Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

‘તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા'માં નટુકાકાની પાત્રનું રિપ્‍લેસમેન્‍ટ નહીં થાય, અફવાઓ ઉપર ધ્‍યાન ન આપવા આસિત મોદીની સ્‍પષ્‍ટતા

નટુકાકાની ખુરશી ઉપર બેઠેલા એક વ્‍યકિતની તસ્‍વીર વાયરલ થયા બાદ ચોખવટ

નવી દિલ્હી: ટીવીની દુનિયામાં મોસ્ટ પોપ્યુલર કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું દરેક પાત્ર દર્શકોના હ્રદય પર રાજ કરે છે.  તાજેતરમાં શોના નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકનું નિધન થયું. આ ખબર બાદ દર્શકો ઊંડા આઘાતમાં સરી પડ્યા હતા. પરંતુ થોડા દિવસ બાદ એક તસવીર વાયરલ થઈ જેમાં શોમાં નટુકાકાને રિપ્લેસ કરવા માટે એક નવો કલાકાર એન્ટ્રી લેશે એવું દેખાડવામાં આવ્યું હતું. હવે આ ખબર પર શોના પ્રોડ્યુસર અસિત મોદીએ પોતે મોટો ખુલાસો કર્યો છે.

શું કહ્યું અસિત મોદીએ?

આ તસવીર વાયરલ થયા બાદ શોના પ્રોડ્યુસર અસિત મોદીએ એક ઈન્ટરવ્યુમાં એ સ્પષ્ટ કરી દીધુ કે વાયરલ થઈ રહેલી તસવીર સાચી નથી. અમારી સહયોગી વેબસાઈટ India.com ના અહેવાલ અનુસાર આ વાતચીતમાં તેમણે કહ્યું કે નટુકાકાના પાત્રનું રિપ્લેસમેન્ટ થશે નહીં.

નટુકાકાને કોઈ નહીં કરે રિપ્લેસ

આ મામલે અસિતે ખુબ જ ભાવુક કરી નાખે તેવો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે 'સીનિયર અભિનેતાના અવસાનને માંડ એક મહિનો થયો છે. ઘનશ્યામ નાયક ઉર્ફે નટુકાકા મારા મિત્ર પણ રહ્યા છે અને તેમની સાથે અનેક વર્ષો સુધી મે કામ કર્યું છે. શોમાં તેમના યોગદાનની અમે ઈજ્જત કરીએ છીએ. હજુ સુધી તેમના કેરેક્ટરના રિપ્લેસમેન્ટ અંગે અમે કશું પ્લાન કર્યું નથી.' તેઓએ વધુમાં કહ્યું કે 'અનેક અફવાઓ ઉડી રહી છે, પરંતુ ઓડિયન્સને પ્રાર્થના કરું છું કે તેઓ તેના પર ધ્યાન ન આપે.'

કોની તસવીર થઈ વાયરલ

અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા ગડા ઈલેક્ટ્રોનિક્સમાં નટુકાકાની સીટ પર એક વ્યક્તિ બેઠા છે એવી તસવીર વાયરલ થઈ હતી. એવો દાવો કરાયો હતો કે શોમાં હવે નટુકાકાની ભૂમિકા આ વ્યક્તિ ભજવશે. પરંતુ આ વાયરલ તસવીર કોઈ અન્યની નહીં પરંતુ દુકાનના અસલ માલિકના પિતાની છે.

વાયરલ તસવીરનું સત્ય

આ દુકાનના અસલ માલિક શેખર ગઢિયાએ આ તસવીર વાયરલ થયા બાદ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે કેટલાક લોકો ખોટી ખબરો ચલાવે છે. નટુકાકાના રિપ્લેસમેન્ટની ખબર પણ તેમાંથી એક છે. જે ફોટો વાયરલ થયો છે તે મારા પિતાનો છે. તેઓ આ દુકાનના અસલ માલિક છે. મારા કોઈ એક વીડિયોમાં તેમની એક ઝલક હતી, કોઈએ તેનો સ્ક્રિનશોટ લીધો અને નટુકાકા ગણાવીને વાયરલ કરી દીધો. જેમાં કોઈ સચ્ચાઈ નથી. અત્રે જણાવવાનું કે 3 ઓક્ટોબરના રોજ ઘનશ્યામ નાયકનું નિધન થયું હતું.

(4:34 pm IST)