ધીરે સમય બદલાયો, મુઘલ યુગનો અંત આવવા લાગ્‍યો અને ‘હીરામંડી' પર વિદેશીઓ દ્વારા હુમલો કરવામાં આવ્‍યો. બ્રિટિશ શાસન દરમિયાન ‘હીરામંડી'ની ચમક ઝાંખી પડવા લાગી. એટલું જ નહીં, અંગ્રેજોએ ‘હીરામંડી'ની ગણિકાઓને પણ વેશ્‍યા તરીકે નામ આપ્‍યું હતું. ‘હીરામંડી'ની ચમક એટલી બધી ઝાંખી પડી ગઈ કે આજ સુધી એ વિસ્‍તારની ચમક પાછી આવી નથી. આઝાદી પછી સરકારે પણ અહીં આવતા લોકો માટે ઘણી ઉત્તમ વ્‍યવસ્‍થાઓ કરી, પરંતુ તેમ છતાં તે કામ ન થયું.

એવું માનવામાં આવે છે કે ‘હીરામંડી'નું નામ શીખ મહારાજા રણજીત સિંહના મંત્રી હીરા સિંહ ડોગરાના નામ પરથી રાખવામાં આવ્‍યું હતું.‘હીરા સિંહ'એ જ અહીં અનાજ બજારનું નિર્માણ કરાવ્‍યું હતું, જેના પછી આ જગ્‍યાનું નામ ‘હીરામંડી' પડ્‍યું હતું. કરણ જોહરની ફિલ્‍મ ‘કલંક'માં પહેલીવાર ‘હીરામંડી'નો ઉલ્લેખ કરવામાં આવ્‍યો હતો.

શાહી મોહલ્લા હવે પહેલાની સરખામણીમાં શાહી નથી. દિવસના સમયે તે એક સામાન્‍ય બજાર જેવું લાગે છે, પરંતુ જેમ જેમ સાંજ પડે છે તેમ, ‘હીરામંડી' રેડ લાઈટ વિસ્‍તારમાં ફેરવાઈ જાય છે.

(10:53 am IST)