Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

તેમણે મારા ઉપર નહીં, ફિલ્મના સીન ઉપર કમેન્ટ કરી હતીઃ પ્રકાશ ઝા સામે આક્ષેપ બાદ બોલિવૂડ અભિનેત્રી આહનાકુમારે ફેરવી તોળ્યુ

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ આહના કુમારે હાલમાં ફિલ્મમેકર પ્રકાશ ઝા પર તેના વિશે અણછાજતી કમેન્ટ કરવાનો આરોપ મૂક્યો હતો. જોકે વિવાદ બહુ વધી જતા આહનાએ આખી વાત પર ઠંડું પાણી રેડી દેતું નિવેદન આપ્યું છે. આહનાએ ફેરવી તોળતા કહ્યું છે કે પ્રકાશ ઝા પણ ફિલ્મના ડિરેક્ટર હતા અને તેમણે સીનને સારો બનાવવા માટે સલાહ આપી હતી. તેઓ થોડા સમય સેટ પર રહ્યા અને પછી ચાલ્યા ગયા હતા. અમે પછી શૂટમાં પ્રકાશ ઝાના પોઇન્ટનો ઉમેરો કરી દીધો હતો. આહનાએ કહ્યું છે કે મારા નિવેદનને મીડિયાએ ખોટી રીતે રજુ કર્યું છે. પ્રકાશ ઝા બહુ સારા વ્યક્તિ છે અને અમે બધા એક્ટર તેમનું બહુ સન્માન કરીએ છીએ. તેમને કારણ વગર વિવાદમાં લાવવામાં આવ્યા છે. તેમણે મારા પર નહીં પણ ફિલ્મના સીન પર કમેન્ટ કરી હતી.

નોંધનીય છે કે એક્ટ્રેસ અહાના કુમારે પ્રકાશ ઝાને લઈને એક ખુલાસો કર્યો છે. 2017માં આવેલી ફિલ્મલિપસ્ટિક અન્ડર માય બુરખામાં અહાનાએ કામ કર્યું છે. ફિલ્મના પ્રોડ્યૂસર પ્રકાશ ઝા હતા. અહાનાએ જણાવ્યું હતું કે, ‘ફિલ્મના શૂટિંગ દરમ્યાન હું એક ઇન્ટિમેટ સીનનું શૂટિંગ કરી રહી હતી. ત્યારે પ્રકાશ ઝા ત્યાં આવ્યા અને તેણે એવી કમેન્ટ કરી જેનાથી હું અનકમ્ફર્ટેબલ થઇ ગઈ.’ અહાનાએ ફિલ્મની ડિરેક્ટર અલંકૃતા શ્રીવાસ્તવને જઈને કહ્યું કે, ‘હું તેમનું સન્માન કરું છું પણ તે મારા ડિરેક્ટર નથી. જો તે મારા ડિરેક્ટર નથી તો હું શું કામ તેની કમેન્ટ સાંભળું.’

ત્યારબાદ ડિરેક્ટરે પ્રકાશ ઝા સાથે વાત કરી અને તેને ત્યાંથી જવા માટે કહ્યું હતું. અહાનાએ વધુમાં ખુલાસો કરતાં ઉમેર્યું હતું કે, તે સમજી ગયા હતા કે અમે તેની હાજરીથી કમ્ફર્ટેબલ નથી. માટે તેઓ ત્યાંથી કંઈપણ બોલ્યા વગર જતા રહ્યા હતા. અલંકૃતા શ્રીવાસ્તવે ડિરેક્ટર પ્રકાશ ઝાને ઘણી ફિલ્મોમાં અસિસ્ટ કર્યું હતું. પ્રકાશ ઝા એક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યૂસર છે. જોકે નિવેદન પછી મોટો વિવાદ થતા અહાનાએ આખી વાતને નવો એન્ગલ આપી દીધો છે.

(4:52 pm IST)