Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

હું એકાદ ફિલ્મ માટે સુપરસ્ટાર બનવા માંગતો નથી: અમિત સાધે

મુંબઇ: અભિનેતા અમિત સાધે કહ્યું હતું કે મારે એકાદ ફિલ્મ પૂરતા સુપર સ્ટાર નથી થવું. એના કરતાં ધીમી પણ મક્કમ ગતિએ સ્થિર થવામાં માનું છું. અગાઉ ટીવી પર ક્યૂં હોતા હૈ પ્યાર સિરિયલ કર્યા બાદ એણે કાઇપો છે અને અલી અબ્બાસ ઝફરની સુલતાન ફિલ્મો કરી હતી. હાલ એ આર માધવન સાથે વેબ સિરિઝ બ્રીધ કરી રહ્યો છે. એણે કહ્યંુ કે આમાંની એક પણ બાબત મેં સભાનપણે કરી નથી. મને જેમ જેમ તક મળતી ગઇ એમ એમ હું આગળ વધતો ગયો. બ્રીધને મળી રહેલા આવકાર પરથી હું સમજું છું કે અમારો પ્રયાસ સફળ નીવડયો છે. એણે કહ્યું કે માત્ર એકાદ બે ફિલ્મો કરીને સુપર સ્ટાર ગણાવા કરતાં ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધવાથી કારકિર્દી સેટલ થાય છે. મને કામચલાઉ સુપર સ્ટાર થવામાં રસ નથી. ભલે થોડું મોડું થાય પરંતુ એકવાર કારકિર્દી સ્થિર થવી જોઇએ. એણે કહ્યું કે મેં બહુ થોડા સમયમાં લીલી સૂકી જોઇ લીધી છે. ઘણા બધા ઓડિશન્સ આપ્યાં. પરંતુ કામ મળતું નહોતું. રનીંગ શાદી નામની ફિલ્મ કરી જે ત્રણ વર્ષ સુધી રિલિઝ થઇ નહી. એજ રીતે યારા નામની ફિલ્મ માટે તો પચીસ કિલો વજન વધાર્યું. એ ફિલ્મ પણ રજૂ થઇ નહીં.  સુલતાન રજૂ થયા પછી કારકિર્દી થોડી ઝડપી બની રહી હોય એવું લાગ્યંુ. મેં રામ ગોપાલ વર્માની સરકાર થ્રી કરી અને હવે બ્રીધ કરી રહ્યો છું. મને રાતોરાત સફળ થવાની કોઇ ઉતાવળ નથી.

(5:13 pm IST)