Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

બોકસ ઓફિસ પર મહાસંગ્રામની શરૂઆત

આ મહિને ધમાકેદાર ફિલ્મો થઇ રહી છે રિલીઝ

સૂર્યવંશી પછી એક પણ બોલીવુડ કે હોલીવુડ ફિલ્મ આવી નથી જેણે બોકસ ઓફિસ પર ધમાલ મચાવી હોય : સ્પાઈડર મેન નો વે હોમ પછી આગામી દિવસમાં રિલીઝ થનારી ફિલ્મો પર એક નજર કરીએ

મુંબઇ તા. ૧૭ : સ્પાઈડર મેન નો વે હોમ ૧૬ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ હોલીવુડ ફિલ્મને લઈને ટ્રેડ સર્કિટમાં જબરદસ્ત ચર્ચા છે અને માનવામાં આવે છે કે આ ફિલ્મ રેકોર્ડ ઓપનિંગ કરી શકે છે. ફિલ્મમાં લોકોની રૂચિ એ હકીકત પરથી સમજી શકાય છે કે મલ્ટિપ્લેકસ ચેઈન PVR સિનેમાસ અને INOX પર પહેલા દિવસના શોની લગભગ ૨.૫ લાખ ટિકિટ એડવાન્સ બુકિંગ દરમિયાન વેચાઈ હતી.

એવું માનવામાં આવે છે કે સ્પાઈડર મેન નો વે હોમ વિશ્વવ્યાપી રોગચાળા પછી રિલીઝ થયેલી ફિલ્મોમાં કમાણીના નવા રેકોર્ડ બનાવી શકે છે. વેરાયટી મેગેઝીને શરૂઆતના સપ્તાહમાં ઼૧૨૦ મિલિયનની કમાણીનો અંદાજ મૂકયો છે. ભારતમાં, ફિલ્મ અંગ્રેજીની સાથે હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થઈ છે.

સ્પાઈડર મેન નો વે હોમ સાથે, બોકસ ઓફિસ પર એક નવો પડકાર ઉભો થયો છે, જેનો થિયેટર માલિકો સામનો કરશે. વાસ્તવમાં, આગામી ૧૫ દિવસમાં, દર અઠવાડિયે એક મોટી ફિલ્મ બોકસ ઓફિસ પર ટકરાશે, જેના કારણે થિયેટર સંચાલકો માટે સ્ક્રીન આપવાનો પડકાર હશે. આ તમામ ફિલ્મો આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની છે અને તે બોકસ ઓફિસ પર સારો દેખાવ કરશે તેવી અપેક્ષા રાખી શકાય છે. આવી સ્થિતિમાં કઈ ફિલ્મને ઓછી અને કઈને વધુ સ્ક્રીન આપવી તે નક્કી કરવું સરળ રહેશે નહીં.

સૂર્યવંશી પછી એક પણ બોલીવુડ કે હોલીવુડ ફિલ્મ આવી નથી જેણે બોકસ ઓફિસ પર ધમાલ મચાવી હોય. સ્પાઈડર મેન નો વે હોમ પછી આગામી ૧૫ દિવસમાં રિલીઝ થનારી ફિલ્મો પર એક નજર કરીએ.

પાન ઈન્ડિયા ફિલ્મ પુષ્પા પાર્ટ-૧ : ધ રાઈઝ ૧૭ ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવશે. આ એક તેલુગુ ફિલ્મ છે જેમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ હિન્દી અને અન્ય દક્ષિણ ભારતીય ભાષાઓની સાથે તેલુગુમાં પણ રિલીઝ થશે. એવું માનવામાં આવે છે કે પાન ઈન્ડિયા સારી કમાણી કરી શકે છે.

મેટ્રિકસ રિસરેકશંસ ૨૨ ડિસેમ્બરે રિલીઝ થશે. હોલીવુડની સફળ સાય-ફાઇ ફ્રેન્ચાઇઝ ધ મેટ્રિકસ શ્રેણીની ફિલ્મમાં કીનુ રીવ્સ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે છે. આ વખતે પ્રિયંકા ચોપરાએ આ ફિલ્મમાં એન્ટ્રી કરી છે.

રણવીર સિંહની ૮૩ ૨૪ ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવશે. કબીર ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ૧૯૮૩માં ભારતીય ક્રિકેટ ટીમની પ્રથમ વર્લ્ડ કપ જીત પર આધારિત છે. આ ફિલ્મમાં રણવીર સિંહ તત્કાલિન કેપ્ટન કપિલ દેવના રોલમાં છે જયારે દીપિકા પાદુકોણ તેની પત્ની રોમી દેવના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, બોમન ઈરાની સહિતના શ્રેષ્ઠ કલાકારો ક્રિકેટરોના રોલમાં જોવા મળશે. આ પણ એક પાન ઈન્ડિયા ફિલ્મ છે, જે હિન્દીની સાથે દક્ષિણ ભારતીય ભાષાઓમાં પણ રિલીઝ થઈ રહી છે.

શાહિદ કપૂરની ફિલ્મ જર્સી ૩૧ જાન્યુઆરીએ રિલીઝ થશે. તે આ જ નામની તેલુગુ ફિલ્મની રિમેક છે. ફિલ્મની વાર્તા ક્રિકેટની રમત પર આધારિત છે. શાહિદ એક એવા ક્રિકેટરની ભૂમિકામાં છે જેણે ૧૦ વર્ષ પહેલા રમત છોડી દીધી હતી અને હવે તે ફરી એકવાર વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. મૃણાલ ઠાકુર અને પંકજ કપૂર ફિલ્મમાં મુખ્ય સ્ટારકાસ્ટનો ભાગ છે.

(10:32 am IST)