Gujarati News

Gujarati News

News of Sunday, 18th July 2021

ધર્મેન્દ્ર દિલીપ કુમારને ભાઈ માનતા હતા

દિલીપ કુમારને યાદ કરીને ધર્મેન્દ્રના આંસુ છલકાયા

બોલિવુડ અભિનેતા ધર્મેન્દ્ર અનિતા રાજ સાથે ઈન્ડિયન આઈડલ ૧૨ના અપકમિંગ એપિસોડના મહેમાન બનશે

મુંબઈ : બોલિવુડના સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય અભિનેતાઓમાંથી એક દિલીપ કુમારનું ૭મી જુલાઈએ મૃત્યુ થયું હતું. દિલીપ કુમાર ઘણા વર્ષોથી બીમાર હતા. દિલીપ કુમારના અવસાન બાદ માત્ર તેમના પત્ની અને પરિવારજનો જ નહીં પરંતુ ખાસ મિત્રો પણ આઘાતમાંથી બહાર આવ્યા નથી. જેમાંથી એક વીતેલા જમાનાના એક્ટર ધર્મેન્દ્ર પણ છે. ધર્મેન્દ્ર એક્ટ્રેસ અનિતા રાજ સાથે ઈન્ડિયન આઈડલ ૧૨ના અપકમિંગ એપિસોડના મહેમાન બનવાના છે. આ દરમિયાન શોના ટોપ ૬ કન્ટેસ્ટન્ટ્સ દિલીપ કુમારને તેની ફિલ્મનું ગીત ગાઈને ભાવભીની શ્રદ્ઘાંજલિ આપતા જોવા મળશે. જે જોઈને ધર્મેન્દ્ર ગળગળા થઈ જશે. શોના મેકર્સે અપકમિંગ એપિસોડનો પ્રોમો શેર કર્યો છે. જણાવી દઈએ કે, ધર્મેન્દ્ર દિલીપ કુમારને પોતાના મોટા ભાઈ માનતા હતા. વીડિયો તેઓ કહી રહ્યા છે કે 'હજી હું આઘાતમાંથી બહાર આવ્યો નથી. તેઓ મારો જીવ હતો. મેં મારા જીવનમાં પહેલી ફિલ્મ તેમની જોઈ હતી. તેમને જોઈને થયું હતું કે, કેટલો પ્રેમ છે યાર. હું પણ જો ઈન્ડસ્ટ્રીમાં જાઉ તો મને પણ આવો પ્રેમ મળે. મારા નસીબ સારા હતા કે ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકતા જ તેમની સાથે મુલાકાત થઈ ગઈ. મને પણ ખૂબ પ્રેમ મળવા લાગ્યો, હું તમને જણાવી નથી શકતો. દિલીપ સાબ જેટલા સારા એક્ટર હતા, તેનાથી પણ સારા વ્યક્તિ હતા. આજે પણ હું કહું છું કે ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકો છે, પરંતુ દિલીપ કુમાર જેવું કોઈ જોવા મળતું નથી.તેણે વધુમાં કહ્યું 'હું દિલીપ કુમારને માત્ર શ્રદ્ધાંજલિ આપવા માગુ છું. તેમને સ્વર્ગ મળે અને સાયરાને ઉપરવાળો શક્તિ આપે'. આટલું કહ્યા બાદ ધર્મેન્દ્ર ભાવુક થઈ ગયા હતા. દિલીપ કુમારની વાત કરીએ તો, ૩૦ જૂને શ્વાસમાં તકલીફ થતાં તેમને હિંદુજા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલીપ કુમારનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન હતું અને તેમનો જન્મ અવિભાજિત ભારતના પેશાવરમાં ૧૧ ડિસેમ્બર ૧૯૨૨માં થયો હતો. ૧૯૪૪માં ફિલ્મ 'જ્વાર ભાટા'થી તેમણે બોલિવુડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ દિલીપ કુમાર બોલિવુડના પ્રથમ સુપરસ્ટાર બન્યા અને એકથી એક ચડિયાતી ફિલ્મો આપી હતી. ઈન્ડિયન આઈડલ ૧૨ની વાત કરીએ તો, આ સીઝન ફિનાલેની નજીક છે. ૧૫મી ઓગસ્ટે સીઝનને તેનો વિનર મળી જશે.

(10:46 am IST)