Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

બિગ બોસ-૧૩ની સિઝન પુરી થઇ પરંતુ વિવાદ છોડતી ગઇઃ સલમાન ખાન શોને ૮ સિઝનથી હોસ્ટ કરી રહ્યો છે પરંતુ હવે મેકર્સમાં નારાજગી

નવી દિલ્હી: બિગ બોસ 13 ની આ વખતની સિઝન પૂરી  થઈ ગઈ પરંતુ વિવાદ છોડતી ગઈ. આ મોસ્ટ કન્ટ્રવર્શિયલ શોની આગામી સિઝનને લઈને એક આશ્ચર્યજનક વાત સામે આવી રહી છે. છેલ્લી 8 સિઝનથી આ શો બોલિવૂડનો દબંગ સુપરસ્ટાર સલમાન ખાન હોસ્ટ કરી રહ્યો હતો. પરંતુ હવે મેકર્સ એટલા નારાજ જોવા મળી રહ્યાં છે કે આ શોને છોડવાનું વિચારી રહ્યાં છે. આ નિર્ણય પાછળનું અસલ કારણ શું છે તે તમને જણાવીએ.

આ સિઝન એટલે કે બિગ બોસ 13નો ખિતાબ ટીવીના જાણીતા કલાકાર સિદ્ધાર્થ શુક્લાએ પોતાના નામે કર્યો. પરંતુ તે જીતતા જ વિજેતાને લઈને રિયલઅને સોશિયલ મીડિયાની દુનિયામાં વિવાદનો સિલસિલો ચાલુ થઈ ગયો હતો. હવે એવું પણ જાણવા મળી રહ્યું છે કે સલમાન ખાને પણ આ શોમાંથી પોતાના હાથ પાછા ખેંચી લીધા છે.

વેબસાઈટ બોલિવૂડ લાઈફ ડોટ કોમમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ સતત આ ટીવી શો પર આરોપ લાગી રહ્યાં છે કે તેઓ સિદ્ધાર્થ શુક્લાને લઈને  બાયસ્ડ છે. હવે એવા પણ અહેવાલ આવી રહ્યાં છે કે જેનાથી બિગ બોસના ચાહકોને મોટો ઝટકો લાગી શકે છે. કલર્સના પક્ષપાતી વલણને જોતા બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પણ ખુબ નારાજ છે. જેના કારણે તેણે નક્કી કર્યું છે કે બિગ બોસ 14ને તેઓ હવે હોસ્ટ કરશે નહીં.

જો કે સલમાન ખાન માટે આ કઈ નવું નથી. આ અગાઉ પણ અનેકવાર સલમાન ખાને શો છોડી દેશે તેમ કહ્યું હતું. બિગ બોસ 13માં પણ અધવચ્ચે જ ખબર આવ્યાં હતાં કે તબિયત સારી ન હોવાના કારણે સલમાન ખાન શો છોડી શકે છે. પરંતુ એવું બન્યું નહીં. હવે એ જોવાનું રહેશે કે નેક્સ્ટ સિઝનમાં સલમાન ખાન જોવા મળશે કે પછી શો છોડી દેશે. સમય જ જણાવશે.

(4:39 pm IST)